Ahmedabad

અમદાવાદ એરપોર્ટ પર પિક-અપ-ડ્રોપના નિયમો બદલાયા: કેબ-ટેક્સીમાં મુસાફરી કરવી થશે મોંઘી, મુસાફરોના ખિસ્સા પર પડશે સીધો બોજ!

By GS Team
1 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર 1 ઑક્ટોબરથી ઓલા, ઉબેર જેવી કોમર્શિયલ ટેક્સી મોંઘી બની છે. ઍરપૉર્ટ ઑથોરિટીએ યલો-પ્લેટ વાહનો માટે ડ્રોપ-ઑફના 50 અને પિક-અપના 200 રૂપિયાનો નવો ચાર્જ લાગુ કર્યો છે. ડ્રાઇવરો આ રકમ સીધી મુસાફરો પાસેથી વસૂલશે. હવે ટેક્સીઓ T2ને બદલે હોટેલ ઉમેદ નજીક પાર્ક કરવી પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ એરપોર્ટ પર પિક-અપ-ડ્રોપના નિયમો બદલાયા: કેબ-ટેક્સીમાં મુસાફરી કરવી થશે મોંઘી, મુસાફરોના ખિસ્સા પર પડશે સીધો બોજ!

Ahmedabad Airport Commercial Taxi Pickup Drop Charges: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ(SVPI) ઍરપૉર્ટ પર હવે ઓલા, ઉબેર, રેપિડો કે અન્ય કોમર્શિયલ ટેક્સીથી મુસાફરી કરવી મોંઘી બનશે. ગુરુવાર(1 ઑક્ટોબર)થી ઍરપૉર્ટ ઓથોરિટી દ્વારા યલો-પ્લેટ ધરાવતા વાહનો માટે નવો નિયમ લાગુ કરાયો છે, જેમાં ડ્રોપ-ઑફ માટે 50 અને પિક-અપ માટે 200નો ચાર્જ ચૂકવવો પડશે. મહત્ત્વનું છે કે, હાલમાં આ નવો ટેક્સ કેબ કંપનીઓના એપ-ભાડામાં ઉમેરાયેલો ના હોવાથી, ડ્રાઇવરો આ વધારાની રકમ સીધી મુસાફરો પાસેથી જ વસૂલશે. પરિણામે ઍરપૉર્ટ જવાનો કુલ ખર્ચ સીધો જ મુસાફરોના ખિસ્સા પર પડશે.

અમદાવાદ ઍરપૉર્ટ પર પિક-અપ અને ડ્રોપ-ઑફનો નિયમ બદલાયો

આ નવા ચાર્જિસ લાગુ કરવાની સાથે જ ઍરપૉર્ટ તંત્ર કોમર્શિયલ ટેક્સીઓના પાર્કિંગના સ્થળમાં પણ મોટો ફેરફાર કર્યો છે. અત્યાર સુધી આ ટેક્સીઓને ઇન્ટરનેશનલ ટર્મિનલ 2(T2)ની નજીક પાર્ક કરવા દેવામાં આવતી હતી. જોકે, હવે તમામ ટેક્સી ઓપરેટરોએ ફરજિયાતપણે ઍરપૉર્ટ સર્કલ પાસે આવેલી હોટેલ ઉમેદ નજીકના નવા પાર્કિંગ વિસ્તારનો જ ઉપયોગ કરવો પડશે.

પાર્કિંગના નવા રેટ

પાર્કિંગના નવા રેટ મુજબ, ટર્મિનલ 1(T1) ખાતે આવતી ખાનગી કારને પહેલી 8 મિનિટ માટે ફ્રી પિક-અપની સુવિધા મળશે, પરંતુ ત્યારબાદ 8થી 30 મિનિટ માટે 150 અને 30થી 60 મિનિટ માટે 200નો ચાર્જ લાગશે. બીજી તરફ, કોમર્શિયલ કાર માટે T1 પર પ્રથમ 8 મિનિટનો ચાર્જ 150થી વધારીને 200 કરી દેવાયો છે, જ્યારે 30થી 60 મિનિટ રોકાવા પર 300 ચૂકવવા પડશે. ટર્મિનલ 2(T2)ની વાત કરીએ તો, ત્યાં પણ કેબ માટે 200 પિક-અપ અને 50 ડ્રોપ-ઑફ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે, અને જો વાહન નિયત સમય કરતાં વધુ રોકાશે તો સમયના આધારે આ ચાર્જમાં હજુ પણ વધારો થશે.

ઍરપૉર્ટના PROએ જણાવ્યા મુજબ, કોમર્શિયલ વાહનો માટે ઍરપૉર્ટ પ્રવેશ શુલ્ક ભારતના મોટા ઍરપૉર્ટ્સ પર એક સ્થાપિત અને સ્વીકૃત વ્યવસ્થા છે. દેશભરના ઍરપૉર્ટ ઓપરેટર્સ લેન્ડસાઇડ સુવિધાઓના વિકાસ, જાળવણી અને સુરક્ષા માટે સતત રોકાણ કરે છે. તેમજ વધતાં ટ્રાફિકનું અસરકારક સંચાલન સુનિશ્ચિત કરે છે. ઍરપૉર્ટ ઓપરેટર સુરક્ષા વ્યવસ્થા, વીજ પુરવઠો, માળખાકીય જાળવણી અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે જરૂરી કર્મચારીઓ તથા સુવિધાઓ પર ખર્ચ કરે છે. આ ઉપરાંત, મુસાફરોને મૂકવા અથવા લેવા આવતાં ડ્રાઇવરો અને મુલાકાતીઓ માટે સ્વચ્છતા સહિતની આવશ્યક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ જ સંદર્ભમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ ખાતે કોમર્શિયલ વાહનો માટે ઍરપૉર્ટ પ્રવેશ શુલ્ક લાગુ કરવામાં આવ્યો છે.

સુધારાયેલા દર દેશના અન્ય અનેક ઍરપૉર્ટ્સમાં અમલમાં રહેલી વ્યવસ્થાઓ સાથે સુસંગત છે અને લેન્ડસાઇડ સુવિધાઓના સંચાલન, જાળવણી તથા મુસાફરોને વધુ સુવ્યવસ્થિત અનુભવ પ્રદાન કરવા માટે નક્કી કરવામાં આવ્યો છે.

અમદાવાદ ઍરપૉર્ટ પર ટેક્સી ડ્રાઇવરો માટે ખાસ સુવિધાઓ

  • પ્યુરીફાયર પીવાનું પાણી
  • રેસ્ટિંગ ઝોન
  • વોશરૂમ
  • કેન્ટીન
  • 24/7 સિક્યુરિટી અને CCTV સર્વેલન્સ
2a59956a-7f23-4c57-95a4-ab9d21017846.jpg
7d786e2f-691c-42a0-8d86-ca99cfc35d0c.jpg
28f3afdd-ee90-4c4f-ba2d-3b27e1800125.jpg