અમદાવાદ: રામોલમાં પરિવાર બહારગામ ગયો અને તસ્કરોએ 31 લાખથી વધુનો હાથફેરો કર્યો, બે તીજોરી ખંખેરી 3 શખસ ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદના રામોલ વિસ્તારમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે. પરિવાર બહારગામ ગયો હોવાનો લાભ ઉઠાવી ત્રણ બુકાનીધારી તસ્કરોએ કન્સ્ટ્રક્શન વ્યવસાયીના બંધ મકાનમાંથી તીજોરીના તાળાં તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 31.85 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ મામલે રામોલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ધમધમાવી છે.
પરિવાર બહારગામ ગયો ને તસ્કરો ત્રાટક્યા
મળતી વિગતો અનુસાર, રામોલ-વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા મહાદેવનગર ટેકરા પાછળની આમ્રપાલી સોસાયટીમાં 54 વર્ષીય કન્સ્ટ્રક્શન વ્યવસાયી જગદીશ દલવાડી પરિવાર સાથે રહે છે. ગત 28મી જુલાઈની સાંજે તેઓ પોતાની ગર્ભવતી પુત્રવધૂને લેવા માટે પરિવાર સાથે સુરેન્દ્રનગરના ચુડા ગામે ગયા હતા. બંધ મકાનનો લાભ ઉઠાવી વહેલી સવારે ત્રણ અજાણ્યા તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા.
બુકાનીધારી તસ્કરો ટુ-વ્હીલર પર ભાગી છૂટ્યા
29મી જુલાઈની વહેલી સવારે આશરે 4:30 વાગ્યે પડોશી રાજેશ પટેલે જગદીશના ઘરમાંથી અવાજ સાંભળતા બૂમાબૂમ કરી હતી. પડોશી જાગી જતાં જ મોઢા પર કપડું બાંધેલા ત્રણ શખસો ઘર બહાર દોડી આવ્યા હતા. જેમાંથી એકના હાથમાં થેલો હતો. ત્રણેય તસ્કરો ટુ-વ્હીલર પર સવાર થઈ હીરાબા સ્કૂલ તરફ ભાગી છૂટ્યા હતા.
બે તિજોરી ખંખેરી ₹31.85 લાખનો માલમત્તા ચોરાયો
ઘટનાની જાણ થતાં જ જગદીશનો પરિવાર અમદાવાદ પરત ફર્યો હતો. ઘરમાં તપાસ કરતા મેઈન દરવાજા અને ઉપરના માળના લોક તૂટેલા હતા. સાથે જ બે તિજોરીઓ ખુલ્લી અને સામાન વેરવિખેર હાલતમાં હતો. તસ્કરો તિજોરીમાંથી 29.5 તોલા સોનાના દાગીના, 350 ગ્રામ ચાંદીના દાગીના અને બ લાખ રૂપિયા રોકડા રકમ મળીને કુલ 37.85 લાખ રૂપિયાની મતા ચોરી ગયા હતા.
આ ઘટના અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા શખસો સામે ગુનો નોંધાવવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે ફરાર તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.









