Ahmedabad

અમદાવાદ: આનંદનગર આંગણવાડીમાંથી બાળકોના સરકારી અનાજની ચોરી, તેડાગર સામે પોલીસ ફરિયાદ

By GS Team
23 Jul 20261 min read
TukuTouch Logo
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં ગરીબ બાળકો અને સગર્ભા મહિલાઓ માટેના ₹24,565ના સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. કૃષ્ણધામ આંગણવાડી-06ના તેડાગર મનિષાબહેન મીસ્ત્રીએ 37 બેગ અનાજ ટેમ્પોમાં ભરી વેચવાનો પ્રયાસ કર્યો હતો. વીડિયો વાયરલ થતાં ભાંડો ફૂટ્યો અને ટેમ્પોચાલક જથ્થો પરત ઉતારી ફરાર થયો. મુખ્ય સેવિકાએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: આનંદનગર આંગણવાડીમાંથી બાળકોના સરકારી અનાજની ચોરી, તેડાગર સામે પોલીસ ફરિયાદ

Ahmedabad News: ગરીબ બાળકો અને સગર્ભા મહિલાઓ માટે સરકાર દ્વારા અપાતા પોષણક્ષમ અનાજ બારોબાર વેચી મારવાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલી આંગણવાડીમાંથી 24,565 રૂપિયાની કિંમતનો સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનો પ્રયાસ કરનાર તેડાગર મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધાતાં ખળભળાટ મચી ગયો છે.

વીડિયો વાઈરલ થતાં ભાંડો ફૂટ્યો!

મળતી વિગતો મુજબ, ગત 19મી જુલાઈના રોજ રવિવારે બપોરે કૃષ્ણધામ આંગણવાડી-06ના તેડાગર મનિષાબહેન મીસ્ત્રી (રહે. વેજલપુર)એ કેન્દ્ર પર આવીને અનાજની ચોરી આચરી હતી. તેમણે કૃષ્ણધામ-06 અને 01માંથી બાળશક્તિની 16 બેગ, માતૃશક્તિની 6 બેગ અને પૂર્ણાશક્તિની 15 બેગ મળીને કુલ 37 બેગ (કિંમત રૂ. 24,565) એક અજાણ્યા ટેમ્પોમાં ભરીને વેચવા મોકલી હતી. જોકે, આ ગેરરીતિનો એક અજાણ્યા શખસે વીડિયો ઉતારી લેતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. વીડિયો શૂટ થતાં જ ટેમ્પોચાલક ગભરાઈ ગયો હતો અને તમામ જથ્થો આંગણવાડી ખાતે પાછો ઉતારીને ભાગી છૂટ્યો હતો.

મુખ્ય સેવિકાએ નોંધાવી ફરિયાદ

આ ઘટનાની જાણ થતાં જ સરખેજ-01ના સુપરવાઈઝર અને મુખ્ય સેવિકા રચનાબેન વસંતભાઈ પટેલે બ્લોક કો-ઓર્ડીનેટર અને પ્રોગ્રામ ઓફિસર સહિતની ટીમ સાથે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસમાં ચોરીનો પ્રયાસ સાબિત થતાં તેમણે પોતાના જ હાથ નીચે કામ કરતા તેડાગર મનિષાબેન મીસ્ત્રી વિરુદ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. હાલ આનંદનગર પોલીસે સરકારી સામાનની નોકર ચોરી અંગેનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.