અમદાવાદ: પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે 65 નાગરિકો સાથે ₹8.63 લાખની છેતરપિંડી, RTIથી ખૂલ્યું કૌભાંડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad PMAY Scam: અમદાવાદના શાહીબાગ નમસ્તે સર્કલ રિલાયન્સ મોલના પાર્કિંગ સહિતના વિસ્તારોમાં ગરીબ અને સામાન્ય પરિવારોને ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA) અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાની લાલચ આપી કુલ 65 નાગરિકો પાસેથી 8,63,400 રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. રાણીપ વિસ્તારમાં રહેતા 62 વર્ષીય એજન્ટ જગદીશસિંહ રાજપુતની ફરિયાદના આધારે માધવપુરા પોલીસે માધવપુરા પંકજ પ્રજાપતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
AMCની બનાવટી પાવતીઓ પધરાવી દીધી
મળતી માહિતી અનુસાર, રાણીપમાં રહેતા જગદીશસિંહ રાજપુત સરકારી યોજના તથા ડોક્યુમેન્ટ સુધારવા અંગેનું કામ કરે છે. થોડા સમય પંકજ પ્રજાપતિ ઘોડાકેમ્પ અનાજ ગોડાઉન પાસે રેશનકાર્ડ કચેરી બહાર એજન્ટ તરીકે કામ કરતો હતો હોવાથી પરિચયમાં આવ્યા હતા. નવેમ્બર 2023 દરમિયાન વડાપ્રધાન ગરીબ આવાસ યોજના હેઠળ ફોર્મ ભરવાની જાહેરાત થતાં પંકજે ફોર્મ ભરી આપવાની ખાતરી આપી હતી. તેણે GUDA હેઠળ LIG 2-BHK માટે 21,000 રૂપિયા ડિપોઝિટ અને AMC હેઠળ EWS 1-BHK માટે 7,800 રૂપિયા ડિપોઝિટ ઓનલાઇન ભરવી પડશે તેમ જણાવ્યું હતું. આથી ફરિયાદી મારફતે 27 વ્યક્તિઓએ LIG મકાન માટે કુલ 5,67,000 રૂપિયા અને 38 વ્યક્તિઓએ EWS મકાન માટે કુલ 2,96,400 રૂપિયા મળી કુલ 65 લોકોએ 8,63,400 રૂપિયા પંકજને 13મી ડિસેમ્બર 2023થી પાંચમી જાન્યુઆરી 2024 દરમિયાન રોકડા ચૂકવ્યા હતા.
RTIમાં કૌભાંડનો પર્દાફાશ થયો
પૈસા લીધા બાદ પંકજે EWS મકાનના ફોર્મ અને નાણાં ભર્યા અંગેની બનાવટી પાવતીઓ પધરાવી દીધી હતી. જ્યારે LIG મકાનની પાવતીઓ આપવાના નામે ગલ્લાંતલ્લાં શરૂ કર્યા હતા. લાંબો સમય કોઈ જવાબ ન મળતાં ફરિયાદીએ 22મી ડિસેમ્બર 2025ના રોજ AMCના રાયખડ સરદાર ભવન સ્થિત હાઉસિંગ સેલ કમિટીમાં RTI દાખલ કરી હતી. જેમાં અપીલ બાદ 17 માર્ચ 2026ના રોજ તંત્ર તરફથી ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે, આ પહોંચો રેકોર્ડ પર ઉપલબ્ધ નથી અને કોર્પોરેશનમાં કોઈ નાણાં જમા થયા નથી. આરોપીએ આવાસના ફોર્મ ભર્યા વિના જ રકમ હડપ કરી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે માધવપુરા પોલીસે ગુનો તપાસ શરૂ કરી છે.
RTIથી ભાંડો ફૂટ્યો, આરોપીએ કહ્યું 'મેં ફોર્મ ભર્યા જ નથી'
જગદીશસિંહે જ્યારે શંકાના આધારે AMCમાં તપાસ કરી અને RTIનો ખુલાસો મેળવ્યો ત્યારે આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. કોર્પોરેશને સ્પષ્ટ કર્યું હતું કે રજૂ કરાયેલી પહોંચો તંત્ર દ્વારા ઈશ્યૂ કરાયેલી નથી. આ પુરાવા સાથે જ્યારે ફરિયાદી અને ભોગ બનનારા લોકો પંકજ પાસે પહોંચ્યા ત્યારે તેણે પોતે ફોર્મ ન ભર્યા હોવાની કબૂલાત કરી હતી, પરંતુ નાણાં પરત ન આપીને વાયદા કરતો રહ્યો હતો, જેના કારણે આખરે મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો હતો.




