Ahmedabad

અમદાવાદ એરપોર્ટ પર ₹5.3 કરોડનો ગાંજો ઝડપાયો, બેંગકોકથી આવેલા મુસાફરની ધરપકડ

By GS Team
9 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ કસ્ટમ્સ વિભાગે ગુરુવારે બેંગકોકથી આવેલી ફ્લાઈટમાંથી એક મુસાફરને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી આશરે 5.36 કિલોગ્રામ હાઈડ્રોપોનિક ગાંજો મળી આવ્યો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ₹5.3 કરોડ આંકવામાં આવી રહી છે. એરપોર્ટ પરથી NDPS એક્ટ હેઠળ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ એરપોર્ટ પર ₹5.3 કરોડનો ગાંજો ઝડપાયો, બેંગકોકથી આવેલા મુસાફરની ધરપકડ

Ahmedabad News: અમદાવાદ કસ્ટમ્સ વિભાગની એર ઈન્ટેલિજન્સ યુનિટે(AIU) ગુરુવારે(9 જુલાઈ) બાતમીના આધારે થાઈલેન્ડની રાજધાની બેંગકોકથી ફ્લાઈટમાં અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા એક પુરુષ મુસાફરને આંતરીને તેની પાસેથી આશરે 5.36 કિલોગ્રામ અત્યંત કિંમતી હાઈડ્રોપોનિક ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ પ્રતિબંધિત ગાંજાની કિંમત આશરે ₹5.3 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સના જથ્થા સાથે મુસાફરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોફાઈલિંગના આધારે શંકાસ્પદ મુસાફરની તપાસ કરાઈ

કસ્ટમ્સ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અગાઉથી મળેલા ચોક્કસ ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ અને પેસેન્જર પ્રોફાઈલિંગના આધારે એરપોર્ટ પર વોચ ગોઠવવામાં આવી હતી. બેંગકોકથી થાઈ એરવેઝની ફ્લાઈટ નંબર TG-343 દ્વારા અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા એક શંકાસ્પદ પુરુષ પેસેન્જરને તપાસ માટે અટકાવવામાં આવ્યો હતો. જ્યારે કસ્ટમ્સની ટીમે તેના ચેક-ઈન સામાનમાં રહેલી ટ્રોલી બેગની ઝીણવટભરી તલાશી લીધી, ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ટ્રોલી બેગની અંદર કપડાં અને અન્ય સામાનની વચ્ચે કાળા પ્લાસ્ટિકથી કડક રીતે પેક કરેલા 5 શંકાસ્પદ પેકેટો સંતાડવામાં આવ્યા હતા.

કસ્ટમ્સની ટીમે કબજે કરેલા પાંચેય પેકેટો ખોલીને પ્રાથમિક ફીલ્ડ ટેસ્ટ કીટ વડે તપાસતા તેમાં હાઈડ્રોપોનિક ગાંજો હોવાનું પોઝિટિવ જણાયું હતું. હાઈડ્રોપોનિક પદ્ધતિ એટલે કે ખાસ નિયંત્રિત વાતાવરણમાં માટી વિના, પોષક તત્વોથી ભરપૂર પાણીની મદદથી આ કિંમતી ગાંજો ઉગાડવામાં આવે છે, જે સામાન્ય ગાંજા કરતાં ઘણો વધુ નશાકારક અને મોંઘો હોય છે.

આ પણ વાંચો: સુરતીઓનો પિત્તો ગયો! પર્વત પાટિયામાં ટ્રેક્ટર લઈને આવેલા નેતા-અધિકારીઓને જનતાએ પૂરના ગંદા પાણીમાં ઉતાર્યા

NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ઈન્ટરનેશનલ કનેક્શનની તપાસ શરૂ

અમદાવાદ કસ્ટમ્સ વિભાગે કરોડો રૂપિયાની કિંમતનો આ ડ્રગ્સનો જથ્થો નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ(NDPS) એક્ટ, 1985ની વિવિધ કડક કલમો હેઠળ જપ્ત કર્યો છે. ગાંજાની હેરાફેરી કરનાર મુસાફરની એરપોર્ટ પર જ ધરપકડ કરી લેવામાં આવી છે. આ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યું હતું, અમદાવાદમાં કે ભારતના અન્ય કયા શહેરમાં કોને સપ્લાય કરવાનું હતું અને આ સ્મગલિંગ પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ ટ્રાફિકિંગ નેટવર્ક સક્રિય છે કે કેમ, તે દિશામાં એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. કસ્ટમ્સ અધિકારીઓ હાલ આરોપીની જૂની ટ્રાવેલ હિસ્ટ્રી અને તેના ફોન લોગ્સ પણ ચકાસી રહ્યા છે.