Ahmedabad

અમદાવાદ: ESIC હોસ્પિટલમાં નોકરી અપાવવાના બહાને લાંચનું કૌભાંડ, ACBએ 4ને દબોચ્યા, મુખ્ય સૂત્રધાર ક્લાર્ક ફરાર!

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના બાપુનગરમાં ESIC હોસ્પિટલમાં કરાર આધારિત નોકરીઓ આપવાના નામે લાંચ લેતા 4 આરોપીઓને ACBએ ઝડપી પાડ્યા છે. આ કૌભાંડમાં કુલ 22.52 લાખથી વધુ રોકડ જપ્ત કરાઈ છે. સિક્યોરશિલ્ડ સિક્યુરિટી સર્વિસ પ્રા. લિ. કંપનીના મેનેજરો લાંચ લેતા રંગે હાથ પકડાયા છે. ESIC હોસ્પિટલના ક્લાર્ક રાજેન્દ્ર મીણાની પણ સંડોવણી સામે આવી છે, જે હાલ ફરાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ESIC હોસ્પિટલમાં નોકરી અપાવવાના બહાને લાંચનું કૌભાંડ, ACBએ 4ને દબોચ્યા, મુખ્ય સૂત્રધાર ક્લાર્ક ફરાર!

Unmasking Corruption in Job Recruitment: અમદાવાદના બાપુનગરમાં ESIC મોડલ જનરલ (સરકારી) હોસ્પિટલમાં કરાર આધારિત નોકરીઓ આપવાના નામે ચાલતા મોટા લાંચરૂશવત રેકેટનો પર્દાફાશ થયો છે. એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ગોઠવેલા એક છટકામાં ચાર લોકોને રોકડ સાથે રંગે હાથ ઝડપી પડાયા છે. આ દરમિયાન લાંચની રકમ અને સર્ચ ઓપરેશનમાં કુલ 22.52 લાખ રૂપિયાથી વધુની રોકડ પણ જપ્ત કરાઈ છે. આ સમગ્ર કૌભાંડમાં ESIC હોસ્પિટલના ક્લાર્કની સંડોવણી પણ સામે આવી છે.

1064 હેલ્પલાઇન પર મળેલી બાતમીના આધારે પર્દાફાશ

ACBના હેલ્પલાઇન નંબર 1064 પર ફરિયાદો મળી હતી કે ESIC હોસ્પિટલમાં પેરા-મેડિકલ સ્ટાફ સહિતની વિવિધ કેટેગરીમાં 11 માસના કરાર પર નોકરી મેળવવા આઉટસોર્સિંગ એજન્સી દ્વારા ઉમેદવારો પાસેથી મોટાપાયે નાણાં પડાવાય છે. આ હોસ્પિટલ સાથે કોન્ટ્રાક્ટ ધરાવતી 'સિક્યોરશિલ્ડ સિક્યુરિટી સર્વિસ પ્રા. લિ.' કંપની દ્વારા કર્મચારીઓ પાસે રૂ. 30,000થી લઈને રૂ. 1,50,00 સુધીની લાંચ મંગાતી હતી. ACBએ એક જાગૃત નાગરિકની માહિતીના આધારે છટકું ગોઠવ્યું હતું.

વટવા GIDC સ્થિત ઓફિસે ગોઠવાયું છટકું

આ માહિતી મળ્યા બાદ 10 સપ્ટેમ્બરના રોજ ACB ટીમે વટવા GIDCમાં આવેલા મેટ્રિક્સ પ્લાઝા કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલી સિક્યોરશિલ્ડ કંપનીની ઓફિસ (નં. 114)માં ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન એક સામાન્ય નાગરિક તરીકે ગયેલી વ્યક્તિ પાસેથી કંપનીના ઓપરેશન મેનેજર પ્રમોદ શંકર પાંડેએ રૂ. 95,000 લાંચની માગ કરી હતી. એ પૈસા તેને આપ્યા પણ હતા, જે તેણે સ્વીકાર્યા પણ હતા. એ જ વખતે એસીબી ટીમે ત્રાટકીને લાંચની રકમ સ્થળ પરથી રિકવર કરી લીધી હતી.

ઓફિસ અને હોટલ રૂમમાંથી લાખોની બિનહિસાબી રોકડ

આ દરમિયાન એસીબીએ લાંચની રકમની સાથે, ઓફિસના ટેબલના ખાનામાંથી રૂ. 2,29,000ની રોકડ પણ જપ્ત કરી હતી. ત્યારબાદ આરોપીઓ જે હોટલના રૂમમાં રોકાયા હતા, ત્યાં દરોડો પાડી તેમની બેગમાંથી રૂ. 19,29,900 રોકડા પણ જપ્ત કર્યા હતા. આમ, એસીબીએ કુલ રૂ. 21,57,900 જેટલી બિનહિસાબી રોકડ કબ્જે કરી છે.

ઝડપાયેલા આરોપીઓની વિગત

આ ગુનામાં મુખ્ય આરોપીઓ અને મદદગારી કરનારા ચાર શખસ સામે ગુનો નોંધી અટકાયત કરાઈ છે. જેમાં 1. પ્રમોદ શંકર પાંડે (ઓપરેશન મેનેજર, સિક્યોરશિલ્ડ સિક્યુરિટી સર્વિસ, રહેઠાણ- નવી દિલ્હી), 2. પંકજકુમાર રાજકુમાર મિશ્રા (ઓપરેશન મેનેજર, સિક્યોરશિલ્ડ સિક્યુરિટી સર્વિસ, રહેઠાણ- નવી દિલ્હી) 3. રાજીવભાઈ કાલિકાપ્રસાદ શુકલા (રહેઠાણ, વટવા, અમદાવાદ) અને 4. જયેશકુમાર ધીરૂભાઈ ચૌધરી (રહેઠાણ- ઈડર, જિ. સાબરકાંઠા) સામેલ છે.

ESIC ના ક્લાર્ક સામે પણ ગુનો દાખલ

આ સમગ્ર કૌભાંડમાં સરકારી સ્ટાફની સંડોવણી પણ સામે આવી છે. ESIC હોસ્પિટલના ક્લાર્ક રાજેન્દ્ર શંકરભાઈ મીણા વિરુદ્ધ પણ નોકરીએ લગાડવા માટે લાંચ લેવા, સરકારી હોદ્દાનો દુરુપયોગ કરવા અને ગેરવર્તન કરવા બદલ એસીબી દ્વારા જુદો ગુનો દાખલ કરાયો છે. જો કે, આ આરોપી હાલ ફરાર છે, જેથી પોલીસ દ્વારા તેને વૉન્ટેડ જાહેર કરાયો છે.

નોંધનીય છે કે, આ સમગ્ર છટકું અમદાવાદ ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ગોઠવાયું હતું.