નિરમા યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલ સામે યુવકના બિભત્સ ચેનચાળા, વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરી છતાં તંત્ર દ્વારા કાર્યવાહી ન કર્યાનો આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Nirma University News : અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલ નજીકના H5 બ્લોકમાં એક વ્યક્તિ દ્વારા કરવામાં આવતા બિભત્સ વર્તનનો વીડિયો વાયરલ થતાં મોટો વિવાદ સર્જાયો છે. H4 ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓએ આ શરમજનક ઘટનાનો વીડિયો ઉતારી સત્તાવાળાઓને ઈમેલ દ્વારા જાણ કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી તેવો આક્ષેપ કર્યો છે.
વિદ્યાર્થિનીઓના આક્ષેપ મુજબ 1 વર્ષ અગાઉ પણ આવી જ ઘટના બની હતી, પરંતુ યુનિવર્સિટી આરોપી સામે પગલાં લેવાના બદલે વિદ્યાર્થિનીઓ સામે કાર્યવાહી કરવાનો ડર બતાવી તેમના પહેરવેશ પર પ્રતિબંધો મુકવા તરફ વધુ ધ્યાન આપી રહ્યું છે, જે કેમ્પસની સુરક્ષા અને પ્રશાસનની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરે છે.
તાજેતરના વિવાદ અનુસાર નિરમા યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિનીએ કેમ્પસમાં હસ્તમૈથુન કરતા એક વ્યક્તિનો વીડિયો ઉતારીને ફરિયાદ કરી છે. પીડિતા રાગિણી (બદલેલું નામ)ના જણાવ્યા મુજબ, આ ઘટના H5 બ્લોકમાં બની હતી અને તેનું રેકોર્ડિંગ H4 ગર્લ્સ હોસ્ટેલમાંથી કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓએ દાવો કર્યો છે કે અમે આ અંગે ડીન અને યુનિવર્સિટી સત્તાવાળાઓને ઈમેલ દ્વારા ફરિયાદ કરી હતી, પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો.
પીડિતાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે 1 વર્ષ પહેલા પણ આવી જ એક ઘટના બની હતી અને ત્યારે કોઈ જ પગલાં લેવામાં આવ્યા ન હતા. તેમણે વધુમાં આરોપ લગાવ્યો છે કે યોગ્ય કાર્યવાહી કરવાને બદલે સત્તાવાળાઓ ઉલ્ટાનું મહિલાઓના પહેરવેશ પર પ્રતિબંધો લાદી રહ્યા છે.




