અમદાવાદમાં એસ.જી. હાઈવે સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદ, શહેરીજનોએ આહ્લાદક વાતાવરણની મોજ માણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Heavy Rain: અમદાવાદના એસ.જી. હાઈવે, મકરબા, સરખેજ, આનંદનગર અને વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં આજે રવિવારની સાંજે અચાનક આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો. રસ્તાઓ પર પાણીના વહેણ શરૂ થઈ ગયા જેના કારણે ઓફિસેથી ઘરે પરત ફરતા લોકો અને નોકરિયાતો વરસાદમાં અટવાયા હતા, તો બીજી તરફ લાંબા સમયના ઉકળાટ પછી વાતાવરણમાં ઠંડક પ્રસરતાં શહેરીજનોએ ચા-ભજિયાની મોજ માણી આ આહલાદક વરસાદી સાંજનું સ્વાગત કર્યું છે.
અમદાવાદમાં ગઇકાલે વરસ્યો હતો દોઢ ઈંચ વરસાદ
અમદાવાદ શહેરમાં ગઈકાલે (ચોથી જુલાઈ) સવારે 6:00 વાગ્યાથી આજે (પાંચમી જુલાઈ) સવારે 6:00 વાગ્યા સુધી સિટીમાં સરેરાશ 39.15 મીમી એટલે કે, અંદાજે 1.54 ઈંચ વરસાદ થયો છે. આ વરસાદ સાથે શહેરમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 63.15 મીમી એટલે કે 2.49 ઈંચ પર પહોંચી ગયો છે. આમ, શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અને ઘણાં વિસ્તારોમાં 2 ઈંચ કે તેથી વધુ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
વાસણા બેરેજની સ્થિતિ
AMCના રિપોર્ટ અનુસાર વાસણા બેરેજની સપાટી હાલ 132.50 ફૂટ એટલે કે, 40.386 મીટર નોંધવામાં આવી છે. નદીમાં હાલ નવો કોઈ ઈનફ્લો નથી અને કેનાલ મારફતે 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે બેરેજના તમામ દરવાજા બંધ રાખવામાં આવ્યા છે.
5 જુલાઈ (રવિવાર) અને 6 જુલાઈ (સોમવાર) ભારે વરસાદની આગાહી
- અત્યંત ભારે વરસાદ: ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ સમાન અત્યંત ભારે વરસાદની સંભાવના છે.
- ભારેથી અતિભારે વરસાદ: છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
- ભારે વરસાદ: પંચમહાલ, મહીસાગર, વડોદરા અને પોરબંદરમાં ભારે વરસાદની સંભાવના છે.
- હળવોથી મધ્યમ વરસાદ: ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદમાં 40 થી 50 કિમી/કલાકની ઝડપે પવન અને મધ્યમ મેઘગર્જના સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.









