અમદાવાદ: જૂની કંપનીને કામ આપવા AMC અધિકારીઓની ગોઠવણ? 398 કરોડના ટેન્ડરના 11 દિવસ પહેલા પોણા બે વર્ષે 'કમ્પ્લિશન સર્ટિફિકેટ' આપ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Municipal Corporation Street Light Tender: અમદાવાદમાં સ્ટ્રીટ લાઇટનો કોન્ટ્રાક્ટ છોડીને જતી રહેલી સિટાલુમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ફરીથી કામ મળે તે માટે અધિકારીઓએ કેવી ગોઠવણ કરી છે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 398.40 કરોડ રૂપિયાના સ્ટ્રીટ લાઇટના નવા ટેન્ડરમાં કંપનીને ભાગ લેવા માટે જરૂરી કમ્પ્લિશન સર્ટિફિકેટ આપવાની બાબતમાં અધિકારીઓની કામગીરી શંકાના ઘેરામાં આવી છે. જે કંપનીનો કોન્ટ્રાક્ટ 9 જાન્યુઆરી, 2025ના રોજ પૂરો થઈ ગયો હતો, તેને પોણા બે વર્ષ સુધી કમ્પ્લિશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું નહોતું. પરંતુ નવાઈની વાત એ છે કે, 16 ઓક્ટોબર, 2026ના રોજ નવું ટેન્ડર બહાર પડવાનું હતું તેના માત્ર 11 દિવસ પહેલાં એટલે કે 5 ઓક્ટોબરે જ કંપનીને કમ્પ્લિશન સર્ટિફિકેટ ઇશ્યૂ કરી દેવામાં આવ્યું. આ સર્ટિફિકેટ સ્ટ્રીટ લાઇટ વિભાગના ડેપ્યુટી એન્જિનિયરોએ સહી કરીને આપ્યું છે, પરંતુ તેમાં એડિશનલ સિટી એન્જિનિયરની સહી જ નથી.
જૂની કંપનીને કામ આપવા AMC અધિકારીઓની ગોઠવણ?
સૌથી ગંભીર બાબત એ છે કે, ટેન્ડરની શરતો મુજબ હેન્ડઓવર-ટેકઓવરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ કમ્પ્લિશન સર્ટિફિકેટ ઇશ્યૂ કરવાનું હોય છે. જ્યારે સિટાલુમ કંપની દ્વારા કોર્પોરેશન સાથે આ પ્રક્રિયા હજી સુધી પૂર્ણ કરવામાં આવી ન હોવાની વિગતો સામે આવી છે. આમ, હેન્ડઓવર-ટેકઓવર બાકી હોવા છતાં સર્ટિફિકેટ કેવી રીતે ઇશ્યૂ થયું? કોન્ટ્રાક્ટ પૂરો થયાના પોણા બે વર્ષ સુધી સર્ટિફિકેટ અટકાવી રાખીને નવા ટેન્ડરના માત્ર 11 દિવસ પહેલાં જ આપવાની ઉતાવળ કેમ કરવામાં આવી? અને સૌથી મહત્ત્વનું, આ સર્ટિફિકેટના આધારે સિટાલુમ કંપની ફરીથી 398.40 કરોડ રૂપિયાના ટેન્ડરમાં લાયકાત મેળવી શકે તે માટે જ આ સમગ્ર કવાયત કરવામાં આવી હતી?
પોણા બે વર્ષ સુધી સર્ટિફિકેટ નહીં, ટેન્ડર બહાર પડતાં પહેલાં જ અચાનક ઇશ્યૂ
સિટાલુમ કંપનીનો સ્ટ્રીટ લાઇટની કામગીરી અને જાળવણીનો કોન્ટ્રાક્ટ 9 જાન્યુઆરી, 2025ના રોજ પૂરો થયો હતો. કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ કંપનીએ આગળ કામગીરી ચાલુ રાખવાનો ઇનકાર કર્યો હતો અને અમદાવાદની સ્ટ્રીટ લાઇટની કામગીરીમાંથી નીકળી ગઈ હતી. ત્યારબાદ કોર્પોરેશનને સબ કોન્ટ્રાક્ટરો મારફતે કામચલાઉ વ્યવસ્થા ઊભી કરવાની ફરજ પડી હતી. શહેરમાં સ્ટ્રીટ લાઇટની સમસ્યાઓ અને ફરિયાદો પણ સતત સામે આવતી રહી હતી.
સામાન્ય રીતે કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ સંબંધિત કામગીરીની ચકાસણી અને જરૂરી પ્રક્રિયા કરીને કમ્પ્લિશન સર્ટિફિકેટ આપવામાં આવે છે. પરંતુ સિટાલુમના કિસ્સામાં કોન્ટ્રાક્ટ પૂરો થયાના મહિનાઓ સુધી આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું નહોતું. પોણા બે વર્ષ સુધી સર્ટિફિકેટ ઇશ્યૂ ન થયું અને પછી 5 ઓક્ટોબર, 2026ના રોજ અચાનક સર્ટિફિકેટ આપવામાં આવ્યું. આ ઘટનાના માત્ર 11 દિવસ બાદ 16 ઓક્ટોબરે 398.40 કરોડ રૂપિયાનું નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું.
આ સમયગાળો જ સમગ્ર મામલામાં સૌથી મોટો સવાલ ઊભો કરે છે. જો કંપનીએ જાન્યુઆરી 2025માં જ કામગીરી પૂર્ણ કરી હતી તો કમ્પ્લિશન સર્ટિફિકેટ આપવામાં આટલો વિલંબ કેમ થયો? શું આટલા સમય સુધી કંપનીની કામગીરી પૂર્ણ થઈ હોવાનું પ્રમાણિત કરી શકાય તેમ નહોતું? અને જો તમામ કામગીરી પૂર્ણ હતી તો નવા ટેન્ડરના ગણતરીના દિવસો પહેલાં જ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવાની જરૂર કેમ પડી?
હેન્ડઓવર-ટેકઓવર થયું નહીં છતાં સર્ટિફિકેટ ઇશ્યુ કરાયું
આ મામલામાં માત્ર સર્ટિફિકેટ ઇશ્યૂ કરવાની તારીખ જ નહીં, પરંતુ તેને આપવાની પ્રક્રિયા પણ વિવાદાસ્પદ બની છે. ટેન્ડરની શરતો મુજબ હેન્ડઓવર-ટેકઓવરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ કમ્પ્લિશન સર્ટિફિકેટ આપવામાં આવે છે. એટલે કે જૂની એજન્સી દ્વારા કામગીરી, સંબંધિત રેકોર્ડ અને જવાબદારીઓ કોર્પોરેશનને સોંપવાની પ્રક્રિયા પૂર્ણ થવી જરૂરી છે. પરંતુ સિટાલુમ કંપનીએ કોર્પોરેશન સાથે હેન્ડઓવર-ટેકઓવરની પ્રક્રિયા પૂર્ણ કરી ન હોવાની વિગતો સૂત્ર પાસેથી મળી છે. આમ છતાં 5 ઓક્ટોબરે કંપનીને કમ્પ્લિશન સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું.
ડેપ્યુટી એન્જિનિયરોની સહી, 150.34 કરોડ રૂપિયાના સર્ટિફિકેટ પર એડિશનલ સિટી એન્જિનિયરનું નામ પણ નહીં
કમ્મ્પ્લિશન સર્ટિફિકેટની બીજી ચોંકાવનારી બાબત તેની સહીને લઈને છે. 5 ઓક્ટોબર, 2026ના રોજ ઇશ્યૂ કરવામાં આવેલા ફોર્મ નંબર 3(A) પર સ્ટ્રીટ લાઇટ વિભાગના ડેપ્યુટી એન્જિનિયરોએ સહી કરી છે. જો કે, તેમાં એડિશનલ સિટી એન્જિનિયરની સહી નથી. 150.34 કરોડ રૂપિયાની માતબર રકમની સર્ટિફિકેટ પર વિભાગના ઉચ્ચ અધિકારીની સહી નથી. આ સર્ટિફિકેટમાં ડેપ્યુટી સિટી એન્જિનિયર પંકજ પટેલ અને યુ.કે. મડિયાની સહી થઈ હોવાનું સૂત્રનું કહેવું છે.
જે કંપની કામ છોડીને ગઈ તેને ફરીથી ટેન્ડરમાં લાવવાનો રસ્તો સાફ કર્યો?
સમગ્ર ઘટનાક્રમને એકસાથે જોવામાં આવે તો સવાલો વધુ ગંભીર બને છે. એક તરફ સિટાલુમ કંપની જાન્યુઆરી 2025માં કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ કામગીરી છોડીને જતી રહી હતી. બીજી તરફ, પોણા બે વર્ષ સુધી તેને કમ્પ્લિશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું નહોતું. હવે 398.40 કરોડ રૂપિયાનું નવું ટેન્ડર બહાર પડવાના માત્ર 11 દિવસ પહેલાં જ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવ્યું છે.
ટેન્ડરમાં ભાગ લેતી કંપનીઓએ અગાઉની કામગીરીના અનુભવ અને તેને લગતા દસ્તાવેજો રજૂ કરવાના હોય છે. આવી સ્થિતિમાં કમ્પ્લિશન સર્ટિફિકેટનું મહત્ત્વ વધી જાય છે. સિટાલુમને આપવામાં આવેલા સર્ટિફિકેટથી તેને નવા ટેન્ડરમાં કોઈ ચોક્કસ પાત્રતા મળતી હતી કે નહીં તે ટેન્ડરની શરતો પરથી નક્કી થશે. પરંતુ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવાની તારીખ અને ટેન્ડર બહાર પાડવાની તારીખ વચ્ચેનો માત્ર 11 દિવસનો તફાવત સમગ્ર પ્રક્રિયા સામે સવાલ ઊભા કરે છે.
એક પછી એક વિવાદ છતાં અધિકારીઓની કામગીરી પર સવાલ
સ્ટ્રીટ લાઇટ વિભાગની ટેન્ડર પ્રક્રિયા અગાઉ પણ વિવાદોમાં રહી છે. સાંસદો, ધારાસભ્યો અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અમદાવાદના સાત ઝોન માટે અલગ-અલગ ટેન્ડર બહાર પાડવાની સૂચના આપી હતી. કોઈ એક કંપની પર આખા શહેરની સ્ટ્રીટ લાઇટની કામગીરી માટે નિર્ભર ન રહેવું પડે તે પાછળનો હેતુ હતો. પરંતુ અધિકારીઓએ સાત ઝોનમાં સાત ટેન્ડર કરવાને બદલે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ એમ બે ભાગમાં ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરી હતી.
હવે આ જ વિભાગમાં જૂની કંપનીને કમ્પ્લિશન સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા સામે સવાલો ઊભા થયા છે. એક તરફ ચૂંટાયેલા પ્રતિનિધિઓની સૂચનાની અવગણવામાં આવી હતી, તો બીજી તરફ અગાઉ કોન્ટ્રાક્ટ છોડીને ગયેલી કંપનીને નવા ટેન્ડર પહેલાં સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. કોર્પોરેશનના વર્તુળોમાં આ સર્ટિફિકેટ સિટાલુમ કંપનીને ફરીથી ટેન્ડર પ્રક્રિયામાં તક મળે તે માટે ઇશ્યૂ કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે.
આ સર્ટિફિકેટ કાયદેસર નથી: એડિશનલ સિટી એન્જિનિયર
લાઇટ વિભાગના એડિશનલ સિટી એન્જિનિયરે જણાવ્યું કે, કમ્પ્લિશન સર્ટિફિકેટમાં આઉટવર્ડ નંબર નથી અને ઉચ્ચ અધિકારીની પણ સહી નથી. તેથી તે કાયદેસર ના ગણાય. તે કઈ જગ્યાએ મૂકવામાં આવ્યું છે તેની મને જાણકારી નથી.




