પિતાએ સ્વકમાણીથી બનાવેલા ઘર પર પુત્ર કે પુત્રવધુનો અધિકાર નહીં, અમદાવાદ કોર્ટનો ચુકાદો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Civil Court Property Dispute: અમદાવાદની ભદ્ર સિટી સિવિલ કોર્ટે કૌટુંબિક મિલકત વિવાદના એક કેસમાં સિનિયર સિટીઝન પિતાને મોટી રાહત આપતો મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પિતાની સ્વ-ઉપાર્જિત મિલકત પર પુત્ર કે પુત્રવધૂનો કોઈ કાનૂની અધિકાર નથી.
પિતાની સ્વ-ઉપાર્જિત મિલકત પર પુત્ર-પુત્રવધૂનો અધિકાર નથી
અમદાવાદની ભદ્ર સિટી સિવિલ કોર્ટે કૌટુંબિક મિલકત વિવાદના એક કેસમાં સિનિયર સિટીઝન પિતાની તરફેણમાં ચુકાદો આપતા પુત્ર અને પુત્રવધૂને 90 દિવસની અંદર ઘરનો કબ્જો ખાલી કરીને પિતાને સોંપી દેવાનો આદેશ કર્યો છે. સિવિલ જજ વી.એ. ધાંધલે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, પિતાએ પોતાની સ્વ-ઉપાર્જિત કમાણીથી ખરીદેલી મિલકતમાંથી પુત્ર અને પુત્રવધૂને બહાર કરવાનો તેમને સંપૂર્ણ કાનૂની અધિકાર છે. માત્ર મૅટ્રિમોનિયલ હોમ (વૈવાહિક ઘર) હોવાના આધારે પુત્રવધૂને આવી મિલકતમાં રહેવાનો કાયદેસર અધિકાર મળી જતો નથી.
90 દિવસમાં મકાન ખાલી કરવા કોર્ટનું ફરમાન
કોર્ટે અરજદાર વયોવૃદ્ધ પિતાનો દાવો આંશિક રીતે મંજૂર કરીને પુત્ર અને પુત્રવધૂને મકાનના પહેલા માળે તેમના કબજાના રૂમો 90 દિવસમાં ખાલી કરવાનો હુકમ કર્યો છે. આ સાથે જ બંને જણાંને પિતાના મકાનના ઉપયોગ અને ભોગવટામાં કોઈપણ પ્રકારનો અવરોધ કે દખલ કરવા સામે કાયમી મનાઈ ફરમાવી દીધી છે. જો કે, પુત્રવધૂ સાથે રહેતી પુત્રવયની પૌત્રીને પક્ષકાર બનાવાઈ ન હોવાથી કોર્ટે તેની વિરુદ્ધ કોઈ આદેશ કર્યો ન હતો.
પુત્રવધૂની દલીલો કોર્ટે ફગાવી
સુનાવણી દરમિયાન પુત્રવધૂએ દાવો કર્યો હતો કે આ મકાન તેનું વૈવાહિક ઘર છે અને ઘરેલું હિંસા કાયદા હેઠળ તેને ત્યાં રહેવાનો અધિકાર છે. તેણે પતિ અને સસરા પર મિલીભગતનો આરોપ પણ લગાવ્યો હતો. જો કે, કોર્ટે પુત્રવધૂની આ દલીલોને ફગાવી દીધી હતી અને દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી બાદ સ્પષ્ટ કર્યું હતું કે મિલકત ખરીદવામાં કે તેના નિર્માણમાં પુત્ર કે પુત્રવધૂનું કોઈ આર્થિક યોગદાન નહોતું. સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓનો સંદર્ભ આપીને કોર્ટે ઠરાવ્યું કે સાસુ-સસરાની સ્વ-ઉપાર્જિત મિલકતને પુત્રવધૂનું શૅરહાઉસહોલ્ડ ગણી શકાય નહીં.
2013થી કોર્ટમાં ચાલી રહ્યો હતો વિવાદ
કેસની વિગતો અનુસાર, વાસણા વિસ્તારમાં રહેતા મનુભાઈ દલસુખભાઈ શાહે 1980ના દાયકામાં પોતાની કમાણીથી આ મકાન ખરીદ્યું હતું. વર્ષ 2002માં પુત્રના લગ્ન થયા બાદ દંપતી પહેલા માળના રૂમોમાં રહેતું હતું. પરંતુ, દંપતી વચ્ચેના મતભેદો અને કૌટુંબિક તકરારના કારણે મામલો વણસ્યો હતો. વારંવારની વિનંતી છતાં પુત્ર અને પુત્રવધૂએ ઘર ખાલી ન કરતાં, કંટાળીને પિતાએ વર્ષ 2013માં મકાન ખાલી કરાવવા માટે સિટી સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. કોર્ટમાં પિતાએ 1980થી 1985 સુધી મકાનના હપ્તા ભર્યાના દસ્તાવેજો અને 1989માં મકાનનું એલોટમેન્ટ પોતાના નામે થયાના પુરાવા રજૂ કર્યા હતા.




