Ahmedabad

અમદાવાદ: ભગવાન જગન્નાથજીના ગુલાબી વાઘા તૈયાર, સાત ચોગાવાળી પાઘડી બનશે આકર્ષણનું કેન્દ્ર

By GS Team
5 Jul 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં આગામી 16 જુલાઈએ નીકળનારી 149મી જગન્નાથજીની રથયાત્રા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી ભગવાન માટે વિશેષ લાઈટ બેબી પિંક વાઘા બનાવાયા છે. કોલકાતા અને બનારસથી આવેલા કાપડમાંથી અખાત્રીજથી જ વસ્ત્રો બનાવવાનું કાર્ય શરૂ થયું હતું. રત્નો અને ડાયમંડથી જડિત સાત ચોગાવાળી વાંકી પાઘડી આકર્ષણનું કેન્દ્ર બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ભગવાન જગન્નાથજીના ગુલાબી વાઘા તૈયાર, સાત ચોગાવાળી પાઘડી બનશે આકર્ષણનું કેન્દ્ર

Ahmedabad 149th Rath Yatra: આગામી અષાઢી બીજે (16 જુલાઈ) અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે નગરજનોને દર્શન આપવા જગતના નાથના શણગાર અને વાઘા સંપૂર્ણ તૈયાર કરી દેવાયા છે. કાળઝાળ ગરમીની ઋતુને ધ્યાનમાં રાખીને ભગવાન માટે વિશેષ લાઈટ બેબી પિંક કલરના વાઘા બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રત્નો અને ડાયમંડથી જડિત સાત ચોગાવાળી વાંકી પાઘડી આ વખતની રથયાત્રામાં મુખ્ય આકર્ષણ જમાવશે.

અખાત્રીજથી શરૂ થઈ હતી તૈયારીઓ, કોલકાતા-બનારસથી આવ્યું કાપડ

ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીના આ નયનરમ્ય વસ્ત્રોની બનાવટ પાછળ અખાત્રીજથી જ કામગીરી કરવામાં આવી રહી હતી. મહંત દિલીપદાસજી મહારાજના હસ્તે પૂજન કર્યા બાદ વાઘા બનાવવાની શરૂઆત થઈ હતી. આ દિવ્ય શણગાર તૈયાર કરવા માટે કોલકાતા અને બનારસથી ખાસ પ્રકારના સિલ્ક તેમજ મખમલના કાપડના સેમ્પલ મંગાવવામાં આવ્યા હતા. વાઘા તૈયાર કરનાર કલાકાર સુનિલે જણાવ્યા મુજબ, આ વખતે વસ્ત્રોમાં આભલા વર્કની સાથે એટ્રેક્ટિવ રંગબેરંગી બોર્ડરનો ઉપયોગ કરાયો છે.

રથયાત્રાના વિવિધ દિવસોએ ભગવાનના અલૌકિક સ્વરૂપ

રથયાત્રાના ઉત્સવ દરમિયાન ભગવાન ભક્તોને અલગ અલગ દિવસોમાં વિવિધ સ્વરૂપે દર્શન આપશે. અમાસના દિવસે પ્રભુ રાણી કલરના કાપડ પર બારીક દોરીવર્ક કરેલા સુવર્ણ વેશ અને ખાસ વેલવેટના વાઘામાં દર્શન આપશે. જ્યારે રથયાત્રાના પવિત્ર દિવસે વહેલી સવારે મંગળા આરતી સમયે નાથ લાલ મખમલના શાહી વસ્ત્રો, સોનેરી બક્તર અને માથે કલગીવાળો અત્યંત સુંદર મોતીનો મુગટ ધારણ કરશે. નગરચર્યા પૂર્ણ કર્યા બાદ અષાઢી ત્રીજના રોજ ભગવાન મલ્ટી કલરના પ્યોર સિલ્કના વસ્ત્રો પહેરીને નિજમંદિરમાં પોતાના રત્નજડિત સિંહાસન પર પુનઃ બિરાજમાન થશે.

સાત ચોગાવાળી વાંકી પાઘડીનું વિશેષ આકર્ષણ

ભગવાન જગન્નાથજી, બળભદ્રજી અને બહેન સુભદ્રાજીના વાઘા બનાવનારા દરજી સુનિલે જણાવ્યું કે, 'અખાત્રીજના દિવસથી મહારાજશ્રીના હાથે અમે રથયાત્રાનું મુહૂર્ત અને ભગવાનના વસ્ત્રો માટેનું પૂજન કરતા હોઈએ છીએ. આ માટે અમે બનારસ સિલ્ક, કોલકાતા સિલ્ક, વેલવેટ અને મખમલ જેવા વિવિધ કાપડના સેમ્પલ મંગાવીને અલગ-અલગ ડિઝાઈનો તૈયાર કરીએ છીએ. આ વખતે વસ્ત્રોમાં આભલા વર્ક સાથે રંગબેરંગી બોર્ડર રાખી છે, જેની પાછળની ભાવના એ છે કે ભગવાન ભક્તોને આશીર્વાદ આપે અને દરેકનું જીવન પણ રંગબેરંગી બને. અમાસના દિવસે ભગવાન વેલવેટના વાઘામાં અને ત્યારબાદ રાણી કલરમાં દોરીવર્ક વાળા સુવર્ણ વેશમાં દર્શન આપશે. સવારે મંગળા આરતીમાં ભગવાન સોનેરી બખ્તર, લાલ કલરના વેલવેટના વસ્ત્રો અને કલગીવાળો મોતીનો મુગટ ધારણ કરીને ભક્તોને દર્શન આપશે.'

પાઘડી અગે સુનિલે જણાવ્યું કે, 'નગરચર્યા માટે જ્યારે ભગવાન રથમાં બિરાજમાન થશે, ત્યારે તેઓ લાઈટ ગુલાબી રંગના વસ્ત્રો ધારણ કરશે, જેની પાછળનો ભાવ એ છે કે ભગવાન દરેકના જીવનમાં શીતળતા અને ઠંડક અર્પણ કરે. આ વખતની પાઘડીની વિશેષતા એ છે કે ભગવાન માટે સાત ચોગાવાળી વાંકી પાઘડી તૈયાર કરવામાં આવી છે, જેમાં વિવિધ કલર, સ્ટોન અને ડાયમંડનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ પાઘડી ધારણ કરીને જ ભગવાન નગર યાત્રાએ નીકળશે. ત્યારબાદ ત્રીજના દિવસે ભગવાન પ્યોર સિલ્કના મલ્ટી-કલરના વસ્ત્રો ધારણ કરીને સિંહાસન ઉપર બિરાજમાન થશે.'