અમદાવાદ રેલવેએ ટિકિટ ભાડા ઉપરાંતની આવક વધારવા 4.69 કરોડથી વધુના કર્યા કરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Railway Division: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે પોતાની બિન-ભાડા આવક (Non-Fare Revenue) વધારવા અને ઉપલબ્ધ સંપત્તિઓનો મહત્તમ વ્યાવસાયિક ઉપયોગ કરવાના ઉદ્દેશથી ઈ-નીલામી (e-Auction) મારફતે શ્રેણીબદ્ધ મહત્ત્વપૂર્ણ કરારો કર્યા છે. મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણયોથી રેલવેની આવકમાં મોટો વધારો થવાની સાથે મુસાફરોની સગવડમાં પણ સુધારો થશે.
30 ઓવરહેડ પાણીની ટાંકીઓ પર 5 વર્ષ માટે વોલ પેઇન્ટિંગ જાહેરાત
અમદાવાદ ડિવિઝને રેલવે સ્ટેશનો અને પરિસરોમાં આવેલી 30 ઓવરહેડ પાણીની ટાંકીઓ પર વોલ પેઇન્ટિંગ દ્વારા જાહેરાતો પ્રદર્શિત કરવા માટે 5 વર્ષનો કરાર કર્યો છે. જેનાથી..
•કુલ આવક: 22.12 લાખ.
•જાહેરાત ક્ષેત્રફળ: આશરે 2,901 ચોરસ મીટર.
•આવરી લેવાયેલા સ્ટેશનો/સ્થળો: અમદાવાદ, મણિનગર, કાંકરિયા યાર્ડ, ભુજ, પાલનપુર, મહેસાણા, સાણંદ, ગાંધીનગર, સાબરમતી, આંબલી રોડ, ખોડિયાર, છારોડી, ઝખવાડા તથા ભીલડી.
નોન-પ્રીમિયમ ટ્રેનોમાં હવે સીટ પર જ મળશે દૈનિક સામાન
ડિવિઝનના કોમર્શિયલ વિભાગે આગામી 3 વર્ષ માટે ટ્રેન સાઇડ વેન્ડિંગ (TSV) અને વંદે ભારત ટ્રેનમાં જાહેરાતો સહિત કુલ 4.47 કરોડ રૂપિયાના કરાર મંજૂર કર્યા છે. જેમાં…
•બેઠક પર સીધી સુવિધા: નોન-પ્રીમિયમ ટ્રેનોમાં મુસાફરોને ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, ટિશ્યૂ પેપર, સેનેટરી પેડ, ડાયપર, અખબારો, મેગેઝિન, મોબાઇલ ચાર્જર, ઇયરફોન અને રમકડાં જેવી જરૂરિયાતની વસ્તુઓ પોતાની સીટ પર જ મળી રહેશે.
•MRP પર જ વેચાણ અને બિલિંગ: તમામ સામાન નિર્ધારિત MRP પર જ મળશે અને મુસાફરને બિલ આપવું ફરજિયાત રહેશે. અનધિકૃત કે એક્સપાયરી ડેટવાળી વસ્તુઓના વેચાણ પર સખત પ્રતિબંધ રહેશે.
•ઓનલાઇન ઓર્ડર સુવિધા: નવી વ્યવસ્થા અંતર્ગત મુસાફરી દરમિયાન સામાન માટે ઓનલાઇન ઓર્ડર અને ડિલિવરીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે.
અનધિકૃત ફેરિયાઓ પર રોક અને કડક મોનિટરિંગ
ગેરકાયદે વેન્ડરોની સમસ્યા ડામવા માટે રેલવેએ નિયમો કડક બનાવ્યા છે:
•દરેક ટ્રેનમાં વધુમાં વધુ 4 અધિકૃત વેન્ડરોને જ પ્રવેશ મળશે.
•વેન્ડરો માટે નિર્ધારિત યુનિફોર્મ, બેજ અને ક્યુઆર કોડ આધારિત ઓળખપત્ર ફરજિયાત રહેશે.
વંદે ભારત એક્સપ્રેસમાં હેડ રેસ્ટ કવર પર જાહેરાત
અમદાવાદ ડિવિઝન હેઠળ દોડતી વંદે ભારત એક્સપ્રેસના કોચમાં હેડ રેસ્ટ કવર પર જાહેરાત માટે 3 વર્ષનો કરાર કરાયો છે, જેનાથી 18 લાખ રૂપિયાની આવક થશે. આ વ્યવસ્થાથી બ્રાન્ડ્સને હજારો મુસાફરો સુધી સીધો પ્રચાર મળશે અને કોચનો લુક પણ આધુનિક જળવાઈ રહેશે.
બિન-ભાડા આવક કરારના મુખ્ય આંકડા
ટ્રેન સાઇડ વેન્ડિંગ (TSV): 3 વર્ષ, 3.72 કરોડ
વંદે ભારત હેડ રેસ્ટ જાહેરાત: 3 વર્ષ, 18 લાખ
30 ટાંકીઓ પર જાહેરાત: 5 વર્ષ, 22.12 લાખ




