Ahmedabad

અમદાવાદ: M.P. ફિનકોર્પના મિહિર પરીખ સામે વધુ 41 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સેટેલાઇટમાં 'MP ફિનકોર્પ સર્વિસીસ'ના સંચાલક મિહિર પરીખ સહિત 4 સામે વધુ 41 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. રૂપેશસિંઘ તોમરે શેરબજારમાં રોકાણના બહાને 10.15% વ્યાજે લોન કઢાવી 41 લાખનું રોકાણ કર્યું હતું. આરોપીઓએ નકલી એપ્લિકેશન અને PDF દ્વારા વિશ્વાસ કેળવી પૈસા અંગત વપરાશમાં લીધા. અગાઉ પણ આ પેઢી સામે ફરિયાદો થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: M.P. ફિનકોર્પના મિહિર પરીખ સામે વધુ 41 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ

Ahmedabad News: અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી ‘એમ.પી. ફિનકોર્પ સર્વિસીસ’ના સંચાલક મિહિર જીતેન્દ્ર પરીખ સહિતના આરોપીઓ સામે વધુ એક 41 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી રૂપેશસિંઘ તોમરે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં મિહિર પરીખ, તેની પત્ની ધારા પરીખ, માતા ગીતા પરીખ અને હેમરાજસિંહ વિક્રમસિંહ રાણા સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

10.15% ના વ્યાજે લોન કઢાવી 41 લાખનું રોકાણ કરાવ્યું

પોલીસ ફરિયાદ અનુસાર, વર્ષ 2024માં મિહિર પરીખે ફરિયાદીને શેરબજારમાં રોકાણ કરાવવાના બહાને માસિક 2 ટકા અને વાર્ષિક 24 ટકા વળતર આપવાની લાલચ આપી હતી. તે સમયે ફરિયાદી પાસે પૂરતી રોકડ રકમ ન હોવાથી મિહિરે પીરામલ ફાઇનાન્સમાંથી ફરિયાદીના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો પર 10.15 ટકાના વ્યાજે લોન અપાવી હતી. ત્યારબાદ એપ્રિલ 2024માં ફરિયાદીએ પોતાના પિતાના બેન્ક ખાતામાંથી 38 લાખ રૂપિયા અને પોતાના ખાતામાંથી 3 લાખ રૂપિયા મળી કુલ 41 લાખ રૂપિયા આરોપીઓની પેઢીના ખાતામાં આરટીજીએસ (RTGS) મારફતે જમા કરાવ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદઃ 200 કરોડનું ફૂલેકું ફેરવનારા મિહિર પરીખ સહિત ત્રણની ધરપકડ, CMના હસ્તે લીધો હતો એવોર્ડ

ફેક એપ્લિકેશન અને ખોટી PDF ફાઈલ બતાવી વિશ્વાસ કેળવ્યો

નાણાં મેળવ્યા બાદ આરોપીઓએ ફરિયાદીનો વિશ્વાસ જીતવા પોતાની 'MY WEALTH' નામની એપ્લિકેશનમાં શેરબજારની વિવિધ કંપનીઓના શેર ખરીદ્યા હોવાનો તથા તેના પર વળતર મળતું હોવાનો બોગસ ડેટા દર્શાવ્યો હતો. ત્રણ મહિના પછી જ્યારે ફરિયાદીએ વળતરની માંગણી કરી ત્યારે મિહિરે નવી કંપની શરૂ કરી હોવાનું કહી સમય પસાર કર્યો હતો. લોનના હપ્તા શરૂ હોવાથી ફરિયાદીએ પોતાના મૂળ નાણાં પરત માંગતા, ડિસેમ્બર 2024માં મિહિરે એક બનાવટી પીડીએફ (PDF) ફાઇલ મોકલીને શેર વેચી દીધા હોવાનો અને બે-ત્રણ દિવસમાં નાણાં મળી જવાનો દાવો કર્યો હતો. જોકે, તપાસ કરતા ફરિયાદી કે તેમના પિતાના નામે કોઈ શેર ખરીદાયા કે વેચાયા ન હોવાનું અને નાણાં આરોપીઓએ અંગત વપરાશમાં લઈ લીધા હોવાનું સામે આવ્યું હતું.

ત્યારબાદ આરોપીઓએ ઓફિસે મળવાનું બંધ કરી દીધું હતું. માધ્યમો દ્વારા ફરિયાદીને જાણવા મળ્યું હતું કે આરોપીઓએ સંગઠિત થઈને અનેક રોકાણકારો સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ આ પેઢી સામે ફરિયાદો નોંધાઈ ચૂકી છે અને કોર્ટમાં ચાર્જશીટ પણ રજૂ થયેલી છે. પોલીસની માહિતી મુજબ, ધર્મેશ શાહ, રંજનબેન ઠાકર અને બાબુલાલ પટેલ જેવા અન્ય નાગરિકો પણ આ જ પ્રકારે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે.

મિહિર પરીખ એમ.પી. વર્લ્ડ ટુર ટ્રાવેલ્સ નામની કંપનીનો પણ માલિક

એમ.પી. ફિનકોર્પ સર્વીસીસ સિવાય મિહિર પરીખ એક ટ્રાવેલ્સ કંપની પણ ચલાવતો હતો, જેના થકી તે લોકો સાથે વિદેશમાં ડેસ્ટિનેશન વેડિંગ અને રિસોર્ટ બુકિંગના નામે છેતરપિંડી કરતો હતો. આ ઉપરાંત મિહિર પરીખ, તેની પત્ની અને માતાના નામે અન્ય કંપનીઓ પણ છે, જેમાં એમ.પી. ઇન્સ્યોરન્સ & બ્રોકિંગ સર્વિસીસ અને એમ.પી. ઇન્સ્યોરન્સ & બ્રોકિંગ ઇન્ડિયા પ્રા.લિ. પણ સામેલ છે.