અમદાવાદ: ભાજપ કોર્પોરેટરની બર્થ-ડે પાર્ટીમાં દારૂની મહેફિલનો કથિત વીડિયો વાઈરલ, પોલીસ તપાસ શરૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદમાં દારૂબંધીના કાયદા વચ્ચે વધુ એક મહેફિલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં રાજકીય અને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. અમદાવાદના સરદારનગર વિસ્તારના ભાજપના કોર્પોરેટર સન્ની ખાનચંદાનીની બર્થ-ડે પાર્ટીનો હોવાના દાવા સાથે આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં દારૂ અને પાર્ટીના દ્રશ્યો હોવાનો આક્ષેપ છે. આ મામલે વિવાદ વકરતા જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જ્યારે બીજી તરફ ભાજપ કોર્પોરેટરે આ વીડિયો અંગે પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે.
વીડિયો બ્લર છે અને વિસ્તાર બહારનો હોવાની પ્રાથમિક દ્રષ્ટિ: પોલીસ
આ ગંભીર મામલે સ્થાનિક પોલીસે એક્શનમાં આવીને પ્રાથમિક તપાસ હાથ ધરી છે. પોલીસે વાઈરલ વીડિયો અંગે નિવેદન આપતા જણાવ્યું કે, 'ગઈકાલથી સરદારનગરના કોર્પોરેટર સન્ની ખાનચંદાનીનો એક વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો થોડો બ્લર (ઝાંખો) હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ તેમાં સન્ની પોતે છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. તેમજ તેમાં પ્રોહિબિશન (દારૂ)ને લગતી કોઈ વસ્તુ પણ સ્પષ્ટ રીતે દેખાતી નથી.'
વાઈરલ વીડિયો અંગે પોલીસે ઉમેર્યું કે, 'વીડિયોમાં દેખાતી જગ્યા જોતાં તે સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો હોય તેવું લાગતું નથી, કારણ કે આ વિસ્તારમાં આવી પાર્ટી કરી શકાય તેવો કોઈ પાર્ટી પ્લોટ કે ગાર્ડન રેસ્ટોરન્ટ નથી. કોર્પોરેટરનો અગાઉ કોઈ ગુનાઈત ઈતિહાસ નથી, છતાં આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ છે અને ટૂંક સમયમાં કોર્પોરેટરની પૂછપરછ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.'
કોર્પોરેટર કોર્પોરેટર સન્ની ખાનચંદાનીએ કરી સ્પષ્ટતા
સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો અંગે ભાજપ કોર્પોરેટર સન્ની ખાનચંદાનીએ પણ મૌન તોડ્યું છે અને વાઈરલ વીડિયોને નકારી કાઢ્યો છે. તેણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, 'ગઈકાલે મારી નવી ઓફિસનું ઓપનિંગ હતું અને મારો જન્મદિવસ પણ હતો. હું સવારથી લઈને રાત સુધી મારી ઓફિસ પર જ હાજર હતો. સોશિયલ મીડિયા પર જે વીડિયો મારી બર્થ-ડે પાર્ટીના નામે ચલાવવામાં આવી રહ્યો છે, તેમાં હું ક્યાંય હાજર જ નથી. સોશિયલ મીડિયા પર મને બદનામ કરવાના હેતુથી જે આ બધું ચલાવવામાં આવી રહ્યું છે, તેના વિરુદ્ધ હું પોતે પોલીસમાં એપ્લિકેશન (અરજી) આપવાનો છું.'
કોર્પોરેટરે પોલીસ પ્રશાસનને પણ વિનંતી કરી છે કે આ વીડિયોની યોગ્ય અને ન્યાયી તપાસ કરવામાં આવે જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે. હાલમાં પોલીસ વીડિયોની સત્યતા અને તેમાં દેખાતા લોકોની ઓળખ મેળવવા કાનૂની તપાસ ચલાવી રહી છે.









