મોંઘવારીનો ઝટકો, ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર ખોરવાતા શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vegetable price hike Gujarat: વરસાદી માહોલના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ જતાં શાકભાજીની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે શાકભાજીના ભાવમાં 20થી 25 ટકા સુધીનો ભાવવધારો થયો છે. આ અણધારી મોંઘવારીનો સીધો માર મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો પર પડ્યો છે. પહેલેથી જ વધતી મોંઘવારીમાં ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું હતું, ત્યાં હવે રોજિંદા જીવનજરૂરી શાકભાજીના ભાવ આસમાને પહોંચતાં સામાન્ય પરિવારોના માસિક બજેટના ગણિત સંપૂર્ણપણે ખોરવાઈ ગયા છે.
ઘરની રસોઈ પર વરસાદી માર, શાકભાજીના ભાવ રૂ. 100ને પાર
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં મેઘરાજાની જોરદાર બેટિંગના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, જેની સીધી અસર હવે લોકોની રસોઈ પર જોવા મળી રહી છે. ખાસ કરીને કંકોડા, કોથમીર, મરચાં, ગવાર, ચોળી અને પરવળ જેવા રોજના શાકભાજીમાં 20થી 25 ટકાનો વધારો થયો છે. માર્કેટમાં આવક ઘટવાની સામે માંગ યથાવત્ રહેતાં ભાવ ઊંચકાયા છે. સામાન્ય દિવસોમાં જે શાકભાજી 60થી 90 રૂપિયે કિલો વેચાતું હતું, તેના ભાવ હાલ વધીને રૂ. 100થી 110 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. અગાઉ સરળતાથી શાકભાજી ખરીદી શકતા મધ્યમ વર્ગીય પરિવારો માટે હવે આ આસમાને પહોંચેલા ભાવ ચિંતાનો વિષય બન્યા છે.
પરિવહન ઠપ થતાં માલ બગડ્યો, જથ્થો ઘટતાં છૂટક બજારમાં ભાવ વધ્યા
વેપારીઓના જણાવ્યા મુજબ, ધોધમાર વરસાદના કારણે પરિવહન સેવાઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. અન્ય શહેરો અને રાજ્યોમાંથી શાકભાજી ભરીને આવતી ટ્રકો સમયસર માર્કેટમાં પહોંચી શકતી નથી. લાંબા સમય સુધી રસ્તામાં ફસાઈ રહેવાના કારણે કેટલોક માલ બગડી જાય છે, જેનાથી બજારમાં શાકભાજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થતો નથી. પરિણામે વેપારીઓને પણ ઊંચા ભાવે ખરીદી કરવાની ફરજ પડી રહી છે અને છૂટક બજારમાં ભાવ સતત વધી રહ્યા છે.
આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી, શાકભાજી માટે અલગ બજેટ બનાવવું પડશે
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જો વરસાદી સ્થિતિ આવી ને આવી જ રહી તો શાકભાજીના ભાવમાં હજુ પણ વધારો યથાવત્ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. જો આ ભાવવધારો આમ જ ચાલુ રહેશે, તો સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને શાકભાજીની ખરીદી કરવા માટે ઘરના બજેટમાં એક અલગથી જ ફાળવણી કરવાની નોબત આવી શકે છે.










