Ahmedabad

અમદાવાદ: પિયર રહેતી પુત્રવધૂએ બૅંક જોઇન્ટ લોકરમાંથી 50 લાખના દાગીના ઉપાડી લીધા, સાસુએ ફરિયાદ નોંધાવી

By GS Team
28 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના વાસણામાં 63 વર્ષીય સાસુ રીટાબહેન શાહે પુત્રવધૂ યેશા સામે 50.85 લાખના દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાવી છે. પારિવારિક ઝઘડાને કારણે પિયર ગયેલી પુત્રવધૂએ પતિ કે સાસુની જાણ બહાર પંજાબ નેશનલ બૅંકના જોઈન્ટ લોકરમાંથી સોના, ચાંદી, પ્લેટિનમ અને ડાયમંડના દાગીના કાઢી લીધા હતા. દાગીના પાછા ન આપતા આખરે સાસુએ ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: પિયર રહેતી પુત્રવધૂએ બૅંક જોઇન્ટ લોકરમાંથી 50 લાખના દાગીના ઉપાડી લીધા, સાસુએ ફરિયાદ નોંધાવી

Ahmedabad News: અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા 63 વર્ષીય સાસુએ પોતાની પુત્રવધૂ સામે બૅંક લોકરમાંથી આશરે 50.85 લાખ રૂપિયાની કિંમતના દાગીના કાઢી લેવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પારિવારિક ઝઘડાના કારણે પિયર રહેતી પુત્રવધૂએ પતિ કે સાસુની જાણ બહાર બૅંકના જોઈન્ટ લોકરમાંથી સોના-ચાંદી, પ્લેટિનમ અને ડાયમંડના તમામ દાગીના કાઢી લીધા હતા. ત્યારબાદ વાયદો કરવા છતાં દાગીના પાછા ના આપતા અંતે વૃદ્ધ સાસુએ પોતાની જ પુત્રવધૂ સામે ફરિયાદ નોંધાવી છે.

પારિવારિક ઝઘડા બાદ પુત્રવધૂ બાળકો સાથે પિયર જતી રહી હતી

મળતી માહિતી અનુસાર, વાસણા વિસ્તારમાં રહેતા 63 વર્ષીય ફરિયાદી રીટાબહેન શાહના પુત્રએ 2011માં પ્રેમલગ્ન કર્યા હતા. પારિવારિક ઝઘડાઓને કારણે દીકરાની વહુ 2024માં પોતાના બાળકો સાથે પિયર જતી રહી હતી. ફરિયાદીના સ્વર્ગસ્થ પતિએ પંજાબ નેશનલ બૅંકની વાસણા શાખામાં લોકર ખોલાવ્યું હતું, જેમાં પાછળથી પુત્ર રૂતુલ અને પુત્રવધુ યેશાનું નામ પણ જોઇન્ટ રીતે જોડાયેલું હતું. આ લોકરમાં ફરિયાદી અને તેના પરિવારની જીવનભરની બચતના 50, 85,899 લાખ રૂપિયાના આશરે 348 ગ્રામ સોનાના દાગીના, 925 ગ્રામ ચાંદીના સિક્કા, પ્લેટિનમની ચેઈન અને ડાયમંડના દાગીના મુકવામાં આવ્યા હતા.

આ પછી તારીખ એપ્રિલ 2024ના રોજ પુત્રવધુ યેશાએ ફરિયાદી સાસુ કે તેમના પુત્ર રૂતુલને જાણ કર્યા વગર બૅંકમાં જઈને લોકરમાંથી તમામ દાગીના અને સિક્કા કાઢી લીધા હતા. બૅંક તરફથી રૂતુલના મોબાઈલ પર મેસેજ આવતા પરિવારને આ ઘટનાની જાણ થઈ હતી. ત્યારબાદ ફરિયાદી અને તેમના પુત્રએ યેશા પાસે દાગીના પરત માંગતા તેણે સાસરીમાં પાછા આવીને બધું પરત કરવાનો વાયદો કર્યો હતો, પરંતુ આજ સુધી દાગીના પાછા આપ્યા નથી. આથી અગાઉ પોલીસ અરજી કર્યા બાદ હવે ફરિયાદીએ પોતાની પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવી છે.