AMCની નવી રોડ સેફ્ટી પોલિસી, ટ્રાફિક નિયમ ભંગ બદલ ઓટોમેટિક પેનલ્ટી, 2000 TRBની ભરતી કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Road Safety Policy: શહેર સહિત રાજ્યભરમાં રખડતા ઢોરોના ત્રાસ, ગેરકાયદે દબાણો, અનઅધિકૃત પાર્કિંગ, ટ્રાફિક સહિતની સમસ્યાઓને લઈ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી કન્ટેમ્પટ પિટિશનમાં એડવોકેટ અમિત પંચાલ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિસ્તૃત ટ્રાફિક અને રોડ સેફટી પોલિસી તાજેતરમાં રજૂ કરાઈ તેમાં, શહેરમાં જાહેર માર્ગો-ફુટપાથ પરથી દબાણો સહિતના અતિક્રમણ દૂર કરવા, ટ્રાફિક નિયંત્રણ અને સલામતી માટે એઆઈ કેમેરાનો ઉપયોગ વધારવા, નવા બે હજાર જેટલા ટીઆરબી જવાનોની ભરતી કરવા અને ટ્રાફિક નિયમ ભંગ બદલ ઓટોમેટીક પેનલ્ટી સિસ્ટમ વધુ મજબૂત કરવા સહિતના નિર્ણયોને આવરી લેવાયા છે.
રોડ સેફટી પોલિસીમાં અકસ્માતના ચોંકાવનારા આંકડા
અમ્યુકોની આ નીતિમાં શહેરમાં માર્ગ અકસ્માતના નોંધાયેલા આંકડા પણ ચોંકાવનારા સામે આવ્યા છે. જે મુજબ, તા.1-4-2025થી તા.31-3-2026 સુધીમાં શહેરમાં માર્ગ અકસ્માતમાં 454 લોકોએ જીવ ગુમાવ્યા હોવાની વાત સામે આવી છે. એટલે કે, દરરોજ આશરે એક વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નીપજે છે.
શહેરના 1,655 કેમેરા એઆઈ ટેક્નોલોજીથી સજ્જ થશે
શહેરના વિવિધ વિસ્તારમાં મહત્ત્વના જંકશન પર લાગેલા 1,655 કેમેરાને એઆઈ સાથે અપગ્રેડ કરાશે. જેમાં હાલના 6,200 કેમેરાની સ્ટ્રેન્થ સામે બીજા 6,000 કેમેરા ઉમેરવામાં આવશે. આમ 12,200 કેમેરાની ક્ષમતા થશે. જેમાં એઆઈ કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે, જેનાથી પ્રથમ ફેઝમાં 19 જેટલા નિયમોના ભંગ અને બીજા ફેઝમાં કુલ 31 જેટલા નિયમોના ભંગને ઓળખીને દંડની કાર્યવાહી કરી શકાશે. આમ શહેરમાં દર ચોરસ કિલોમીટરે 25 કેમેરા દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપન ઉપર દેખરેખ રાખવામાં આવશે. ટ્રાફિકજામ સમસ્યાના નિવારણ માટે 1095 હેલ્પલાઈન કાર્યરત કરવામાં આવી છે.
તો, અમદાવાદ શહેરમાં રખડતા ઢોરને પકડવા 22 ટીમ સતત કાર્ય કરી રહી છે. અત્યાર સુધીમાં કુલ 14 હજાર જેટલા ઢોર પકડવામાં આવ્યા છે. રખડતા ઢોરોને પકડવાની કામગીરી પણ સતત ચાલુ રાખવામાં આવશે.
ગેરકાયદે પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા હલ કરવા અલગ પાર્કિંગ સેલ ઊભો કરાયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘડવામાં આવેલી તેની સર્વગ્રાહી નીતિમાં બહુ મહત્ત્વના નિર્ણયના ભાગરૂપે ઝીરો ટોલરન્સ રોડની નીતિ અમલમાં મૂકી છે. અમ્યુકો દ્વારા શહેરમાં ગેરકાયદે પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યા હલ કરવાના ભાગરૂપે એક અલગથી પાર્કિંગ સેલ ઊભો કરવામાં આવ્યો છે.
શહેરમાં પાર્કિંગ સુવિધા વધારાશે, 55 જગ્યાએ ફ્રી પાર્કિંગ
અમદાવાદ શહેરમાં એસજી હાઈવે, જજિસ બંગલો રોડ, બ્રિટ રોડ, વાડજથી દિલ્હી દરવાજા, સુભાષચોકથી ઝાયડસ હોસ્પિટલ, નારણપુરાથી શાસ્ત્રીનગર જેવા રોડને ઝીરો ટોલરન્સ રોડ જાહેર કરાયા છે, જ્યાં રોડ ઉપર પાર્કિંગ કરવાની સખત મનાઈ છે. શહેરમાં કુલ 124 પાર્કિંગ ઝોન આવેલા છે, જે પૈકી પે એન્ડ પાર્કની 32 જગ્યાઓ છે.
એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રો ટ્રેન માટે સિંગલ ટિકિટ સિસ્ટમ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રો ટ્રેન માટે એક જ ટિકિટની વ્યવસ્થા કરવાનું આયોજન છે. બીજીબાજુ, વર્ષ 2016 અને 2018ના અમ્યુકો દ્વારા શહેરમાં કરાયેલા સર્વે મુજબ, શહેરના 415 લોકેશન પર આશરે 62 હજારથી વધુ ફેરિયાઓ કાર્યરત છે.
શહેરના 400 મોટા ટ્રાફિક સિગ્નલ વધુ અપગ્રેડ કરાશે
આ પોલિસીમાં અમદાવાદની રોડ પોલિસી, ટ્રાફિક જંકશનના ડિઝાઇન ડેવલોપમેન્ટ, રોડ ઉપરના પાર્કિંગ, રોડ મુજબ ફૂટપાથની પહોળાઈ વગેરે જેવા મુદ્દાઓ વિશે માહિતી આપવામાં આવી છે. આ પોલિસીમાં અમદાવાદના 400 મોટા ટ્રાફિક સિગ્નલને સુધારવા અને સેન્ટ્રલ સર્વર સાથે જોડવા વાત કરવામાં આવી છે. ટ્રાફિક નિયમોના પાલન માટે કેમેરા બેઝ ડિટેક્શન, રીયલ ટાઈમ ડેટા અને નિયમોના ભંગ બદલ ઓટોમેટીક પેનલ્ટીની માહિતી મૂકવામાં આવી છે.
વર્ષ 2025માં 40 લાખ જેટલા ટ્રાફિક ચલણ જનરેટ થયા
અમદાવાદ શહેરમાં રોજના 12 હજાર જેટલા ટ્રાફિક ચલણ જનરેટ થાય છે. 2025માં કુલ 40 લાખ જેટલા ટ્રાફિક ચલણ જનરેટ થયા હતા, જેના દંડની રકમ 266 કરોડ જેટલી થવા જાય છે. માર્ચ, 2026 સુધીમાં કુલ 13.15 લાખ જેટલા ચલણ જનરેટ થયા હતા અને 90 કરોડ જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો. શહેરમાં અનઅધિકૃત પાર્કિંગને લઈને 80 જેટલી ટોઇંગ વાન કાર્યરત છે, જેણે 2025માં 1.98 લાખ મેમો જનરેટ કર્યા હતા અને 12.92 કરોડનો દંડ કરવામાં આવ્યો હતો.









