અમદાવાદ: નિકોલમાં નર્મદા આવાસના પાર્કિંગમાંથી 7 લાખનો દારૂ ઝડપાયો, શાકભાજીના કેરેટમાં બોટલો છુપાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી નર્મદા આવાસ યોજનાના પાર્કિંગમાંથી પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બુટલેગરો દ્વારા પીકઅપ વાહનમાં શાકભાજીના ખાલી કેરેટ અને તાડપત્રીની આડમાં છુપાવીને રાખવામાં આવેલી વિદેશી દારૂની 2520 બોટલો પોલીસે કબજે કરી છે. પોલીસે દારૂ અને પીકઅપ વાહન મળીને કુલ 10.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે દરોડો, બિનવારસી પીકઅપમાંથી મળ્યો દારૂ
મળતી માહિતી અનુસાર, નિકોલ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે નર્મદા આવાસ યોજનાના પાર્કિંગમાં એક શંકાસ્પદ પીકઅપ વાહન બિનવારસી હાલતમાં પડી છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ગાડીની તપાસ હાથ ધરી હતી. તેના પર તાડપત્રી ઢાંકેલી હતી. પોલીસે તાડપત્રી હટાવીને શાકભાજીના 12 ખાલી પ્લાસ્ટિકના કેરેટ ખસેડતાં જ અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન ગાડીમાંથી જુદી જુદી બ્રાન્ડની કુલ 2520 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની આશરે કિંમત 7,20,000 રૂપિયા થાય છે. પોલીસે દારૂના આ જથ્થા સાથે પીકઅપ વાહન મળી કુલ 10.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વાહન માલિક અંગે તપાસ શરૂ
પોલીસે પીકઅપ વાહનની તપાસ કરતાં આ ગાડી આણંદ જિલ્લાના બાંભરોલી ગામના એક રહિશના નામે નોંધાયેલી હોવાનું ખુલવા પામ્યું છે. આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો અને કોણ સપ્લાય કરવાનો હતો તે દિશામાં નિકોલ પોલીસે ગુનો નોંધીને બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.









