અમદાવાદમાં સાયબર ઠગો બેફામ!: SIM બ્લોક, મેમો અને શેરબજારના નામે 5 લોકો પાસેથી ₹30 લાખ લૂંટ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Cyber Crime 30 Lakh Fraud 5 Victims: અમદાવાદ શહેરમાં સાયબર ઠગોએ અલગ-અલગ વિસ્તારોમાં રહેતા 5 નાગરિકોને શિકાર બનાવી કુલ રૂ.30 લાખની છેતરપિંડી આચરી છે. ઠગ ટોળકીઓએ વાહન માલિકોને ટ્રાફિક મેમો ભરવાના નામે ‘NextGen mParivahan’ જેવી નકલી APK ફાઈલ મોકલીને, શેરબજારમાં રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપીને તથા ટેલિકોમ એપ મારફતે સિમકાર્ડ સ્થગિત કરાવી નેટબેંકિંગ અને ક્રેડિટ કાર્ડ મારફતે આ રકમ સેરવી લીધી હતી. સમગ્ર મામલે ભોગ બનનારાઓની ફરિયાદોના આધારે સાયબર ક્રાઇમ પોલીસે અલગ-અલગ ગુના નોંધી મોબાઈલ નંબરો, બેંક ખાતાઓ અને ડિજિટલ ટ્રેલના આધારે તપાસ તેજ કરી છે.
ફેસબુક પર રોકાણની જાહેરાત જોઈ જોડાયેલા ઓઢવના વેપારી સાથે રૂ.7.67 લાખની છેતરપિંડી
ઓઢવ પોલીસ ચોકીની પાછળ આવેલી એલ.આઈ.જી. કોલોનીમાં રહેતા અને કરિયાણાનો વ્યવસાય કરતા 48 વર્ષીય હર્ષદકુમાર અંબાલાલ પારેખે ફેસબુક પર 'શેર માર્કેટમાં રોકાણ કરો અને 100% વળતર મેળવો' તેવી જાહેરાત જોઈ હતી. તેના પર ક્લિક કરતાં જ તેઓ ‘SAMCO Investor Education Community’ નામના વોટ્સએપ ગ્રૂપમાં ઉમેરાયા હતા. આ ગ્રૂપમાં સાનવી વધવા અને અનન્યા નામની વ્યક્તિઓએ પોતાને સેબી રજિસ્ટર્ડ કંપનીના પ્રતિનિધિ ગણાવી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ એક નકલી લિંક મોકલી વેપારીનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. વેપારીને રોકાણ સામે એપ્લિકેશનમાં 200% થી 300% નો વર્ચ્યુઅલ પ્રોફિટ દર્શાવી, અલગ-અલગ યુપીઆઈ આઈડી અને બેંક ખાતામાં કુલ રૂ. 7.67 લાખ જમા કરાવી લીધા હતા. રોકાણ કરેલી રકમ પરત મેળવવા જતાં આરોપીઓએ 20% કમિશન અને પેનલ્ટી ચાર્જ પેટે વધુ રકમની માગણી કરી નાણાં અટકાવી લીધા હતા.
ટ્રાફિક મેમો ક્લિયર કરવાના બહાને માલવેર ફાઈલ મોકલી ક્રેડિટ કાર્ડમાંથી રૂ.5 લાખ ઉપાડી લીધા
વાસણા ભાઠાગામ ચાર રસ્તા પાસે શ્રીસદન ફ્લેટમાં રહેતા અને વાસણા બસ સ્ટેન્ડ નજીક ફૂલોની દુકાન ધરાવતા 45 વર્ષીય સમીર રતિલાલ રામીના મોબાઈલ પર વર્ચ્યુઅલ નંબર પરથી એક મેસેજ આવ્યો હતો. જેમાં તેમના વાહન નંબર GJ01KX1420 પર ટ્રાફિક વાયોલેશનનો એક હજાર રૂપિયાનો દંડ બાકી હોવાનું જણાવી NextGen mParivahan1.0(2).apk નામની ફાઈલ ડાઉનલોડ કરવા જણાવાયું હતું. વેપારીએ આ ફાઈલ ડાઉનલોડ કરતાં જ તેમના મોબાઈલનું એક્સેસ ઠગો પાસે જતું રહ્યું હતું અને અજાણ્યા નંબર પર કોલ ફોરવર્ડિંગ એક્ટિવેટ થઈ ગયું હતું. ત્યારબાદ ઠગોએ ફરિયાદીની જાણ બહાર તેમના RBL બેંક ક્રેડિટ કાર્ડમાંથી ફ્લિપકાર્ટ અને અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે કુલ રૂ. 5 લાખ ના ટ્રાન્ઝેક્શન કરી લીધા હતા.
ઘીકાંટાના વેપારીનું સિમકાર્ડ ડી-એક્ટિવેટ કરાવી બેંક ખાતામાંથી રૂ.6.97 લાખનું ફ્રોડ
ઘીકાંટા મેટ્રો સ્ટેશન સામે ગેલાભાઈની વાડીમાં રહેતા અને કાપડનો વેપાર કરતા 49 વર્ષીય જગદિશ શંકરલાલ પરમારના મોબાઈલ નંબરની ઈનકમિંગ અને આઉટગોઈંગ સેવાઓ અચાનક સ્થગિત થઈ ગઈ હતી. તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે અજાણ્યા શખસો ‘MyJio’ એપ્લિકેશનમાં અનધિકૃત લોગઇન કરી ઓલ્ટરનેટ મોબાઈલ નંબર બદલી નાખ્યો હતો અને સિમ બંધ કરવાની વિનંતી મોકલી હતી. સિમકાર્ડ બંધ હોવાથી ટ્રાન્ઝેક્શનના ઓટીપી ફરિયાદી સુધી પહોંચ્યા નહોતા. આરોપીઓએ ફરિયાદીના આઈસીઆઈસીઆઈ બેંક તથા એચડીએફસી બેંક ખાતાના નેટબેંકિંગ એક્સેસ મેળવીને, એફડી બ્રેક કરાવી કલ્યાણ જ્વેલર્સના યુપીઆઈ આઈડી પર કુલ રૂ. 6.97 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા.
મોટેરાના 73 વર્ષીય સિનિયર સિટીઝનનો ફોન હેક કરી એકાઉન્ટમાંથી રૂ. 6.66 લાખ ઉપાડી લીધા
મોટેરા ખાતે મૈત્રી એવન્યુ બંગલોમાં રહેતા 73 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ શ્યામલ બાનિકંઠ ભટ્ટાચાર્યના મોબાઈલ પર વાહન નંબર GJ01RN7298 પર કોર્ટ કેસની ધમકી આપતો એક ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો. મેસેજમાં આપેલી ‘mparivahan’ વાળી શંકાસ્પદ લિંક પર ક્લિક કરતાં જ તેમનો ફોન હેક થઈ ગયો હતો. ફોનમાં આવતા તમામ ટેક્સ્ટ મેસેજ અન્ય એક મોબાઈલ નંબર પર ફોરવર્ડ થઈ ગયા હતા. આ ટેકનિકની મદદથી આરોપીઓએ ફરિયાદીના આઈસીઆઈસીઆઈ બેંક ખાતામાંથી રાત્રિના સમયે ચાર અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ. 6.66 લાખ બારોબાર ઉપાડી લીધા હતા. બેંક કોલસેન્ટરમાંથી ફોન આવ્યા બાદ વૃદ્ધને પોતાના ખાતામાંથી નાણાં ઉપડી ગયાની જાણ થઈ હતી.
બાપુનગરમાં વેપારીના ખાતામાંથી માત્ર 23 મિનિટમાં રૂ.3.99 લાખ ઉપડી ગયા
બાપુનગર વિસ્તારમાં રહેતા 64 વર્ષીય વૃદ્ધ વેપારીના બેંક એકાઉન્ટમાંથી અજાણ્યા ગઠિયાએ માત્ર 23 મિનિટના ગાળામાં ત્રણ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ.3.99 લાખ ઉપાડી લઇ ઓનલાઇન છેતરપિંડી આચરી હતી. આ મામલે વૃદ્ધે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બાપુનગરમાં વોરાની ચાલી પાસે આવેલા નસીબનગરમાં રહેતા અને ઘરેથી હેલ્થ વેલનેસનું કામકાજ કરતા અબ્બાસહુસેન શબ્બીરહુસેન શેખ ગત 26 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે આશરે 10 વાગ્યે ઘરે આવી આરામ કરવા ગયા ત્યારે મોબાઇલ ચેક કરતાં બેંકમાંથી પૈસા કપાયાના મેસેજ જોવા મળ્યા હતા. જેમાં સાંજે 5:26 વાગ્યથી 5:49 વાગ્યા સુધીમાં અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મળી કુલ રૂ. 3.99 લાખ કપાયા હતા. પોતે કોઈપણ ટ્રાન્ઝેક્શન ન કર્યું હોવાથી સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવતા રખિયાલ પોલીસે ગુનાના આધારે વધુ તપાસ શરૂ કરી છે.




