Ahmedabad

અમદાવાદ: બાપુનગરના વૃદ્ધ દંપતી સાથે કરોડોની ઠગાઈ, ભાણેજના દીકરા જ 2.85 કરોડ પચાવી પાડ્યા

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં 72 વર્ષીય વૃદ્ધ દંપતી સાથે રૂ. 2.85 કરોડથી વધુની છેતરપિંડી થઈ છે. વૃદ્ધે પોતાના અને પુત્રના ભવિષ્ય માટે જીવનભરની બચત ભાણેજના દીકરા મૌલિક લોકડિયાને સાચવવા આપી હતી. લાંબો સમય થતાં અને પૈસા પરત ન મળતા, ધમકીઓ મળતાં અંતે મૌલિક સામે ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: બાપુનગરના વૃદ્ધ દંપતી સાથે કરોડોની ઠગાઈ,  ભાણેજના દીકરા જ 2.85 કરોડ પચાવી પાડ્યા

Ahmedabad Crime News: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં વૃદ્ધ દંપતી સાથે રૂપિયા 2.85 કરોડથી વધુ રકમની છેતરપિંડીની ઘટના સામે આવી છે. 72 વર્ષીય વૃદ્ધે પોતાના અને અસ્થીર મગજના પુત્રના ભવિષ્ય માટે જીવનભરની બચત ભાણેજના દીકરા આરોપી મૌલિક લોકડિયા પાસે સાચવવા આપી હતી. લાંબો સમય થયા છતાં બાકીની રકમ પરત ન કરી ધમકીઓ અપાતાં અંતે મૌલિક લોકડિયા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જીવનભરની મહેનતની કમાણી સગાં પર ભરોસો મૂકી સોંપી

ફરિયાદી મથુર તેમના પત્ની મંજુલાબહેન સાથે બાપુનગર ખાતે નિવૃત્ત જીવન ગાળે છે. તેના બે દીકરાઓમાંથી એકનું અવસાન થઈ ચૂક્યું છે, જ્યારે બીજો દીકરો જન્મથી માનસિક રીતે અસ્થિર હતો, જેનું પણ બીમારીના કારણે મૃત્યુ થયું હતું. છેલ્લા 30 વર્ષથી છૂટક કન્સ્ટ્રક્શનનું કામ કરીને એકઠું કરેલું ભંડોળ અને બચત નિવૃત્ત વયે કામ આવે તે હેતુથી, તેણે ભાણેજના દીકરા મૌલિક પર ભરોસો મૂકીને સાચવવા આપવાનો નિર્ણય કર્યો હતો.

4.03 કરોડ આપ્યા, પરત માગતા વાયદા શરૂ કર્યા

આજથી સાત-આઠ વર્ષ પહેલાંથી લઈને માર્ચ 2024 સુધીમાં મથુરે મૌલિકને અલગ-અલગ સમયે પોતાની ઓફિસ અને ઘરેથી રોકડા 3,10,59,600 રૂપિયા તથા કોટક મહિન્દ્રા બેન્ક એકાઉન્ટ મારફતે 92,63,140 રૂપિયા મળીને કુલ 4,03,22,740 રૂપિયા સાચવવા માટે આપ્યા હતા. જોકે, બે વર્ષ પહેલાં મથુરને પોતાના પ્લોટમાં શેડ બનાવવા માટે નાણાંની જરૂર પડતાં મૌલિક પાસે રકમ પરત માંગી હતી. પરંતુ મૌલિક વારંવાર ખોટા વાયદાઓ કરી પૈસા આપવાનું ટાળતો રહ્યો હતો.

સમાજની બેઠકમાં ભૂલ સ્વીકારી લખાણ કર્યું, છતાં 2.85 કરોડ પચાવી પાડ્યા

મૌલિકની દાનત પર શંકા જતાં 14/04/2024 ના રોજ સિંગરવા કઠવાડા રોડ સ્થિત ગોકુલ એસ્ટેટ ખાતે સમાજના વડીલો અને સંબંધીઓની હાજરીમાં એક બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં હિસાબ કરતાં મૌલિકે પોતાની ભૂલ સ્વીકારી હતી અને મથુરની ડાયરીમાં પોતાના સ્વહસ્તાક્ષરે લખાણ લખીને સહી કરી આપી હતી, જેમાં હાજર સાક્ષીઓએ પણ સહી કરી હતી. લખાણ મુજબ મૌલિકે નક્કી થયેલા સમયમર્યાદામાં નાણાં ચૂકવવાનો વાયદો કર્યો હતો.

ત્યારબાદ મૌલિકે ચેક, રોકડા, ઓનલાઈન ટ્રાન્સફર તથા મહાવીરનગર સ્થિત પોતાની એક દુકાનનો રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરી આપીને કુલ 1,18,00,000 રૂપિયા પરત ચૂકવ્યા હતા. પરંતુ બાકી નીકળતા 2,85,22,740 રૂપિયા વારંવાર માગવા છતાં તેણે આપવાની સાફ ના પાડી દીધી હતી અને થાય તે કરી લેવાની ધમકી આપી હતી. જેથી વૃદ્ધ દંપતીએ પોતાની જીવનભરની કમાણી મેળવવા માટે અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.