Ahmedabad

પહેલા રોડ બનાવ્યા, હવે ડ્રેનેજ માટે ખોદવાની તૈયારી! બોપલ-ઘુમામાં 142 કરોડના ખર્ચે ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇન નખાશે

By GS Team
17 Aug 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના બોપલ-ઘુમામાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઉકેલવા AMCએ ₹142.05 કરોડનો પ્રોજેક્ટ બનાવ્યો છે. આ વર્ષે ભારે વરસાદથી અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. નવા સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક માટે તાજેતરમાં બનેલા રસ્તા ફરી ખોદવા પડશે, જેનાથી ટ્રાફિક અને બજેટનો વેડફાટ થશે. ભવિષ્યની 3.50 લાખ વસ્તી ધ્યાને રાખી આ માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પહેલા રોડ બનાવ્યા, હવે ડ્રેનેજ માટે ખોદવાની તૈયારી! બોપલ-ઘુમામાં 142 કરોડના ખર્ચે ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇન નખાશે
ફાઈલ તસવીર

Bopal Ghuma Drainage Project: અમદાવાદના બોપલ-ઘુમામાં આ વર્ષે પડેલા ભારે વરસાદે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિ ખુલ્લી પાડી દીધી હતી. અનેક સોસાયટીઓ અને ઘરોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ સમસ્યાના ઉકેલ માટે 142.05 કરોડ રૂપિયાના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેનેજનું નેટવર્ક ઊભું કરવાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જોકે, આ આયોજનના કારણે તાજેતરમાં જ બનેલા નવા રોડ-રસ્તા ફરી ખોદવા પડી શકે છે.

પૂરતા સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્કનો અભાવ

બોપલ અને ઘુમા જેવા વિસ્તારો વર્ષ 2021માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સામેલ થયા હતા. પાંચ વર્ષ બાદ કોર્પોરેશન દ્વારા સમગ્ર વિસ્તારનો હાઇડ્રોલોજિકલ અભ્યાસ કરીને એવું તારણ કાઢવામાં આવ્યું છે કે વિસ્તારની નીચાણવાળી ભૌગોલિક સ્થિતિ અને પૂરતા સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્કના અભાવને કારણે વરસાદી પાણી ભરાય છે. હવે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે નવી સ્ટોર્મ વોટર લાઇનો, કેચપીટ, ઇન્ટર-કનેક્શન અને આઉટફોલ બનાવવાનું આયોજન કરાયું છે.

સાઉથ બોપલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતા

આ વર્ષે ભારે વરસાદ દરમિયાન બોપલ-ઘુમા વિસ્તારમાં આવેલી બસંત બહાર સોસાયટી અને સાઉથ બોપલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી હતી. આ પરિસ્થિતિ બાદ હવે સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટેનું નેટવર્ક ઊભું કરવાની કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે.

નવા રસ્તા ખોદાતા ટ્રાફિક અને બજેટનો વેડફાટ

બોપલ-ઘુમા વિસ્તાર AMCમાં ભળ્યા બાદ છેલ્લાં વર્ષોમાં રોડ-રસ્તા સહિતના વિવિધ વિકાસકામો કરવામાં આવ્યા છે. હવે જ્યાં સ્ટોર્મ વોટર ડ્રેનેજનું નેટવર્ક નથી ત્યાં નવી લાઇનો નાખવાની હોવાથી આ રસ્તાઓ ફરી ખોદવાની જરૂરિયાત ઊભી થશે. જો નવા બનેલા રસ્તાઓને ડ્રેનેજ લાઇન માટે ખોદવામાં આવશે, તો સ્થાનિકોને ફરી એકવાર ખોદકામ અને ટ્રાફિકની સમસ્યા વેઠવી પડશે. ડ્રેનેજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહનવ્યવહાર ડાયવર્ટ કરવો પડશે અથવા રસ્તા સાંકડા થઈ જશે, જેનાથી ટ્રાફિકની સમસ્યા વધુ ઘેરી બનશે. આ ઉપરાંત, અગાઉ રોડ બનાવવા પાછળ થયેલો ખર્ચ અને હવે ડ્રેનેજ માટે થનારો ખર્ચ—એમ બે વાર પ્રજાના ટેક્સના રૂપિયા પાણીમાં જવાની શક્યતા છે.

ભવિષ્યની 3.50 લાખ વસ્તી મુજબ માસ્ટર પ્લાન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર વિસ્તારનો હાઇડ્રોલોજિકલ અભ્યાસ કરવામાં આવ્યો છે. વરસાદી પાણીના કુદરતી વહેણ, ઢાળ અને નિકાલની સ્થિતિના આધારે ઝોનવાર સ્ટોર્મ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. તેના આધારે 142.05 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ ઘડી કાઢવામાં આવ્યા છે અને પ્રથમ ત્રણ કામો માટે ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દેવાયાં છે. આ નેટવર્કમાં બોપલ તળાવ, ઘુમા તળાવ અને રતન તળાવના કુલ 710.55 હેક્ટર કેચમેન્ટ વિસ્તાર આવરી લેવાશે. હાલની આશરે 1.50 લાખની વસ્તી તેમજ ભવિષ્યમાં આ વસ્તી વધીને 3.50 લાખ સુધી પહોંચે તે સંભાવનાને ધ્યાનમાં રાખીને આ આખા નેટવર્કની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.

જે વિસ્તારોમાં હાલ સ્ટોર્મ વોટર ડ્રેનેજની લાઇન નથી ત્યાં નવી લાઇનો નાખવામાં આવશે. આ સાથે જ કેચપીટ, ઇન્ટર-કનેક્શન અને આઉટફોલ બનાવવામાં આવશે. રતન તળાવ ખાતે પમ્પિંગ સ્ટેશન ઊભું કરીને ત્યાં એકત્ર થતા વધારાના પાણીનો ઝડપથી નિકાલ કરવાની વ્યવસ્થા પણ ગોઠવાશે. લાંબા ગાળે આ પાણીના ઉકેલ માટે ગોતા-ગોધાવી કેનાલ અને સાબરમતી નદી સાથે જોડાણ કરવાની પણ યોજના છે.