Ahmedabad

'કામચલાઉ સ્થળાંતરથી વિદ્યાર્થીને ડોમિસાઇલ સર્ટિ નકારી ના શકાય...', હાઈકોર્ટનો રાહતભર્યો ચુકાદો

By GS Team
30 Jul 20262 mins read
TukuTouch Logo
ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કે માતા-પિતાની નોકરીની બદલીને કારણે ટૂંકા ગાળા માટે રાજ્ય બહાર રહેવાથી ડોમિસાઈલ સર્ટિફિકેટ નકારી શકાય નહીં. જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઈએ વિદ્યાર્થીની કોમલ ચૌબેને ડોમિસાઈલ આપવા સત્તાવાળાઓને આદેશ આપ્યો હતો. આ નિર્ણયથી ગુજરાતના અનેક વિદ્યાર્થીઓને રાહત મળી છે, જેઓ ટૂંકા સ્થળાંતરને કારણે ડોમિસાઈલ મેળવી શકતા ન હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

'કામચલાઉ સ્થળાંતરથી વિદ્યાર્થીને ડોમિસાઇલ સર્ટિ નકારી ના શકાય...', હાઈકોર્ટનો રાહતભર્યો ચુકાદો
IMAGE - IANS

Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદા મારફતે સ્પષ્ટ કર્યું છે કે માતા-પિતાની નોકરીમાં ટ્રાન્સફરના કારણે ટૂંકા ગાળા માટે રાજ્યની બહાર કામચલાઉ રોકાણ કરવું પડે, તો તેને ડોમિસાઇલ સર્ટિફિકેટ નકારવા માટે 'સતત નિવાસમાં બ્રેક' તરીકે ગણી શકાય નહીં. હાઇકોર્ટના આ નિર્ણાયક ચુકાદાથી રાજ્યના અનેક વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે.

પરિવાર કે શિક્ષણ માટેનું ટૂંકું સ્થાનાંતરણ લાંબા ગાળાના નિવાસને રદ કરતું નથી

આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઈએ અરજદાર વિદ્યાર્થીનીને ડોમિસાઇલ સર્ટિફિકેટ જારી કરવાનો સત્તાવાળાઓને સ્પષ્ટ હુકમ કર્યો હતો. તેમણે પોતાના આદેશમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, પરિવાર અથવા શિક્ષણના હેતુથી કરવામાં આવતું ટૂંકા ગાળાનું સ્થાનાંતરણ કોઈ વ્યક્તિના લાંબા ગાળાના મૂળ રહેઠાણ કે નિવાસને રદ કરતું નથી.

પિતાના ટ્રાન્સફરના કારણે 2 વર્ષ ચેન્નાઈ રહેવા છતાં ડોમિસાઇલ નકારાયું હતું

અરજદાર વિદ્યાર્થીની કોમલ સંસારચંદ્ર ચૌબે દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં એવી રજૂઆત કરાઈ હતી કે તેણીએ નર્સરીથી લઈને ધોરણ-12 સુધીનો અભ્યાસ સતત ગુજરાતમાં રહીને જ પૂર્ણ કર્યો હતો. જોકે, વચ્ચેના ગાળામાં તેના પિતાની નોકરીમાં ટ્રાન્સફર થવાના કારણે પરિવારને બે વર્ષ પૂરતું ચેન્નાઈ જવું પડ્યું હતું. ત્યારબાદ નીટ (NEET) દ્વારા મેડિકલ પ્રવેશ સહિતના ઉચ્ચ અભ્યાસક્રમો માટે અરજી કર્યા પછી, તેણીએ સ્થાનિક કોટાના લાભો મેળવવા માટે ડોમિસાઇલ સર્ટિફિકેટ મેળવવા સત્તાવાળાઓ સમક્ષ અરજી કરી હતી. પરંતુ, સત્તાવાળાઓએ 'તેણી સતત દસ વર્ષથી ગુજરાતની રહેવાસી નથી' તેવું કારણ આગળ ધરીને ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

અરજદારની દલીલો અને અગાઉના ચુકાદાઓનો સંદર્ભ

વિદ્યાર્થીની તરફથી કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે તેણીએ પોતાની 18 વર્ષની ઉંમરમાંથી 16 વર્ષ ગુજરાતમાં જ વિતાવ્યા છે અને ચેન્નાઈમાં 2 વર્ષનું રોકાણ માત્ર પિતાની નોકરીની ટ્રાન્સફરના કારણે જ હતું. પોતાની તરફેણમાં સબળ રજૂઆત કરતા અરજદારે મુસ્કાન સુનીલકાંત તિવારી (2018), તિલકકુમાર વિજયકુમાર મિશ્રા (2024) અને અમન રમેશ પંજિયાર (2025)ના આ જ પ્રકારના સમાન કેસોમાં હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા અગાઉના ચુકાદાઓ ટાંક્યા હતા. હાઇકોર્ટે તમામ પાસાઓને ધ્યાને રાખીને અરજદારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.