ગુજરાત યુનિવર્સિટીમાં મોટાપાયે ગેરરીતિનો દાવો! માનીતા લોકોને બેસાડી માસિક 5 લાખ પગાર ચૂકવાયો, ABVPનું અલ્ટીમેટમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat University Illegal Recruitment Scam: ગુજરાત યુનિવર્સિટીમાં નિયમોને નેવે મૂકીને થયેલી ગેરકાયદે ભરતીઓ અને નાણાકીય ઉચાપત મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP) દ્વારા સત્તાધીશોને 24 કલાકનું આકરું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. UGCની માર્ગદર્શિકાનું સરેઆમ ઉલ્લંઘન કરી યુનિવર્સિટી એન્જિનિયર, ચીફ એકાઉન્ટન્ટ, ફાયર-લીગલ ઑફિસર તેમજ વિવિધ સેન્ટરોના ડિરેક્ટરોની નિમણૂકમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાનો દાવો કરાયો છે.
ઉગ્ર આંદોલન કરવાની ચીમકી
ABVPએ વહીવટીતંત્ર સમક્ષ ઉગ્ર વિરોધ નોંધાવતા ગેરરીતિ આચરનારાઓ સામે કડક પગલાં લેવા, ખોટી રીતે ચૂકવાયેલા નાણાંની તાત્કાલિક વસૂલાત કરવા અને સમગ્ર કૌભાંડની ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માગ આક્રોશ સાથે વ્યક્ત કરી છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો કેમ્પસમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ABVPના કર્ણાવતી મહાનગર મંત્રીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે-
વિદ્યાર્થીઓની ફી અને સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરીને GUSEC-AIC અને CPC જેવા સેન્ટરોમાં કોઈપણ પ્રકારની જાહેરાત કે ઇન્ટરવ્યૂ વિના જ માનીતા લોકોને બેસાડી દેવાયા છે. આશ્ચર્યજનક રીતે આ હોદ્દેદારોને મુખ્યમંત્રી કે કલેક્ટર કરતાં પણ વધુ, એટલે કે માસિક 5 લાખ જેટલો જંગી પગાર ચૂકવાઈ રહ્યો છે. વધુમાં, યોગ્ય શૈક્ષણિક લાયકાત ન ધરાવતા SBIના એક નિવૃત્ત કર્મચારીને બે વિભાગોનો ચાર્જ આપીને બેવડો પગાર આપવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ હેઠળ ચાલતા પ્રોજેક્ટ્સની સરકારી ગ્રાન્ટ યુનિવર્સિટીના સત્તાવાર ખાતાને બદલે પૂર્વ વાઇસ ચાન્સલરના અંગત બૅંક એકાઉન્ટમાં જમા થઈ રહી હોવાની ગંભીર બાબત પણ સામે આવી છે, જેમાં કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ પૂર્વ અધિકારીઓ પ્રોજેક્ટના વડા તરીકે યથાવત્ છે.
અનિયમિતતા સાબિત થશે, તો જવાબદારો સામે કડક પગલાં ભરીશું: વાઇસ ચાન્સલર
વિદ્યાર્થી સંગઠનના આ આક્રોશ અને રજૂઆતો બાદ ગુજરાત યુનિવર્સિટીના પ્રભારી વાઇસ ચાન્સલર જગદીશ જોશીએ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસની ખાતરી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ABVP દ્વારા ભરતી પ્રક્રિયા, મનસ્વી પગાર ધોરણ અને નાણાકીય અનિયમિતતા અંગે કરાયેલા તમામ આક્ષેપોને વહીવટીતંત્રએ અત્યંત ગંભીરતાથી લીધા છે. ખાસ કરીને પૂર્વ કુલપતિના બૅંક ખાતા અને નિવૃત્તિ બાદ પણ તેઓ પ્રોજેક્ટમાં સક્રિય હોવાના દાવા અંગે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું કે, સામાન્ય રીતે નિવૃત્તિ બાદ કોઈ પૂર્વ વીસી હોદ્દા પર રહેતા નથી, તેમ છતાં નિયમોને આધીન આ સમગ્ર પ્રકરણની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. જો તેમાં કોઈપણ પ્રકારની અનિયમિતતા સાબિત થશે, તો જવાબદારો સામે ચોક્કસપણે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીમાં દીવા તળે અંધારું !
મામલો સામે આવ્યા બાદ ગુજરાત યુનિવર્સિટીના તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે કે જાહેરાત કે ઇન્ટરવ્યૂ વગર જ મહત્ત્વના હોદ્દાઓ લહાણીની જેમ વહેંચી દેવા પાછળ કયા મોટા માથાંઓની મિલીભગત છે? સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમની સરકારી ગ્રાન્ટ યુનિવર્સિટીના સત્તાવાર ખાતાને બદલે પૂર્વ વાઇસ ચાન્સલરના અંગત બૅંક એકાઉન્ટમાં કેમ જમા થતી રહી અને નિવૃત્તિ પછી પણ તેઓ કયા આધારે પ્રોજેક્ટના વડા બની રહ્યા? સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું નિષ્પક્ષ તપાસની ખાતરી આપવાથી બેજવાબદાર વહીવટ ઢંકાઈ જશે, વાઇસ ચાન્સલરને યુનિવર્સિટીમાં શું ચાલી રહ્યું છે તેની ખબર નથી કે પછી ખબર હોવા છતાં પણ આંખ આડા કાન કરી કૌભાંડીઓને છૂટોદોર આપવામાં આવ્યો છે?









