Ahmedabad

અમદાવાદ હેરિટેજ સિટી જર્જરિત, કોટ વિસ્તારમાં દોઢ મહિનામાં 30 મકાનો ધ્વસ્ત, રહીશોમાં ભય

By GS Team
30 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના હેરીટેજ કોટ વિસ્તારમાં ચોમાસામાં જર્જરિત મકાનો ધરાશાયી થવાનો સિલસિલો યથાવત છે. આસ્તોડિયા અને દરિયાપુર બાદ માણેક ચોક અને રાયપુરમાં 3-3 માળના 2 મકાનો ધસી પડ્યા. ગોમતીપુરમાં કાલિદાસ મિલ કમ્પાઉન્ડની દીવાલ પડતા 5-6 વાહનોને નુકસાન થયું. દોઢ મહિનામાં 30થી વધુ મકાનો પડતા પોળના રહીશોમાં ભયનો માહોલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ હેરિટેજ સિટી જર્જરિત, કોટ વિસ્તારમાં દોઢ મહિનામાં 30 મકાનો ધ્વસ્ત, રહીશોમાં ભય

Ahmedabad Heritage City: હેરીટેજ સિટી અમદાવાદ જાણે હવે જર્જરિત બની રહ્યું છે. કોટ વિસ્તારના દાયકાઓ જૂના મકાનો એક પછી એક ધરાશાયી થઈ રહ્યા છે. આસ્તોડિયા અને દરિયાપુર બાદ માણેક ચોક અને રાયપુરમાં ત્રણ-ત્રણ માળના બે મકાનો કડડભૂસ થઈ ગયા હતા. જ્યારે ગોમતીપુરમાં કાલિદાસ મિલ કમ્પાઉન્ડની દીવાલ ઘસી પડી હતી. ચોમાસાના દોઢેક મહિનામાં જ કોટ વિસ્તારમાં આવી રીતે ત્રીસેક મકાનો જમીનદોસ્ત થતા પોળના રહીશોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે.

દરેક પોળમાં બેથી ચાર ઘર જર્જરિત હોવાથી રહીશોમાં ભય

મળતી માહિતી અનુસાર, દરિયાપુરમાં મકાન ધરાશાયી થતા મહિલાએ જીવ ગુમાવ્યો હતો. તેવામાં વધુ બે જગ્યાએથી મકાન ધસી પડવાની ઘટના સામે આવી છે. ખાડિયા વોર્ડના રાયપુરમાં પખાલીની પોળ તેમજ માણેક ચોકની ગુશા પારેખની પોળમાં ત્રણ-ત્રણ માળના બે મકાન ધડાકાભેર જમીનદોસ્ત થયા હતા. જેનો અવાજ સાંભળી સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે, ઘટના બની તે સમયે ત્યાંથી કોઈ વ્યક્તિ પસાર ન થઈ રહી હોવાથી જાનહાનિ ટળી હતી. પરંતુ કાટમાળના લીધે પોળમાં આવજાનો રસ્તો અવરોધાયો હતો.

બીજી બાજુ ગોમતીપુરમાં કાલિદાસ મિલ કમ્પાઉન્ડની દીવાલ ઘસી પડતા પાંચથી છ વાહનોનો ભૂક્કો બોલાઈ ગયો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર, ચોમાસામાં અત્યાર સુધી કોટ વિસ્તારમાં ત્રીસેક મકાનો ધરાશાયી થયા છે. જ્યારે શહેરની આશરે દોઢેક હજાર પોળમાં 30 ટકાથી વધુ મકાનો આવી જર્જરિત હાલતમાં છે. દરેક પોળમાં બેથી ચાર મકાન અત્યંત ભયજનક હાલતમાં હોય રહીશો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. કોટ વિસ્તારના જર્જરિત મકાનોમાં રહેતા લોકો ઉપર તો જીવનું જોખમ તોળાઈ જ રહ્યું છે, પરંતુ આવા મકાનોની આસપાસના અન્ય મકાનોમાં રહેતા કે રસ્તા પરથી પસાર થતા નિર્દોષ નાગરિકો પણ સતત ભયના ઓથાર તળે રહે છે. મ્યુનિસિપલની બેદરકારીના કારણે કોટમાં હજારો લોકોના જીવ જોખમી હાલતમાં છે.

ડિ.કમિશનર અને ડિ.એસ્ટેટ ઓફિસર માત્ર કાગળ પરની કામગીરીમાં મશગુલ

દર વર્ષે ચોમાસા અને રથયાત્રા પહેલાં મધ્ય ઝોનના ડિ. એસ્ટેટ ઓફિસર, ડિ. મ્યુનિ. કમિશનર સહિતના જવાબદાર અધિકારીઓ મીટીંગો યોજીને જર્જરિત મકાનોના આંકડાની માયાજાળ કાગળ પર રચ છે. જ્યારે વાસ્તવમાં વર્ષોથી ફક્ત એક ને એક મકાનો બહાર નોટિસના બેનર લગાવ્યા સિવાય કોઈ અસરકારક કામ થતું નથી.