Ahmedabad

અમદાવાદ: રખિયાલમાં યુવતી મામલે મિત્રો વચ્ચે લોહિયાળ ખેલ: પાનના ગલ્લે બોલાવી માથામાં ચપ્પુના ઘા ઝીંક્યા

By GS Team
16 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના રખિયાલમાં યુવતીની બાબતે થયેલા વિવાદમાં એક મિત્રએ જ બીજા મિત્ર મોહમ્મદ સુફેલ ઉર્ફે ગોલુ પર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો છે. ચકુડિયા મહાદેવ મંદિર સામે પાનના ગલ્લા પર બનેલી આ ઘટનામાં 22 વર્ષીય સુફેલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. રખિયાલ પોલીસે આરોપી સમીર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: રખિયાલમાં યુવતી મામલે મિત્રો વચ્ચે લોહિયાળ ખેલ: પાનના ગલ્લે બોલાવી માથામાં ચપ્પુના ઘા ઝીંક્યા

Youth Attacked with Knife Over Girl Dispute in Rakhial : અમદાવાદ શહેરમાં નજીવી તકરાર અને અંગત અદાવતમાં હિંસક હુમલાની ઘટનાઓ ચિંતાજનક રીતે સામે આવી રહી છે. પૂર્વ વિસ્તાર ગણાતા રખિયાલમાં યુવતીની બાબતે થયેલા વિવાદમાં એક મિત્રે જ બીજા મિત્ર પર ચપ્પુથી જીવલેણ હુમલો કરી દેતાં ભારે ચકચાર મચી ગઈ છે. ચકુડિયા મહાદેવ મંદિર સામે જાહેરમાં પાનના ગલ્લા પર બનેલી આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પાનના ગલ્લા પર બોલાવી અચાનક હુમલો કર્યો
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં બળિયા કાકા ચાર રસ્તા પાસે આવેલી કાશીબાઈની ચાલીમાં રહેતો 22 વર્ષીય મોહમ્મદ સુફેલ ઉર્ફે ગોલુ મોઇનુદ્દીન પઠાણ POP મજૂરીકામ કરીને ગુજરાન ચલાવે છે. સોમવારે સાંજે આશરે 7:00 વાગ્યાની આસપાસ તે તેના મિત્ર સમીર સિકંદર સૈયદ સાથે રખિયાલ ચકુડિયા મહાદેવ મંદિર સામે આવેલા પાનના ગલ્લા પર ઊભો હતો.

તે દરમિયાન, ચકુડિયા મહાદેવના છાપરામાં રહેતા તેના પરિચિત સમીરે સુફેલને ફોન કરીને તેનું લોકેશન પૂછ્યું હતું. સુફેલે પોતે પાનના ગલ્લે હોવાનું જણાવતાં જ સમીર માત્ર 2 થી 3 મિનિટમાં એક્સેસ ટુ-વ્હીલર લઈને ત્યાં પહોંચી ગયો હતો.

યુવતીની બાબતે બોલાચાલી અને માથામાં ચપ્પુના ઘા
ત્યાં પહોંચતાંની સાથે જ આરોપી સમીરે એક યુવતીની બાબતને લઈને ઉગ્ર બની જઈ સુફેલ સાથે ગાળાગાળી શરૂ કરી દીધી હતી તેમજ તેને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. સુફેલે ગાળો બોલવાની અને મારપીટ કરવાની ના પાડતાં આરોપી સમીર વધુ ઉશ્કેરાયો હતો. આવેશમાં આવીને તેણે પોતાની પાસે રહેલું તીક્ષ્ણ ચપ્પુ કાઢી સુફેલના માથાના ભાગે ઉપરાઉપરી 2 ઘા મારી દીધા હતા.

જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી ફરાર
હુમલો કર્યા બાદ આરોપી સમીરે ઈજાગ્રસ્ત સુફેલ તેમજ ત્યાં સ્થળ પર હાજર તેના મિત્ર સમીર સિકંદર સૈયદ બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ તે પોતાના ટુ-વ્હીલર પર સવાર થઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.

ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલ ખસેડાયો, પોલીસ તપાસ શરૂ
હુમલામાં લોહીલુહાણ થયેલો સુફેલ બાઈક ચલાવીને પોતાની ચાલીના નાકે પહોંચ્યો હતો. ત્યાં તેના મોટા ભાઈ આમીરખાને તેની ગંભીર હાલત જોઈ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. આ મામલે રખિયાલ પોલીસે આરોપી સમીર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.