અમદાવાદ: કૃષ્ણનગરમાં સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડની બોટલમાં ભરી વેચવાનું નેટવર્ક ઝડપાયું, 1.32 લાખનો મુદ્દામાલ જપ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Liquor Racket: અમદાવાદના કૃષ્ણનગરમાં ઠક્કરબાપાનગર ખાતે આવેલા એક મકાનમાં સસ્તી બ્રાન્ડના વિદેશી દારૂને મોંઘી બ્રાન્ડની બોટલોમાં ભરીને ડુપ્લિકેટ લેબલ લગાવી ઊંચા ભાવે વેચવાના રેકેટનો એલસીબી ઝોન-5 અને કૃષ્ણનગર પોલીસ ટીમે પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે રવિવારે (27મી સપ્ટેમ્બર) સાંજે પાડવામાં આવેલા દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી એક યુવકને રંગેહાથ ઝડપી લીધો હતો.
મોંઘી બ્રાન્ડના ડુપ્લિકેટ સ્ટીકરો અને બોટલો જપ્ત
મળતી માહિતી અનુસાર, પોલીસે સ્થળ પરથી 1.32 લાખ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂ, બિયર તેમજ મોટા પ્રમાણમાં ખાલી બોટલો, ઢાંકણા અને જાણીતી બ્રાન્ડ્સના ડુપ્લિકેટ સ્ટીકરો જપ્ત કર્યા છે. આ ગુનાઈત કાવતરામાં સંડોવાયેલા અન્ય ત્રણ સાગરીતોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પોલીસને બાતમી મળી હતી કે ઠક્કરબાપાનગરમાં હરિઓમ સાયકલ સામેની ગલીમાં આવેલા મકાન નંબર 141ના બીજા માળે સસ્તા દારૂમાંથી મોંઘી બ્રાન્ડનો દારૂ બનાવી છૂટકમાં વેચવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને 23 વર્ષીય હેમલ ઉર્ફે હેમુ વાઘેલા પકડ્યો હતો. પૂછપરછમાં સામે આવ્યું હતું કે, મકાન સુનીલ સોલંકીનું છે અને છેલ્લા એક મહિનાથી તે ભરત ઉર્ફે ભરતો કિશન સોલંકી તથા વિજય સોલંકી સાથે મળીને આ ગોરખધંધો ચલાવતા હતા.
મોંઘી બ્રાન્ડના સ્ટીકરો લગાવી બોટલો તૈયાર કરતા હતા. પોલીસે 1.32 લાખ રૂપિયાની કિંમતની અલગ-અલગ બ્રાન્ડની બોટલો અને બિયર ટીન તથા વિવિધ બ્રાન્ડના સ્ટીકર લાગેલી કાચની 322 ખાલી બોટલો , પ્લાસ્ટિકના 118 ખાલી ક્વાર્ટર અને બોટલોના 293 ઢાંકણા અને સ્ટીકરો જપ્ત કર્યા હતા.
મંદિરના સ્ટોર રૂમનો ગોડાઉન તરીકે ઉપયોગ કર્યો
દરોડા દરમિયાન મકાનમાંથી માલ મળ્યા બાદ પોલીસે હેમલની કડક પૂછપરછ કરતા ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. આરોપીઓએ તૈયાર કરેલો ડુપ્લિકેટ દારૂ અને ક્વાર્ટરનો મોટો જથ્થો પકડાઇ ન જાય તે માટે નીચે આવેલી લાઇનમાં મંદિરના સ્ટોર રૂમમાં છુપાવી રાખ્યો હતો. પોલીસે મંદિરના સ્ટોર રૂમમાંથી પણ ગેરકાયદે દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.
કોઈ પ્રિન્ટિંગ પ્રેસની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી
આરોપીઓ પાસે આટલી મોટી સંખ્યામાં આબેહૂબ દેખાતા બનાવટી સ્ટીકરો અને ખાસ પ્રકારના ઢાંકણા ક્યાંથી છપાઈને આવતા હતા? અમદાવાદના કોઈ પ્રિન્ટિંગ પ્રેસની સંડોવણી છે કે બહારથી મંગાવાતા હતા? 300થી વધુ ખાલી બોટલો કયા ભંગારના વેપારી કે હોટેલ/ક્લબના કચરામાંથી સપ્લાય થતી હતી? એટલું જ નહીં એક મહિનાથી ચાલતા આ રેકેટમાં સસ્તો દારૂ મોંઘી બ્રાન્ડમાં પેક કરીને શહેરના કયા કયા બૂટલેગરો કે સીધા ગ્રાહકોને હોમ ડિલિવરી કરવામાં આવતી હતી તે સહિતાના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.




