અમદાવાદમાં જ્વેલર્સ સાથે કારીગર જ દાવ કરી ગયો, ચા પીવાના બહાને 7 લાખનું સોનું લઇ રફુચક્કર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદના કાલુપુરમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં કામ કરતા એક કારીગરે માલિક સાથે વિશ્વાસઘાત કરી 7.56 લાખ રૂપિયાના સોનાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. કાલુપુરમાં સંદિપ જ્વેલસના સંદિપ ઘોષે પોતાના કારીગર વિશ્વનાથ ઉર્ફે વિસુને ઓર્ડર મુજબ તૈયાર કરેલી બંગડીઓ અને સોનાનો ભુક્કો ફાઇનલ ટચિંગ માટે આપ્યો હતો. ત્યાર બાદ આ કારીગર ચા પીવાના બહાને દુકાનેથી નીકળીને 38 ગ્રામની એક બંગડી અને 14 ગ્રામ સોનાના ભુક્કા સાથે રફુચક્કર થઈ ગયો હતો. આ અંગે દુકાન માલિકે પોતાના જ કારીગર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
4 બંગડીઓ બનાવવાનો મળ્યો હતો ઓર્ડર
મળતી માહિતી અનુસાર, કાલુપુર વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનના માલિક સંદિપ ઘોષે તેના કારીગર વિશ્વનાથ ઉર્ફે વિસુ સામે સોનાની ચોરીની ફરિયાદ નોંધાવી છે. 19મી ઓગસ્ટના રોજ તેને અન્ય એક વેપારી યતિનકુમાર પટેલ તરફથી 198 ગ્રામ 24 કેરેટ કાચું સોનું 4 બંગડીઓ બનાવવા માટે મળ્યું હતું. સંદિપે અને તેમના કારીગર વિશ્વનાથે કામ શરૂ કર્યું હતું અને 28મી ઓગસ્ટ સુધીમાં 160 ગ્રામની 22 કેરેટ સોનાની 4 બંગડીઓ તૈયાર કરી લીધી હતી. આ તૈયાર બંગડીઓ અને 55 ગ્રામ જેટલો સોનાનો ભુક્કો તિજોરીમાં મૂકીને તેઓ દુકાન બંધ કરીને ગયા હતા.
ચા પીવાના બહાને નીકળી કારીગર ગાયબ થયો
ત્યાર બાદ 29મી ઓગસ્ટે સવારે તેઓએ દુકાન ખોલીને આ બંગડીઓ અને ભુક્કો વિશ્વનાથને ફાઇનલ ટચિંગના કામ માટે આપ્યો હતો. ત્યાર બાદ વિશ્વનાથ ચા પીવા જવાનું કહીને દુકાનેથી નીકળ્યો હતો પણ ઘણો સમય થયા પછી પણ તે પાછો આવ્યો નહોતો અને તેનો ફોન પણ બંધ આવતા સંદિપને શંકા ગઈ હતી. તે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે વિશ્વનાથ 38 ગ્રામની 1 બંગડી અને 14 ગ્રામ સોનાનો ભુક્કો એમ કૂલ 7,56,048 રૂપિયાનું સોનું ચોરીને ભાગી ગયો છે.




