Ahmedabad

અમદાવાદ: રચના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં 84 લાખનો કાંડ: મહિલા એકાઉન્ટન્ટ સામે ગુનો નોંધાયો

By GS Team
1 Aug 20261 min read
TukuTouch Logo
અમદાવાદના થલતેજમાં આવેલી રચના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં મહિલા એકાઉન્ટન્ટ અંજના પટેલે ₹84 લાખની છેતરપિંડી આચરી છે. તેણે 2019થી કંપનીના નાણાં પોતાના પુત્ર, સગાં અને મિત્રોના બેંક ખાતામાં જમા કરાવી ઉપાડી લીધા હતા. ગીરીશભાઈ રાવલની ફરિયાદ આધારે બોડકદેવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: રચના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં 84 લાખનો કાંડ: મહિલા એકાઉન્ટન્ટ સામે ગુનો નોંધાયો

Rachana Infrastructure Accountant Scam: અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી રચના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં કામ કરતી મહિલા એકાઉન્ટન્ટે તેના પુત્ર અને સગા મિત્રોના બેંક એકાઉન્ટમાં રૂ. 84 લાખની માતબર રકમ જમા કરાવીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ બોડકદેવ પોલીસ મથકે નોંધવામાં આવી છે.

કેવી રીતે કરી છેતરપિંડી?

સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા શ્રીરંગ બંગ્લોઝમાં રહેતા ગિરીશભાઈ રાવલ થલતેજમાં સોમ્ય સ્કેવરમાં રચના ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કન્સ્ટ્રક્શન કંપની ધરાવે છે અને ભારતના વિવિધ શહેરોમાં પ્રોજેક્ટ ચલાવે છે. તેમની કંપનીમાં વર્ષ 2019થી અંજના પટેલ (રહે. ન્યુ સન ટ્રેક સોસાયટી, પ્રભાત ચોક, ઘાટલોડિયા) નામની મહિલા એકાઉન્ટન્ટ તરીકે કામ કરતી હતી. કંપનીની પેમેન્ટ સિસ્ટમ એવી હતી કે કોઈને પેમેન્ટ કરવાનું હોય ત્યારે એકાઉન્ટ ધારકનું નામ, એકાઉન્ટ નંબર અને રકમ લેટરપેડમાં લખીને એક ચેકમાં ટોટલ રકમ લખીને બેંકમાં આપતા તે પેમેન્ટ થઈ જતું હતું. જેનું લિસ્ટ અંજના તૈયાર કરતી હતી.

ગત જાન્યુઆરી મહિનામાં એક બિલના હિસાબમાં શંકા જતા ગિરીશભાઈએ પાંચ વર્ષના હિસાબ તપાસવા માટે સૂચના આપી હતી. જેમાં અંજના પટેલે કુલ રૂ. 84 લાખની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. આ નાણાં તેણે તેના પુત્ર નિસર્ગ, અન્ય સગા અને મિત્રોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને ઉપાડી લીધા હતા. આ અંગે તેમણે અંજનાને મળવાનું કહ્યું હતું, પરંતુ તેણે નોકરી પર આવવાનું બંધ કરી દીધું હતું. આ અંગે બોડકદેવ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.