અમદાવાદ: ડબલ વળતરની લાલચમાં વૃદ્ધે 15 લાખ ગુમાવ્યા, UPI ન વાપરતા ખેડૂતના ખાતામાંથી 6 લાખ ઉપડ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદ શહેરમાં છેતરપિંડીની બે ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. પહેલી ઘટનામાં નારણપુરાના 85 વર્ષીય નિવૃત્ત વૃદ્ધને રોકાણ સામે ડબલ વળતરની લાલચ આપી મુંબઈના ઠગોએ 15 લાખ રૂપિયા ઝાપટી લીધા છે. જ્યારે બીજી ઘટનામાં દસ્ક્રોઈના એક ખેડૂત કોઈપણ પ્રકારની ઓનલાઈન પેમેન્ટ એપ (UPI) વાપરતા ન હોવા છતાં, તેમના બેન્ક ખાતામાંથી સાયબર માફિયાઓએ 6.85 લાખ રૂપિયા સરકાવી લીધા છે. આ બંને બનાવો અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સોનું ગીરવે મૂકી લોન લીધી, ઠગ 15 લાખ પડાવી ગયા
મળતી માહિતી અનુસાર, નારણપુરાના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા 85 વર્ષીય નિવૃત્ત વિનોદ પાંડુરાવ સોનકુસરે સાથે 15 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. વર્ષ 2023માં મુંબઈના પ્રકાશ પિંપુડકર અને તેના સાગરિત સુદેશે પોતાની કંપનીમાં રોકાણ કરવાથી નાણાં ડબલથી પણ વધુ થઈ જશે તેવી લાલચ આપી હતી.
ઠગોની વાતોમાં આવી વિનોદે સોનાના દાગીના ગીરવે મૂકી બેન્કમાંથી 6.90 લાખ રૂપિયાની લોન લીધી અને પોતાની બચત ઉમેરીને 15 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. આરોપીઓએ નારણપુરાની બેન્ક ઓફ ઈન્ડિયામાં ફરિયાદીની પત્ની દક્ષાબહેન પાસે RTGS ફોર્મ પર સહી કરાવી 15 લાખ રૂપિયા દિલ્હીની એસ.કે. લોજિસ્ટિક્સના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. લાંબા સમય સુધી વળતર કે મૂળ રકમ પરત ન મળતા આખરે વૃદ્ધે નારણપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ખેડૂત UPI વાપરતા જ નથી, છતાં ખાતામાંથી ₹6.85 લાખ ગાયબ
બીજા બનાવમાં દસ્ક્રોઈ તાલુકાના ભુવાલડી ગામે રહેતા અને ખેતીકામ કરતા અશોક ભોઈ સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. અશોકે દોઢ વર્ષ પહેલાં જમીન વેચાણમાંથી મળેલા 10 લાખ રૂપિયા પોતાના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ચોથી એપ્રિલ 2026થી પંચમી મે 2026 દરમિયાન તેમની જાણ બહાર અલગ-અલગ તારીખે UPI મારફતે 6, 85,700 રૂપિયની રકમ સાવન ઠાકોર, ગિરીશ ચેલાણી, શ્યામ રાઠોડ, ભાવીન દવે, જશોદાબહેન, હિતેષ ભોઈ અને જુલીબહેન સહિતના અજાણ્યા UPI ID ધરાવતા ખાતાઓમાં ટ્રાન્સફર થઈ ગઈ હતી.
અશોક કોઈ પણ ઓનલાઈન પેમેન્ટ એપ વાપરતા જ નથી. ફ્રિજ ખરીદવા માટે બેન્કમાંથી નાણાં ઉપાડવા જઈ પાસબુકમાં એન્ટ્રી કરાવતા આ ચોંકાવનારી વિગત સામે આવી હતી. પ્રાથમિક તબક્કે સાયબર ક્રાઈમમાં 1.72 લાખ રૂપિયાની ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ હવે સમગ્ર 6.85 લાખ રૂપિયાની છેતરપિંડી મામલે નિકોલ પોલીસ મથકે ગુનો નોંધાતાં પોલીસે આરોપીઓનું સુરાગ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.









