અમદાવાદ: સરસપુરમાં 149 વર્ષ જૂની ઐતિહાસિક પરંપરા થશે પુનઃજીવિત, પ્રાચીન રણછોડજી મંદિરેથી ભરાશે જગન્નાથજીનું મામેરું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Rath Yatra 2026: અમદાવાદની વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. સરસપુરની વાસણ શેરી ખાતે આવેલા પ્રાચીન અને ભગવાનના જુના મોસાળ સમાન રણછોડજી મંદિરેથી મામેરું અર્પણ કરવાની 149 વર્ષ જૂની પરંપરાને આ વર્ષે પુનઃજીવિત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષો પહેલાં જ્યાંથી રથયાત્રામાં જોડાતા સાધુ-સંતોના વિશ્રામ અને ભગવાનના મામેરાની શરૂઆત થઈ હતી, બરાબર તે જ ઐતિહાસિક સ્થળેથી આ વર્ષે ફરી એકવાર ભગવાનને ભક્તિભાવપૂર્વક મામેરું અર્પણ કરવામાં આવશે.
કોઈ કારણોસર આ પ્રથામાં વિરામ આવી ગયો હતો
મહંત વાસુદેવદાસજી મહારાજ દ્વારા શરૂ કરાયેલી આ પ્રથા અંતર્ગત રથયાત્રાના પાવન દિવસે ભગવાન જગન્નાથજીને મોસાળ પક્ષ તરફથી મામેરું અર્પણ કરાતું હતું, અને સાથે જ હજારો ભક્તો તેમજ સાધુ-સંતો માટે ભોજન-પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવતી હતી. કાળક્રમે કોઈ કારણોસર આ પ્રથામાં વિરામ આવી ગયો હતો. જોકે, હવે આ ઐતિહાસિક વારસાને ફરીથી ધબકતો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, જેના ભાગરૂપે આગામી રથયાત્રામાં સંતો-મહંતો અને પધારનારા તમામ શ્રદ્ધાળુઓ માટે ભવ્ય મહાપ્રસાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ભગવાનને યથાશક્તિ ભેટ-સોગાદો અર્પણ થશે
આગામી રથયાત્રાના પાવન પ્રસંગે આ પ્રાચીન રણછોડજી મંદિરેથી ભગવાનને મામેરામાં સુદર્શન ચક્ર, વાંસળી તેમજ અન્ય આકર્ષક ભેટ-સોગાદો શ્રદ્ધાપૂર્વક અર્પણ કરવામાં આવશે. આ પહેલ માત્ર એક વિધિ નથી પરંતુ અમદાવાદની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવાનો એક સુંદર પ્રયાસ છે.
વર્ષો જૂની આ પરંપરાનું પુનઃસ્થાપન થવાથી આવનારી યુવા પેઢી શહેરના ભવ્ય આધ્યાત્મિક ઇતિહાસથી વધુ નજીકથી પરિચિત થશે અને રણછોડજી મંદિર ફરી એકવાર સેવા, ભક્તિ અને પરંપરાના કેન્દ્ર તરીકે નવી ભવ્યતા સાથે ખીલી ઉઠશે.









