PM મોદીના માતા હીરાબાના નામે જરૂરતમંદ વિદ્યાર્થીઓને અપાયેલા શૈક્ષણિક સહાયના ચેક રિટર્ન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

cheque bounce controversy Gujarat : વડાપ્રધાન અને સરકાર સમક્ષ સારા દેખાવવાના પ્રયાસમાં ગરીબ વિદ્યાર્થિનીઓ સાથે ક્રૂર મશ્કરી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ઉદ્યોગપતિ અને બિલ્ડર પિયુષ દેસાઈ સંચાલિત 'હીરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશન' દ્વારા અંકલેશ્વરની 511 દીકરીઓને શૈક્ષણિક સહાયના ચેક અપાયા હતા, જેમાંથી કેટલાક ચેક બેંકમાંથી રિટર્ન થતા જરૂરતમંદ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.
મંત્રી અને સાંસદની હાજરીમાં વાહાહી લૂંટવા ચેક વિતરણ
રાજ્યની 21,000 દીકરીઓને રૂ. 7,500ની સહાય આપવાના અભિયાન હેઠળ ભરૂચના ભાજપ અગ્રણી જનક શાહ (પિન્ટુભાઈ)ના પ્રયાસોથી આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની હાજરીમાં વાહવાહી લૂંટવા ચેક વિતરણ કરાયા હતા.
સ્કૂલની ફી અને ચેક રિટર્નની પેનલ્ટીના બોજ નીચે વાલીઓ
વાસ્તવમાં આ યોજનાનો લાભ ઘણી દીકરીઓને મળ્યો નથી. ચેકો બાઉન્સ થતા સ્કૂલોએ વાલીઓને ફી ભવા માટે ફોન શરૂ કર્યા છે અને ઉપરથી ચેક રિટર્ન થવાથી રૂ. 500ની પેનલ્ટીનો બોજ પણ વાલીઓના માથે પડ્યો છે. ચેકો રિટર્ન થવાથી જરૂરિયાતમંદ વિદ્યાર્થિનીઓના વાલીઓ આર્થિક તકલીફમાં મુકાઈ ગયા છે.
હીરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશન ઓફિસનો ફોન સતત સ્વિચ ઓફ
પરેશાન વાલીઓએ જ્યારે હીરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કચેરીનો ફોન સતત સ્વિચ ઓફ આવતો હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં ફાઉન્ડેશનના સ્થાપક પિયુષ દેસાઈ પાસેથી આ અંગેની જાણકારી મેળવવા વારંવાર મોબાઈલ ફોનથી સંપર્ક કરવા છતા સંપર્ક થઈ શક્યો નહોતો. આ ગંભીર મામલે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સાંસદ મનસુખ વસાવાનો સંપર્ક સાધતા તેમણે પણ ફોન રિસીવ કરવાનું ટાળી મૌન સેવી લીધું હતું.
સ્થાનિક આયોજકે કહ્યું, સંસ્થાના માલિક તકલીફમાં
બીજી બાજુ, સ્થાનિક આયોજક જનક શાહે મંડપ અને ચા-નાસ્તામાં પોતાના લાખ રૂપિયા ખર્ચાયા હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું કે, જે સંસ્થા સાથે સંકલન હતું તેના માલિક હાલ તકલીફમાં હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. વિદ્યાર્થિઓના ચેક વહેલી તકે ક્લિયર થાય તેવા અમારા પ્રયાસો ચાલુ છે.
ચેક રિટર્ન-પેનલ્ટી અંગે મને કોઈ માહિતી નથીઃ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી
ચેક રિટર્ન અને રૂ. 500ની પેનલ્ટીના મુદ્દે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું કે, આ અંગે તેમને કોઈ માહિતી નથી. તેમણે આ સમગ્ર મામલે પોતાનો બચાવ કરતા કહ્યું કે, તેઓ તપાસ કર્યા બાદ જ આગળ કંઈ કહેશે.




