અમદાવાદ: ન્યૂ રાણીપમાં એક ફ્લેટમાં ચાલતું હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, 38 લાખના મુદ્દામાલ સાથે 8ની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Gambling Den Busted in New Ranip Flat: અમદાવાદ શહેરમાં પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB) દ્વારા ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલ એક રહેણાંક ફ્લેટમાં દરોડા પાડીને મોટા જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સાબરમતી પોલીસની રહેમરાહમાં ચાલતા કલાસાગર હાઈટ્સ નામના એપાર્ટમેન્ટમાં જુગારધામમાંથી પોલીસે રોકડ, મોબાઈલ અને વાહનો સહિત કૂલ 38,15,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઘટનામાં ફ્લેટ માલિક ઝડપાઈ ગયો છે, જે પોતાના જ ઘરમાં બહારથી ખેલીઓને બોલાવીને મોટા પાયે જુગાર રમાડતો હતો.
પાંચમા માળે અડધા ખુલ્લા દરવાજામાંથી પોલીસે ઝડપ્યા
PCBની ટીમ જ્યારે સાબરમતી ન્યૂ રાણીપ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે કલાસાગર હાઈટ્સના બ્લોક નંબર એચ/501માં દરોડા પાડ્યા હતા. પોલીસની ટીમ પાંચમા માળે પહોંચી ત્યારે ફ્લેટનો દરવાજો અડધો ખુલ્લો હતો અને અંદર કેટલાક શખસો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પૂછપરછમાં ફ્લેટના માલિક ગૌતમ કાંતિ પટેલે કબૂલાત કરી હતી કે તે બહારથી લોકોને બોલાવીને એક વ્યક્તિ દીઠ 12,000 રૂપિયા લઈને પોતાના ફ્લેટમાં જુગાર રમાડતો હતો.
ગાડીઓ, મોબાઈલ અને ચેક સ્લિપ જપ્ત
પોલીસે ઘટનાસ્થળેથી આરોપીઓ પાસેથી મળેલા રોકડા 3,55,100 રૂપિયા જપ્ત કર્યા હતા. આ ઉપરાંત આરોપીઓ જુગારમાં પૈસા હારી જાય તો ગીરવે મૂકીને ફરી રમી શકાય તેવા 10 મોબાઈલ ફોન, 3 ફોર વ્હીલર અને 1 ટુ વ્હીલર પણ કબજે કરવામાં આવ્યા છે. આ રેડમાં જુગાર રમવાના 104 પાના, 13 કોરી ચેક સ્લિપ, 4 ગાદલા, એક એલ્યુમિનિયમનું તગારું અને પુરાવા રૂપે એક લાઈટબિલ પણ મળી આવ્યું હતું. પોલીસે કુલ 38,15,100 રૂપિયાના મુદ્દામાલ સાથે પકડાયેલા ફ્લેટ માલિક અને અન્ય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.









