Ahmedabad

અમદાવાદ દુષ્કર્મ કેસ: સિક્યોરિટી એજન્સીના માલિક સામે ગુનો નોંધાયો, લાયસન્સ એક્સપાયર હોવા છતાં ચાલતી હતી કંપની

By GS Team
11 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના આનંદનગરમાં PGમાં યુવતી પર દુષ્કર્મ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આરોપી સિક્યોરિટી ગાર્ડ જે એજન્સીમાં નોકરી કરતો હતો, તે A-1 સિક્યોરિટી કંપનીનું લાયસન્સ 4 મહિના પહેલાં જ એક્સપાયર થઈ ગયું હતું. લાયસન્સ વગર બેદરકારીપૂર્વક એજન્સી ચલાવવા બદલ પોલીસે કંપનીના માલિક રામપ્રકાશ તિવારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ દુષ્કર્મ કેસ: સિક્યોરિટી એજન્સીના માલિક સામે ગુનો નોંધાયો, લાયસન્સ એક્સપાયર હોવા છતાં ચાલતી હતી કંપની

Ahmedabad Crime News: અમદાવાદના આનંદનગરમાં આવેલા PGમાં રહેતી યુવતી પર થયેલા દુષ્કર્મ કેસમાં આરોપીની ધરપકડ કર્યા બાદ સિક્યોરિટી એજન્સી સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આરોપી સિક્યોરિટી ગાર્ડ જે એજન્સીમાં નોકરી કરતો હતો તે એ વન સિક્યોરિટી કંપનીનું લાયસન્સ 4 મહિના પહેલાં જ એક્સપાયર થઈ ચૂક્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. લાયસન્સની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં રિન્યુઅલની કોઈ પ્રક્રિયા કર્યા વિના બેદરકારીપૂર્વક એજન્સી ચલાવવા બદલ હવે પોલીસે કંપનીના માલિક રામપ્રકાશ તિવારી સામે કાર્યવાહી હાથ ધરીને ગુનો નોંધ્યો છે.

જાણો શું છે મામલો

ગત નવમી ઑગસ્ટની રાત્રે આનંદનગર વિસ્તારમાં આવેલા એક પીજીમાં રહેતી એક યુવતી પર ધાબા ઉપર સિક્યોરિટી ગાર્ડે દુષ્કર્મ કર્યું હતું. આ ગંભીર બનાવ બાદ આનંદનગર પોલીસે આરોપી ધર્મસિંહની ધરપકડ કરી લીધી હતી. પોલીસની પૂછપરછમાં એ હકીકત સામે આવી હતી કે, આરોપી માત્ર ચાર દિવસ પહેલાં જ આ સિક્યોરિટી એજન્સીમાં નોકરી પર રખાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે, એજન્સી દ્વારા તેને કોઈપણ પ્રકારની પ્રાથમિક ટ્રેનિંગ કે માર્ગદર્શન આપવામાં આવ્યું ન હતું.

તપાસ દરમિયાન ખુલ્યો લાયસન્સનો ભાંડો

આ કેસની તપાસના ભાગરૂપે પોલીસે એ વન સિક્યુરિટીના માલિક રામપ્રકાશ તિવારીને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને તેમના દસ્તાવેજો ચેક કર્યા હતા. તપાસમાં સામે આવ્યું કે, રામપ્રકાશ વર્ષ 2015થી આ એજન્સીનું સંચાલન કરે છે અને છેલ્લે વર્ષ 2021માં તેમણે લાયસન્સ રિન્યુ કરાવ્યું હતું. આ લાયસન્સની કાયદેસરની મુદત પાંચમી એપ્રિલ, 2026ના રોજ જ પૂર્ણ થઈ ગઈ હતી. આમ છતાં, માલિકે તેને રિન્યુ કરાવવાની કોઈ તસ્દી લીધી ન હતી. સુરક્ષા જેવી સંવેદનશીલ જવાબદારીમાં આટલી મોટી બેદરકારી દાખવવા બદલ આખરે આનંદનગર પોલીસે એજન્સીના માલિક રામપ્રકાશ તિવારી સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.