Ahmedabad

અમદાવાદ: ફાયર બ્રિગેડની ભરતીના નિયમોને લઈને અસંતોષ, સબ ફાયર ઓફિસરની જગ્યામાં છૂટછાટની માગ

By GS Team
1 Oct 20263 mins read
TukuTouch Logo
અમદાવાદ ફાયર બ્રિગેડમાં ચીફ ફાયર ઓફિસર સહિતની જગ્યાઓ ભરવા AMCએ જાહેરાત કરી છે. ભરતીના નિયમોમાં ફાયરમેનોને છૂટછાટ ન મળતાં અસંતોષ વ્યાપ્યો છે. નોકર મંડળ એસોસિયેશને કમિશનરને રજૂઆત કરી સબ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની લાયકાતમાં ફેરફાર, શારીરિક કસોટીમાં રાહત અને મહિલા અનામત મુદ્દે સ્પષ્ટતાની માગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ફાયર બ્રિગેડની ભરતીના નિયમોને લઈને અસંતોષ, સબ ફાયર ઓફિસરની જગ્યામાં છૂટછાટની માગ

Ahmedabad Fire Brigade: અમદાવાદ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે લાંચ કેસમાં ઝડપાયા બાદ ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી પડી છે. આ સહિત ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને સબ ફાયર ઓફિસરની જગ્યાઓ ભરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જોકે, ભરતીના નિયમોમાં ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે સબ ફાયર ઓફિસરની જગ્યાએ અલગથી છૂટછાટ ન રાખવામાં આવતા ફાયરમેનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

નોકર મંડળ એસોસિયેશને કમિશનરને રજૂઆત કરી

આ મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નોકર મંડળ એસોસિયેશન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. એસોસિયેશને ભરતીના નિયમોમાં ફેરફાર કરીને ખાતામાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ યોગ્ય તક આપવા માગ કરી છે. એસોસિયેશનની રજૂઆત મુજબ, સબ ફાયર ઓફિસરની જગ્યા માટે સ્નાતક, 5 વર્ષનો જમાદાર તરીકેનો અનુભવ તેમજ નાગપુર સબ ફાયર ઓફિસર કોર્સની ડિગ્રી મેળવ્યા બાદનો 5 વર્ષનો અનુભવ માગવામાં આવ્યો છે. એસોસિયેશને આ પ્રકારની લાયકાત સામે વાંધો ઉઠાવી તેને કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ ગણાવી છે.

એસોસિયેશનનું કહેવું છે કે ફાયરમેન તરીકે કોર્પોરેશનના ફાયર બ્રિગેડમાં ભરતી થતાં સમયે ઉમેદવાર શારીરિક કસોટી પાસ કરી ચૂક્યો હોય છે. તેથી વર્ષોથી ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા કર્મચારીઓને ફરીથી ભરતી પ્રક્રિયામાં શારીરિક કસોટી અંગે જરૂરી છૂટછાટ આપવી જોઈએ તેવી માગ કરવામાં આવી છે.

ચોક્કસ વ્યક્તિને લાભ આપવા નિયમો? એસોસિયેશનનો આક્ષેપ

રજૂઆતમાં સબ ફાયર ઓફિસરની ભરતીમાં મહિલા ઉમેદવાર માટે અનામત બેઠક રાખવામાં આવી હોવા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. એસોસિયેશન દ્વારા આ અંગે આક્ષેપ કરવામાં આવ્યો છે કે અન્ય સંબંધિત ભરતીમાં આવી અનામત ન હોવા છતાં સબ ફાયર ઓફિસરની જગ્યા માટે આ પ્રકારની જોગવાઈ રાખવામાં આવી છે.

પત્રમાં એવી પણ ચર્ચા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એક અધિકારીની પત્ની આ જગ્યા માટે લાયકાત ધરાવતી હોવાથી તેને ધ્યાનમાં રાખીને અનામતની જોગવાઈ કરવામાં આવી હોઈ શકે છે.

ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની લાયકાતમાં પણ વિસંગતતાનો આક્ષેપ

એસોસિયેશને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ભરતી માટેની લાયકાતમાં પણ વિસંગતતા હોવાનો આક્ષેપ કર્યો છે. રજૂઆત મુજબ બહારના ઉમેદવાર પાસેથી ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકેનો 5 વર્ષનો અનુભવ માગવામાં આવ્યો છે, જ્યારે અમદાવાદ ફાયર વિભાગમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર માટે 10 વર્ષનો અનુભવ માગવામાં આવ્યો છે.

એસોસિયેશનના જણાવ્યા મુજબ આ જોગવાઈના કારણે અમદાવાદ ફાયર વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓને અરજી કરવામાં મુશ્કેલી પડી શકે છે. પત્રમાં એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે બહારના ઉમેદવાર દ્વારા ખાનગી સંસ્થાનો અનુભવ દર્શાવતું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે તો તેની ખરાઈ કરવી જરૂરી છે.

ખાતાના અધિકારીઓને અનુભવની લાયકાતમાં રાહતની માગ

આથી અમદાવાદ ફાયર વિભાગમાં હાલ ફરજ બજાવતા અધિકારીઓ માટે અનુભવની લાયકાતમાં યોગ્ય છૂટછાટ આપવા એસોસિયેશને માગ કરી છે. સાથે જ બહારના ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા અનુભવના પ્રમાણપત્રોની યોગ્ય ચકાસણી કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

અમિત ડોંગરે દ્વારા નિયમો બનાવ્યા હોવાની ચર્ચા

હાલ અમલમાં રહેલા રિક્રુટમેન્ટ રૂલ્સ અમદાવાદ ફાયર વિભાગના પૂર્વ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે દ્વારા બનાવવામાં આવ્યા હોવાનું કહેવામાં આવે છે. એસોસિયેશનનો આક્ષેપ છે કે તે સમયે ફાયર વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓ પાસેથી આ નિયમો અંગે કોઈ માહિતી કે અભિપ્રાય લેવામાં આવ્યો ન હતો. આથી બહારથી આવેલા અધિકારી દ્વારા તૈયાર કરવામાં આવેલા આવા ભરતી નિયમોની સમીક્ષા કરીને તેને રદ કરવા અથવા જરૂરી સુધારા કરવા એસોસિયેશને કમિશનરને રજૂઆત કરી છે.

બહારથી નક્કી થયેલા ઉમેદવારોને જ લાભ મળશે તેવી આશંકા

ભરતીના વર્તમાન નિયમોને લઈને ફાયર બ્રિગેડના કર્મચારીઓમાં એવી આશંકા અને આક્ષેપ વ્યક્ત થઈ રહ્યા છે કે નિયમો બહારના ઉમેદવારોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે અને ખાતામાં વર્ષોથી ફરજ બજાવતા ફાયરમેનોને યોગ્ય તક નહીં મળે. એસોસિયેશને કમિશનરને રજૂઆત કરીને સબ ફાયર ઓફિસરની ભરતીમાં ખાતાના કર્મચારીઓને યોગ્ય છૂટછાટ આપવા, શારીરિક કસોટીમાં રાહત આપવા અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની લાયકાતમાં રહેલી વિસંગતતા દૂર કરવા માગ કરી છે.