પોતાનું પાપ છુપાવવા નદીમાં વહાવી દીધું મૃત ભ્રૂણ! અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર અરેરાટી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ પરથી એક અરેરાટીભરી ઘટના સામે આવી છે. સાબરમતી નદીના પાણીમાં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા આશરે 2થી 4 મહિનાનું મૃત ભ્રૂણ વહેતું કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક દૃષ્ટિએ કોઈ અજાણી મહિલા પોતાનું પાપ છુપાવવા માટે આ મૃત ભ્રૂણને પાણીમાં તરતું મૂકીને ફરાર થઈ ગઈ હોવાનું મનાઈ રહ્યું છે.
ફાયર બ્રિગેડની મદદથી ભ્રૂણ બહાર કઢાયું
રિવરફ્રન્ટ પરથી પસાર થઈ રહેલી એક મહિલાની નજર નદીમાં તરતાં મૃત ભ્રૂણ પર પડતાં તેણે વિલંબ કર્યા વગર તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસનો કાફલો કામા હોટલ પાછળ આવેલા નદીના પટ વિસ્તારમાં પહોંચી ગયો હતો. ત્યારબાદ પોલીસે ફાયર બ્રિગેડની મદદ લઈને નદીના ઊંડા પાણીમાંથી આ મૃત ભ્રૂણને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
સુરક્ષા અને સીસીટીવી વ્યવસ્થા પર સવાલો
આ મામલે પોલીસે હાલ અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. જોકે, આ અરેરાટીભરી ઘટનાએ સાબરમતી રિવરફ્રન્ટની સુરક્ષા અને સર્વેલન્સ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. રિવરફ્રન્ટ જેવા મહત્વના અને જાહેર સ્થળે પૂરતા પ્રમાણમાં સીસીટીવી કેમેરા ન હોવાને કારણે ગુનેગારોને મોકળું મેદાન મળી રહ્યું છે. ભૂતકાળમાં પણ કેમેરાના અભાવે અનેક ગુનાઓના ભેદ ઉકેલાયા નથી, ત્યારે આ કેસમાં પણ આરોપી મહિલા સુધી પહોંચવું પોલીસ માટે એક મોટો પડકાર બની રહેશે.









