અમદાવાદ વરસાદે મનપાની પોલ ખોલી: હેલમેટ સર્કલ નજીક રોડ બેસી ગયો, અનેક વિસ્તારોમાં ખાડાઓનું સામ્રાજ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Rain: અમદાવાદમાં મધ્યરાત્રિએ ખાબકેલા ભારે વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. માત્ર બે કલાકમાં પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા. રસ્તાઓ ધોવાઈ જવાની સાથે હેલમેટ સર્કલ જેવા વ્યસ્ત માર્ગો બેસી જતાં અને અનેક જગ્યાએ ખાડાઓનું સામ્રાજ્યથી વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
2 કલાકમાં ઓગણજમાં સૌથી વધુ 4 ઇંચ
મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં રાત્રિના 12થી 2 વાગ્યા દરમિયાન સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ તૂટી પડ્યો હતો. પશ્ચિમ વિસ્તારના ઓગણજમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે અખબારનગર, મકરબા અને મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર માટે તાત્કાલિક બંધ કરવા પડ્યા હતા. જોકે, મ્યુનિસિપલ તંત્ર દ્વારા પમ્પિંગ શરૂ કરાતાં 4 કલાકની જહેમત બાદ સવારે 7 વાગ્યે અંડરપાસ ફરી ચાલુ કરાયા હતા.
હેલમેટ સર્કલ પાસે રસ્તો બેસી ગયો, અનેક વિસ્તારો ખખડધજ
વરસાદી પાણી ઓસરતાં જ રસ્તાઓની બિસ્માર હાલત સામે આવી છે. વિજય ચાર રસ્તાથી હેલમેટ સર્કલ તરફ જતા મુખ્ય માર્ગ પર ડ્રેનેજ લાઈનના મેનહોલ પાસે રસ્તો બેસી ગયો છે. અહીં ગમે ત્યારે મોટો ભુવો પડી શકે તેમ હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય બેરિકેડિંગ ન કરાતા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. ચાંદલોડિયાના વંદેમાતરમ વિસ્તારમાં વૃંદાવન હાઇટ્સથી સેવી સ્વરાજ તરફ જતો માર્ગ સંપૂર્ણપણે ખખડધજ થઈ ગયો છે.
ચંદ્રભાગા નાળાની ચાલી રહેલી કામગીરીની આસપાસ રોડ સાઈડના ખાડાઓ જોખમી બન્યા છે. સૈજપુરના બંગલા એરિયાના મુખ્ય માર્ગ પર પડેલા એક મોટા ગાબડામાં એક મહિલા ફસાઈ ગઈ હતી, જેને ફાયર બ્રિગેડે સમયસર રેસ્ક્યુ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.
શોર્ટ સર્કિટથી કરંટ લાગ્યો અને દિવાલો ધરાશાયી થઈ
વરસાદની સાથે શહેરમાં અન્ય અકસ્માતો પણ નોંધાયા છે. ચાંદખેડાના ગોકુલધામ પાસે આવેલા સારથી બંગલોઝ નજીક સ્ટ્રીટ લાઈટના થાંભલામાં શોર્ટ સર્કિટ થતાં એક વ્યક્તિને જોરદાર કરંટ લાગ્યો હતો, જેને તુરંત હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયો હતો. આ ઉપરાંત, દૂધેશ્વર વિસ્તારમાં મહાકાળી મંદિર પાસે અને નાના ચિલોડાના નોબલ નગર નજીક આવેલી આંગન સોસાયટીમાં દિવાલો ધરાશાયી થવાના બનાવો બન્યા હતા. પહેલા જ વરસાદે પ્રશાસનની દાવાઓની હવા કાઢી નાખી છે.









