Ahmedabad

વરસાદને કારણે અમદાવાદ RTOનો મોટો નિર્ણય, હવે વાહનો પર સ્નેપ લૉક ફિટિંગવાળી નંબર પ્લેટ લગાવાશે

By GS Team
31 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં વરસાદને કારણે અનેક વાહનોની નંબર પ્લેટ ખોવાઈ કે તૂટી જતાં માલિકોમાં રોષ વ્યાપ્યો હતો. ડીલરોએ સરકારી ગાઈડલાઈન મુજબ સ્નેપ લૉકને બદલે સામાન્ય રિવેટ્સ વાપર્યાની ફરિયાદ હતી. આથી, RTOએ તમામ ડીલરોને HSRP પ્લેટ સ્નેપ લૉક ફિટિંગથી જ લગાવવા કડક પરિપત્ર જાહેર કર્યો છે. નિયમભંગ કરનાર સામે કાર્યવાહી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વરસાદને કારણે અમદાવાદ RTOનો મોટો નિર્ણય, હવે વાહનો પર સ્નેપ લૉક ફિટિંગવાળી નંબર પ્લેટ લગાવાશે

Ahmedabad RTO: અમદાવાદમાં ગત અઠવાડિયે પડેલા ભારે વરસાદના કારણે ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન વરસાદી પાણીના ભરાવાના કારણે અનેક વાહનોમાંથી નંબર પ્લેટો છૂટી પડીને ખોવાઈ ગઈ હતી, જ્યારે કેટલાંક વાહનોની નંબર પ્લેટ તૂટી ગઈ હતી. આ ઘટનાઓ બાદ વાહન માલિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ડીલરો સામે સરકારી માર્ગદર્શિકા મુજબ યોગ્ય રીતે નંબર પ્લેટ ફિટ ન કરી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી.

સામાન્ય રિવેટ્સનો ઉપયોગ કરતા ડીલરો સામે લાલઆંખ

વાહન માલિકોની ફરિયાદ અનુસાર, સરકારી માર્ગદર્શિકા મુજબ નંબર પ્લેટમાં સ્નેપ લૉક ફિટિંગ કરવાનું હોય છે. પરંતુ વાહન ડીલરો દ્વારા સ્નેપ લૉકના બદલે સામાન્ય રિવેટ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ કારણે વરસાદી પાણીનો પ્રવાહ કે સામાન્ય આંચકો લાગતાં જ નંબર પ્લેટ સરળતાથી છૂટી પડીને પડી જતી હતી.

આરટીઓએ તમામ વાહન ડીલરો માટે જાહેર કર્યો નવો પરિપત્ર

આ તમામ ફરિયાદોને ગંભીરતાથી લઈને અમદાવાદ પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO) દ્વારા તમામ વાહન ડીલરો માટે એક કડક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ, કેન્દ્રીય મોટર વાહન નિયમ 50(5) અનુસાર તમામ વાહનોમાં હાઈસિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) માત્ર સ્નેપ લૉક ફિટિંગથી જ લગાવવાની રહેશે.

નવી નંબર પ્લેટ માટેની ઓનલાઈન પ્રક્રિયા સરળ બનાવવા સૂચના

જે વાહન માલિકોની નંબર પ્લેટ ખોવાઈ ગઈ હોય કે તૂટી ગઈ હોય, તેમને નવી નંબર પ્લેટ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી દસ્તાવેજો અને નિયત ફી અંગે યોગ્ય માર્ગદર્શન આપી ઓનલાઈન અરજી પ્રક્રિયા સરળ બનાવવા પણ ડીલરોને આદેશ આપવામાં આવ્યો છે.

નિયમભંગ કરનાર ડીલરો સામે કાયદેસરની કાર્યવાહી થશે

આરટીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ વાહન ડીલર આ નિયમો અને સૂચનાઓનું પાલન નહીં કરે, તો તેમની સામે નિયમ મુજબ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ આરટીઓએ વાહન માલિકોને પણ અપીલ કરી છે કે પોતાના વાહનમાં નંબર પ્લેટ યોગ્ય રીતે અને સ્નેપ લૉક ફિટિંગ સાથે જ લાગી છે કે નહીં તેની પોતે પણ ખાતરી કરી લેવી.