અમદાવાદ: સુરતથી ગાંજો લાવી યુવકે વટવામાં સાસરીમાં સંતાડ્યો, બારેજા લઈ જતા પોલીસના હાથે ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા કેનાલ ચાર રસ્તા પાસેથી પોલીસે 445 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખસને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી 22,250 રૂપિયાની કિંમતનો ગાંજો અને 40,000 રૂપિયાની બાઈક મળીને કુલ 62,250 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા શખસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, તે આ ગાંજો સુરતથી લાવ્યો હતો અને વટવા સ્થિત પોતાની સાસરીમાં છુપાવ્યા બાદ બારેજા પોતાના ઘરે લઈ જઈ રહ્યો હતો. આ અંગે નારોલ પોલીસે આરોપી સામે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી સુરત રેલવે ફાટક પાસેથી ગાંજો ખરીદીને લાવ્યો
મળતી માહિતી મુજબ, નારોલ પોલીસનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, આ દરમિયાન કોન્સ્ટેબલ શક્તિસિંહને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીમાં જણાવવામાં આવ્યું હતું કે, બારેજા ખાતે રહેતો ભાઈલાલ નામનો શખસ પોતાની બાઇક પર ગાંજાનો જથ્થો લઈને તિરુપતિ એન્કલેવ કેનાલ ચાર રસ્તાથી એસ.પી. રિંગ રોડ થઈ બારેજા તરફ જવાનો છે.
આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન આગળના ભાગે નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર બાઇક લઈને પસાર થઈ રહેલા એક શંકાસ્પદ યુવકને રોકીને પૂછપરછ કરવામાં આવી હતી. તેણે પોતાનું નામ ભાઈલાલ બતાવ્યું હતું. પોલીસે તેની તલાશી લેતાં તેની પાસેથી 445 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
પોલીસની કડક પૂછપરછમાં આરોપી ભાઈલાલે કબૂલાત કરી હતી કે, તે સુરત રેલવે ફાટક પાસેથી એક અજાણ્યા શખસ પાસેથી આ ગાંજો ખરીદીને લાવ્યો હતો. ત્યારબાદ તેણે આ જથ્થો વટવા ચારમાળિયા ખાતે આવેલી પોતાની સાસરીમાં સંતાડી રાખ્યો હતો. ત્યાંથી તે ગાંજો પોતાના ઘરે બારેજા લઈ જઈ રહ્યો હતો ત્યારે જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. નારોલ પોલીસે આ મામલે મુખ્ય સપ્લાયર સહિતના અન્ય સંડોવાયેલા શખસોની શોધખોળ શરૂ કરી છે.




