અમદાવાદ: નકલી બ્લડ પ્લાઝ્મા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર પકડાયો, આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Fake Blood Plasma Scam: ગુજરાતમાં લોકો સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હાઇ-પ્રોફાઇલ મેડિકલ કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ગ્રામીણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ બ્લડ પ્લાઝ્મા ભેળસેળ કેસમાં વધુ એક મુખ્ય આરોપીની ધરપકડ કરીને આંતરરાજ્ય સપ્લાય નેટવર્કને ખુલ્લું પાડ્યું છે. આ ટોળકી વિવિધ રાજ્યોમાં આવેલી ફાર્માસ્યુટિકલ (દવા) કંપનીઓને સપ્લાય કરતા પહેલા અસલી અને કિંમતી બ્લડ પ્લાઝ્માની ચોરી કરી, તેના સ્થાને નકલી પ્લાઝ્મા પધરાવી દેતા.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, નકલી બ્લડ પ્લાઝ્મા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર 33 વર્ષીય અજીત સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. મૂળ ધોળકાના કાદીપુર ગામનો અને હાલ બાવળાની દેવયાની સોસાયટીમાં રહેતો અજીત સોલંકી આ કાવતરામાં પ્લાઝ્મા કન્સાઇન્મેન્ટના પરિવહન (ટ્રાન્સપોર્ટેશન)માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો હતો. પોલીસે તેની પાસેથી ગુનામાં વપરાયેલું આશરે 2.5 લાખ રૂપિયાની કિંમતનું બોલેરો પિકઅપ વાહન જપ્ત કર્યું છે.
તપાસમાં સામે આવ્યું છે કે આ કૌભાંડમાં પરિવહન કર્મચારીઓ, બ્લડ બેન્કના અધિકારીઓ અને વચેટિયાઓની મોટી મિલીભગત હતી. અત્યાર સુધી દિનેશ ચૌધરીની મુખ્ય આરોપી તરીકે ઓળખ થઈ છે. તેણે જિતેન્દ્ર સોલંકી અને રફીક ખલીફા સાથે મળીને આ કાવતરું રચ્યું હતું, જેઓ ફરિયાદી ફાર્માસ્યુટિકલ કંપનીમાં જ ડ્રાઇવર તરીકે કામ કરતા હતા.
કેવી રીતે આચરાતી છેતરપિંડી?
દિનેશ ચૌધરી મહારાષ્ટ્રની 'શ્રી ગજાનંદ બ્લડ બેન્ક'ના મેનેજર મોહન ગાયકવાડ પાસેથી નકલી પ્લાઝ્મા મેળવતો હતો. ત્યારબાદ અન્ય એક બ્લડ બેન્ક સાથે સંકળાયેલા પ્રકાશ અને અશોક સાંગલે નામના શખસો દ્વારા આ નકલી પ્લાઝ્મા આગળ મોકલવામાં આવતો હતો. આરોપીઓ રસ્તામાં જ વાહનો થોભાવી અસલી પ્લાઝ્મા સેરવી લેતા અને તેના બદલે હલકો માલ ગોઠવી કંપનીઓને ડિલિવરી આપી દેતા હતા.
3 રાજ્યોમાં ફેલાયેલું હતું નેટવર્ક
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ વર્ષે માર્ચ અને એપ્રિલ દરમિયાન, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ માં આવેલા ફાર્માસ્યુટિકલ પ્રોસેસિંગ યુનિટોમાં માલ મોકલતી વખતે પણ પ્લાઝ્મા કન્સાઇન્મેન્ટને રસ્તામાંથી ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. કંપનીના નિયુક્ત પ્લાઝ્મા પ્રોસેસિંગ સેન્ટર પર શિપમેન્ટ પહોંચે તે પહેલાં જ મુખ્ય આરોપી દિનેશ ચૌધરીએ બોલેરો વાહન દ્વારા પ્લાઝ્માના 12 બોક્સ સપ્લાય કરી દીધા હતા.
BJ મેડિકલ કોલેજનો ચોંકાવનારો રિપોર્ટ
અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી ફોરેન્સિક તપાસમાં સત્તાવાર પુષ્ટિ થઈ છે કે આરોપીના ઘરેથી મળી આવેલા 1,140 યુનિટ પ્લાઝ્મા સંપૂર્ણપણે ભેળસેળયુક્ત, દૂષિત અને માનવ ઉપયોગ માટે અયોગ્ય હતા.
આ લેબોરેટરી રિપોર્ટના આધારે સાણંદ કોર્ટની મંજૂરી મેળવીને આ જપ્ત કરાયેલા જોખમી જૈવિક જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની હાજરીમાં 'ઇડોલાઈ વેસ્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ'ની બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ સુવિધા ખાતે તેનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરાયો છે.
ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ
SOGના જણાવ્યાનુસાર, આ રેકેટ પકડાયું તે પહેલાં કોઈ ચેડાં કરાયેલો કે દૂષિત પ્લાઝ્મા ફાર્માસ્યુટિકલ ઉત્પાદન (દવાઓ બનાવવામાં)માં પ્રવેશી ચૂક્યો છે કે નહીં, તેની ગંભીરતાથી તપાસ થઈ રહી છે. પોલીસ હાલ આરોપીઓના નાણાકીય વ્યવહારો, ટ્રાન્સપોર્ટ રેકોર્ડ અને અન્ય બ્લડ બેન્કોની ભૂમિકા અંગે તપાસ ચલાવી રહી છે. અધિકારીઓ આ કેસને રાજ્યમાં જૈવિક સામગ્રીની ભેળસેળના સૌથી ગંભીર ગુનાઓમાંથી એક ગણાવી રહ્યા છે.









