Ahmedabad

અમદાવાદના દાણીલીમડામાં BRTS કોરિડોરમાં આધેડને અજાણ્યા વાહને અડફેટે લીધા, સારવાર દરમિયાન મોત

By GS Team
2 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના દાણીલીમડા-નારોલ રોડ પર BRTS વર્કશોપ સ્ટેન્ડ નજીક 30 સપ્ટેમ્બરે રાત્રે 55 વર્ષીય જમલુદ્દીન ઇદ્રીશીને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. ગંભીર ઇજા થતા 1 ઓક્ટોબરે સિવિલ હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું. મૃતકના પુત્રએ કે-ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના દાણીલીમડામાં BRTS કોરિડોરમાં આધેડને અજાણ્યા વાહને અડફેટે લીધા, સારવાર દરમિયાન મોત

Ahmedabad Accident: અમદાવાદના દાણીલીમડાથી નારોલ તરફ જતા રોડ પર બીઆરટીએસ વર્કશોપ સ્ટેન્ડ નજીક આવેલા કોરિડોરમાં 30મી સપ્ટેમ્બરની રાતે રસ્તો ક્રોસ કરી રહેલા 55 વર્ષીય આધેડને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી દીધી હતી. ગંભીર ઇજા પામેલા આધેડનું પહેલી ઓક્ટોબરે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે મૃતકના પુત્રએ કે ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
​
પિતાએ ફોન ન ઉપાડતાં પુત્ર શોધખોળ માટે નીકળ્યો હતો

મળતી વિગતો અનુસાર, દાણીલીમડા વિસ્તારમાં રહેતા 55 વર્ષીય જમલુદ્દીન ઇદ્રીશી પીપળજ સ્થિત કુમાર કોટન કંપનીમાં નોકરી કરતા હતા. તેમનો પુત્ર ખુશનુર ઇદ્રીશી દાણીલીમડામાં કાપડનું કામ કરે છે. 30મી સપ્ટેમ્બરના રોજ રાતે જમલુદ્દીન તેમના પુત્રને મળવા આવ્યા હતા અને ત્યારબાદ પરત પોતાની રૂમ પર જવા નીકળ્યા હતા. બીજા દિવસે પિતાએ વારંવાર કોલ કરવા છતાં રિસીવ ન કરતાં પુત્ર તેમની શોધખોળ માટે નીકળ્યો હતો. પૂછપરછ કરતાં માલૂમ પડ્યું હતું કે, ગત રાતે BRTS વર્કશોપ સ્ટેન્ડ પાસે આવેલા BRTS કોરિડોરમાંથી રસ્તો ક્રોસ કરતી વખતે એક અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા.

આધેડે સારવાર દરમિયાન દમ તોડ્યો

અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આસપાસના સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને ઈજાગ્રસ્ત જમલુદ્દીનને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં પહેલી ઓક્ટોબરે રાતે સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા. આ મામલે કે-ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વાહનની શોધખોળ શરૂ કરી છે.