Ahmedabad

‘તારા જિમવાળાને લઈને પહોંચી જજે’, અમદાવાદમાં ધો.11ના વિદ્યાર્થીઓ બાખડ્યા, સગીરને રિવરફ્રન્ટ બોલાવી પથ્થરથી માર્યો

By GS Team
2 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે ધોરણ-11ના વિદ્યાર્થીઓ વચ્ચે જૂથ અથડામણ થઈ. શ્રેયસ ક્રોસિંગ નજીકની સ્કૂલની વિદ્યાર્થિની સાથેની બોલાચાલીની અદાવતમાં 16 વર્ષીય સગીરને તેના સહાધ્યાયીઓએ પથ્થર અને મુક્કાથી માર માર્યો. લોહીલુહાણ થયેલા સગીરની માતાએ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સગીર હુમલાખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘તારા જિમવાળાને લઈને પહોંચી જજે’, અમદાવાદમાં ધો.11ના વિદ્યાર્થીઓ બાખડ્યા, સગીરને રિવરફ્રન્ટ બોલાવી પથ્થરથી માર્યો

Ahmedabad Riverfront Class 11 Students Clash: અમદાવાદ શહેરના શ્રેયસ ક્રોસિંગ નજીક આવેલી એક સ્કૂલમાં ધોરણ-11માં ભણતી વિદ્યાર્થિની સાથે બોલાચાલીની અદાવતમાં 16 વર્ષીય સગીરને રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે બોલાવી તેના જ સહાધ્યાયીઓએ પથ્થર અને મુક્કાથી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. લોહીલુહાણ હાલતમાં મુકાયેલા સગીરની માતાએ આ મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સગીર વયના હુમલાખોર વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં ધો.11ના વિદ્યાર્થીઓ બાખડ્યા

એલિસબ્રિજ વિસ્તારમાં રહેતો 16 વર્ષીય સગીર શ્રેયસ ક્રોસિંગ પાસે આવેલી સ્કૂલમાં ધોરણ-11માં અભ્યાસ કરે છે. ગત 10મી તારીખે તે ક્લાસમાં સાથે ભણતી વિદ્યાર્થિની સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ મામલે વિદ્યાર્થિનીએ અન્ય સહપાઠીને વાત કરતા તેણે સ્કૂલ છૂટ્યા બાદ પીડિત સગીર સાથે ઝઘડો કરી બધા વિદ્યાર્થીઓ સામે લાફો ઝીંકી દીધો હતો અને વિદ્યાર્થિનીની માફી મંગાવી હતી.

સગીરને રિવરફ્રન્ટ બોલાવી પથ્થરથી માર્યો

​આટલેથી મામલો શાંત ન પડતાં હુમલાખોર સગીરે ભોગ બનનારને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલીને ‘તારા જિમવાળા જેટલા હોય એને લઈને રિવરફ્રન્ટ આવી જજે’ તેવી ખુલ્લી ચેલેન્જ આપી હતી. જેથી ભોગ બનનાર સગીર તેના ત્રણ મિત્રો સાથે રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પહોંચ્યો હતો. બીજી તરફ સામેવાળો વિદ્યાર્થી પણ સ્કૂલના સાગરિતોને લઈને ત્યાં પહોંચી ગયો હતો. ​ટોળાએ ભેગા મળી ભોગ બનનાર સગીર તેમજ તેના મિત્રો પર હુમલો કરી પથ્થરો વડે માર મારતાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.

જાહેર જગ્યા પર લોકોનું ટોળું એકઠું થતાં આરોપી વિદ્યાર્થીઓ જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. ઘટના સ્કૂલના પ્રિન્સિપાલ પાસે પહોંચતા તેઓએ શરૂઆતમાં માફીપત્ર લખાવ્યું હતું, પરંતુ ઈજાઓ ગંભીર હોવાથી આખરે ભોગ બનનાર સગીરની માતાએ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.