Ahmedabad

અમદાવાદ @ 2057 : ડ્રેનેજ અને સ્ટ્રોમ વૉટરનો 30 વર્ષનો માસ્ટર પ્લાન, IIT સંસ્થાઓને 8 કરોડ ફી ચૂકવાશે

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ શહેરની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને, મ્યુનિસિપલ કોર્પોરેશને આગામી 30 વર્ષ (2057 સુધી) માટેનો ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન નેટવર્કનો માસ્ટર પ્લાન તૈયાર કરવાનું શરૂ કર્યું છે. આ કામગીરી IIT-ગાંધીનગર જેવી સંસ્થાઓને સોંપવામાં આવી છે, જેના માટે રૂ. 8 કરોડની ફી ચૂકવવામાં આવશે. આ યોજના બુધવારે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ @ 2057 : ડ્રેનેજ અને સ્ટ્રોમ વૉટરનો 30 વર્ષનો માસ્ટર પ્લાન, IIT સંસ્થાઓને 8 કરોડ ફી ચૂકવાશે
ફાઈલ તસવીર

Ahmedabad Drainage Master Plan: અમદાવાદ શહેરની વસ્તીનો અંદાજીત આંકડો એકાદ કરોડ સુધી પહોંચવા જઈ રહ્યો છે. શહેરમાં કૂદકેને ભૂસકે વધતી જતી વસ્તી અને વિસ્તારને ધ્યાને લઈને આગામી 30 વર્ષ માટેનો ડ્રેનેજ તેમજ સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનના નેટવર્કનો માસ્ટર પ્લાન તૈયાર કરવાની કવાયત મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શરૂ કરાઈ છે. જેના માટે આઈઆઈટી-ગાંધીનગર જેવી સંસ્થાઓને કામગીરી સોંપી કુલ રૂ. 8 કરોડની ફી ચૂકવવામાં આવશે.

આઈઆઈટી વગેરે સંસ્થાઓને રૂ. 8 કરોડ ચૂકવાશે

અમદાવાદ શહેરનો હાલનો સત્તાવાર વિસ્તાર 480 ચોરસ કિમીથી વધારે છે. તેની બહાર આસપાસના શેલા, શીલજ, અડાલજ, બારેજા અને ચાંગોદર સહિતના વિસ્તારમાં પણ લાખો લોકો વસવાટ કરી રહ્યા છે. આગામી એકાદ-દોઢ દસકામાં આ બધા વિસ્તારો પણ અમદાવાદ શહેરની હદમાં આવી જશે. ત્યારે અમદાવાદ શહેરમાં આગામી 30 વર્ષ એટલે કે વર્ષ 2057 સુધીની જરૂરિયાતને ધ્યાને લઈને ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનનો એક માસ્ટર પ્લાન મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવશે. તેની કામગીરી આઈઆઈટી સહિતની નામાંકિત સંસ્થાઓને સોંપવામાં આવશે. આ પ્લાન તૈયાર કરવાની ફી પેટે રૂ. આઠ કરોડની રકમ ચૂકવવામાં આવશે.

હવે સંકલિત ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે

આ દરખાસ્ત બુધવારે સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવી છે. માસ્ટર પ્લાન બનાવવા માટે મ્યુનિ.ના હયાત માળખાનું મૂલ્યાંકન કરીને જીઆઈએસ આધારિત સંકલિત ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. ભવિષ્યમાં વસ્તી તેમજ વેસ્ટ વોટરમાં થનારો વધારો, શહેરના ફ્લડિંગ હોટસ્પોટ એટલે વરસાદી પાણી ભરાતા હોય તેવા સ્થળો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રેટેજિસ વગેરે પાસાઓને પણ ધ્યાનમાં લેવામાં આવશે.