Ahmedabad

અમદાવાદ: બોપલમાં આર્મીએ બોટ ઉતારી, બાવળામાં 900 લોકોનું રેસ્ક્યૂ; શેલામાં બેઝમેન્ટ બન્યું તળાવ

By GS Team
24 Jul 20265 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. સ્ટેડિયમ પાસે ભૂવામાં 4 વાહનો ફસાયા, સદનસીબે જાનહાનિ ટળી. ઍરપૉર્ટ ટર્મિનલ અને સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પાણી ભરાતા મુસાફરો-વિધાર્થિની મુશ્કેલીમાં મૂકાયા. મકરબામાં 1000થી વધુ ઘરોમાં ગટરના પાણી ઘૂસતા રહીશોને શાળામાં આશરો લેવો પડ્યો. વિકાસના દાવાઓ વચ્ચે પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: બોપલમાં આર્મીએ બોટ ઉતારી, બાવળામાં 900 લોકોનું રેસ્ક્યૂ; શેલામાં બેઝમેન્ટ બન્યું તળાવ

Ahmedabad Rain Damage: અમદાવાદમાં અનરાધાર વરસાદથી શહેર જળમગ્ન બન્યું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મૂકાયા છે. અમુક સ્થળે ભૂવા પડ્યા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. તો ચાલો જાણીએ ધોધમાર વરસાદ બાદ કેવી છે અમદાવાદની હાલત…

અમદાવાદમાં સ્ટેડિયમ પાસે ભૂવામાં એકસાથે 4 વાહનો ફસાયા

અમદાવાદના સ્ટેડિયમ પાસે કોટેશ્વર મહાદેવ નજીક ભૂવા પડતાં 4 વાહનો ફસાયા હતા. ફાયર વિભાગને ઘટનાની જાણ થતાં વાહનો બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી.

સરદાર વલ્લભભાઈ પટેલ ઍરપૉર્ટના ટર્મિનલમાં પણ પાણી ઘૂસ્યા

અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદે પગલે સરદાર વલ્લભભાઈ પટેલ ઍરપૉર્ટના ટર્મિનલમાં પણ પાણી ઘૂસી ગયા છે. ડોમેસ્ટિક ઍરપૉર્ટ ખાતે પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. અહીં ટર્મિનલ 1ના ચેક ઈન એરિયામાં અનેક જગ્યાએ છતમાંથી પાણી ટપકી રહ્યા છે, જેથી નીચે પ્લાસ્ટિક ટબ મૂકવા પડ્યા છે. જો કે, ડોમેસ્ટિક ઍરપૉર્ટના ટર્મિનલની બહાર ઘૂંટણસમા પાણી ભરાતા મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુસાફરોએ રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, 'કરોડોના ખર્ચે રિ-ડેવલપ કરેલા ડોમેસ્ટિક ઍરપૉર્ટના ટર્મિનલની બહાર હવે પાણી ભરાય છે. અગાઉ આવી ખરાબ સ્થિતિ ન હતી.'

અમદાવાદની સમરસ ગર્લ્સ હોસ્ટેલ બેટમાં ફેરવાઇ, 1000 વિદ્યાર્થિની અટવાઈ

અમદાવાદની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ઘણા વર્ષોથી ચોમાસાની સિઝનમાં પાણી ભરવાની સમસ્યા છે. હોસ્ટેલની મેસમાં ઢીંચણસમા પાણી ભરાઈ જતાં સમગ્ર મેસ જાણે સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગઈ હોય તેવા દૃશ્યો સામે આવ્યા. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલની હાલત અત્યંત વિકટ બની છે. હોસ્ટેલની અંદરથી લઈને બહાર રોડ સુધી જળબંબાકારની સ્થિતિ સર્જાતાં અહીં રહેતી 1000 જેટલી ગર્લ્સ સ્ટુડન્ટ્સ ભારે મુશ્કેલીમાં મૂકાઈ છે. સતત ભરાયેલા પાણીના કારણે ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ માટે ખાવા-પીવાથી લઈને આવવા-જવાની મોટી આફત ઊભી થઈ છે. ત્યારે હોસ્ટેલનો વીડિયો વાયરલ થતાં લોકો યોગ્ય અને તાત્કાલિક પગલા ભરવા માગ કરી રહ્યા છે.

મકરબા: 1000થી વધુ ઘરોમાં ઘૂસ્યા ગટરના પાણી, રહીશોએ ઘર છોડી શાળામાં આશરો લેવો પડ્યો

કહેવાતા સ્માર્ટ સિટી અમદાવાદના વિકાસની પોલ ખુલી ગઈ. વરસાદ રોકાયા બાદ પણ મકરબા વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો છે. મકરબા પોલીસ હેડક્વાર્ટર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ બંધ થયાના કલાકો વીતી ગયા છતાં ગટરોના પાણી બેક મારતા ચારેતરફ કેડ સુધી પાણી જોવા મળ્યા છે. સાણંદ, ચાંગોદર અને સરખેજથી આવતા નોકરિયાતો તેમજ રાહદારીઓ રસ્તા બંધ હોવાથી અધવચ્ચે જ અટવાયા.

પરિસ્થિતિ એટલી વિકટ બની કે મકરબા ઈન્દિરાનગરના એક હજારથી વધુ ઘરોમાં ગંદા પાણી ઘૂસી જતાં લોકોને સરકારી શાળામાં આશરો લેવાની ફરજ પડી. લોકોએ કહ્યું કે, ચોમાસામાં જ ખોદી નંખાયેલા રસ્તાઓ અને કોર્પોરેશનની નિષ્ફળ કામગીરીથી પ્રજા પારાવાર હાલાકી ભોગવી રહી હોવા છતાં, કોઈ સ્થાનિક નેતા કે ધારાસભ્ય મદદે ફરક્યા સુદ્ધા નહીં. પ્રજાના ટેક્સના પૈસે માત્ર કાગળ પર જ વિકાસ થયો હોવાથી લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો.

બોપલ: પાણીમાં ફસાયેલા સોસાયટીના રહીશોનું રેસ્ક્યૂ

ઇન્ડિયન આર્મીના જવાનો દ્વારા બોપલના કેટલાક વિસ્તારોમાં હોળી લઈને સોસાયટીના રહીશોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. આર્મીની અલગ અલગ ટીમ દ્વારા રહીશોનું અલગ અલગ બોટમાં બેસાડીને એક જગ્યાએથી સુરક્ષિત જગ્યાએ લઈ જઈને સ્થળાંતર અને રેસ્ક્યૂ કરવામાં આવ્યું.

1000731556.jpg
1000731557.jpg
1000731559.jpg

બાવળા: અતિભારે વરસાદમાં ગેલપ્સ પાર્કમાં ફસાયેલા 900 લોકોનું રેસ્ક્યૂ

અમદાવાદ જિલ્લાના બાવળા નજીક આવેલા ગેલપ્સ પાર્કમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે આશરે 900 જેટલા લોકો ફસાયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ અને SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીની ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

1000731664.jpg

શેલા: વરસાદે પાર્કિંગને બનાવ્યું તળાવ! શેલાની આકાશ રેસિડેન્સીમાં બેઝમેન્ટમાં ઘૂસ્યા પાણી

અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદે અનેક વિસ્તારોમાં જનજીવનને અસર પહોંચાડી છે. તેવામાં શેલા વિસ્તારમાં આવેલી આકાશ રેસિડેન્સીમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સોસાયટીના બેઝમેન્ટ પાર્કિંગમાં વરસાદી પાણી ઘૂસી જતાં અનેક મોંઘીદાટ કારો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેને લઈને લોકોમાં પણ ચર્ચા જાગી છે.

બેઝમેન્ટમાં પાણી ભરાતા રહેવાસીઓને વાહનો બહાર કાઢવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કરોડો રૂપિયાના વાહનોને નુકસાન થવાની આશંકાએ સોસાયટીના રહેવાસીઓમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલ અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે. હાલ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને બેઝમેન્ટ પાર્કિંગનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવા તેમજ સ્થાનિક તંત્ર દ્વારા જારી કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

બાવળા: ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં પાણીમાં ફસાયેલી 45 યુવતીનું રેસ્ક્યૂ

અમદાવાદ જિલ્લાના બાવળા સ્થિત રજોડા ખાતે આવેલા 'ગેલોપ્સ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક'માં ભારે વરસાદને કારણે મોટા પાયે પાણી ભરાઈ ગયા હતા. આ પરિસ્થિતિમાં ત્યાં ફસાયેલી 45 યુવતીઓ અને 2 સ્ટાફના સભ્યોને આર્મીના જવાનો દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

1000731750.jpg

અમદાવાદ: નિર્ણયનગર અને જજીસ બંગલો વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસ્યા

અમદાવાદમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને નિર્ણયનગર સેક્ટર-1, ઘાટલોડિયા વિસ્તારમાં રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. એ જ રીતે જજીસ બંગલો રોડ સ્થિત દિવ્યા ફ્લેટ્સના ગ્રાઉન્ડ ફ્લોરના મકાનોમાં પણ પાણી ભરાઈ જતાં રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

1000731753.jpg

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, જજીસ બંગલો વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાયું છે. પાણી ભરાવાના કારણે લોકોના દૈનિક જીવન પર અસર પડી છે, અને ઘરવખરીને પણ નુકસાન થવાની આશંકા વ્યક્ત કરી છે. રહેવાસીઓએ તાત્કાલિક પાણીના ઝડપી નિકાલ અને જરૂરી રાહત કામગીરી હાથ ધરવામાં આવે તેવી તંત્ર સમક્ષ માંગ કરી છે. સાથે જ સ્ટોર્મ વોટર ડ્રેનેજની નિયમિત સફાઈ અને વ્યવસ્થાપન અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, દર વર્ષે સફાઈ માટે કોન્ટ્રાક્ટ અપાય છે, છતાં યોગ્ય સફાઈ થતી ન હોવાનું આ વરસાદમાં સ્પષ્ટ થઈ રહ્યું છે.