Ahmedabad

આનંદ નિકેતન સ્કૂલમાં વિવાદ અંગે કન્સલ્ટન્ટ સહિત 4ની હકાલપટ્ટી, મલાલાનું પુસ્તક હટાવાયું, રોજ પ્રાર્થના ફરજિયાત, 10 હજારનો કરાયો દંડ

By GS Team
13 Aug 20263 mins read
TukuTouch Logo
અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં નાસ્તામાંથી કાચ અને મલાલાના પુસ્તક વિવાદ બાદ DEOએ કાર્યવાહી કરી છે. શાળાએ 2 સુપરવાઇઝર, કેન્ટીન ઇન્ચાર્જ અને એજ્યુકેશન કન્સલ્ટન્ટને છૂટા કર્યા છે. વિવાદિત પુસ્તક પરત ખેંચી નિયમિત પ્રાર્થના શરૂ કરાઈ છે. RTE રૂલ્સ-2012 મુજબ શાળાને 10,000નો દંડ ફટકાર્યો છે. ફૂડ સેફ્ટી મંજૂરી વિના કેન્ટીન ચાલુ નહીં થાય અને વૈકલ્પિક વ્યવસ્થા ન સ્વીકારનાર વાલીઓને ફી પરત મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આનંદ નિકેતન સ્કૂલમાં વિવાદ અંગે કન્સલ્ટન્ટ સહિત 4ની હકાલપટ્ટી, મલાલાનું પુસ્તક હટાવાયું, રોજ પ્રાર્થના ફરજિયાત, 10 હજારનો કરાયો દંડ

Ahmedabad news : અમદાવાદના શીલજ સ્થિત આનંદ નિકેતન સ્કૂલમાં વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળવાની ઘટના અને મલાલા યુસુફના પુસ્તક મામલે વાલીઓ તથા હિન્દુ સંગઠનના હોબાળા બાદ DEO રોહિત ચૌધરીએ બે નોટિસ આપી હતી. જે બાદ આજે શાળાનો એક્શન ટેકન રિપોર્ટ રજૂ કર્યો છે. આ બે બેદરકારી બદલ શાળાએ જવાબદાર એજ્યુકેશન કન્સલ્ટન્ટ, બે સુપરવાઇઝરો અને કેન્ટીન ઇન્ચાર્જને તાત્કાલિક નોકરીમાંથી છૂટા કર્યા છે તેમજ વિવાદિત પુસ્તક પરત ખેંચી નિયમિત પ્રાર્થના શરૂ કરાવી છે. શિક્ષણ તંત્રએ બાળકોની સુરક્ષા અને સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતા RTE રૂલ્સ-2012 મુજબ શાળાને 10,000નો દંડ ફટકાર્યો છે અને ફૂડ સેફ્ટી વિભાગની મંજૂરી વિના કેન્ટીન ચાલુ ન કરવા તેમજ વૈકલ્પિક વ્યવસ્થા ન સ્વીકારનાર વાલીઓને કેન્ટીનની ફી પરત કરવાનો કડક આદેશ આપ્યો છે.

આ અંગે DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે, આનંદ નિકેતન શિલજ કેમ્પસમાં બનેલી બે ઘટનાઓને લઈને શાળાને બે નોટીસ આપી તેમની પાસેથી લેખિત ખુલાસો માંગ્યો હતો. શિક્ષણ તંત્રએ આ ગંભીર બેદરકારીને ધ્યાને લઈ ત્યાં તપાસ ટીમ મોકલી અને પ્રાથમિક અહેવાલ પણ મંગાવ્યો હતો. આ અહેવાલમાં સ્પષ્ટ થયું કે એક વિદ્યાર્થીના નાસ્તામાં કાચ કે પ્લાસ્ટિકનો ટુકડો હોવાની જે ફરિયાદ હતી, તે ભલે રૂબરૂ ન મળ્યો હોય પરંતુ ફોટો સ્વરૂપે મળ્યો હતો અને નિવેદનોમાં પણ તે સ્પષ્ટ થતાં શાળાએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે. બીજી ઘટનામાં યુસુફ મલાલાના પુસ્તકના કારણે વાલીઓ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રજૂઆત કરી ખૂબ હોબાળો મચાવવામાં આવ્યો હતો. આ બાબતોને ધ્યાને લઈ અમે શાળા સામે તાત્કાલિક એક્શન લેવા જણાવતાં, શાળા દ્વારા એજ્યુકેશન કન્સલ્ટન્ટ કે કરિક્યુલમ ડિઝાઇનર મુંજા સમ્સને તાત્કાલિક રિલીવ કરી દેવામાં આવ્યા છે અને તે દિવસે ડ્યુટી પર હાજર બંને સુપરવાઇઝરોને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, જવાબદારો સામે કાર્યવાહી કરવાની સૂચના આપતાં તેમણે કેન્ટીન ઇન્ચાર્જને પણ હટાવ્યા છે, પ્રિન્સિપાલની રેગ્યુલર ખાલી પોસ્ટ ભરવાની તથા નવી કેન્ટીન એજન્સી માટેની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.

Malala kanch.jpg

તેમણે વધુમાં જણાવ્યું કે, પુસ્તકની બાબતમાં શાળાનો કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો ઇરાદો નહોતો છતાં તેમણે પુસ્તક પરત ખેંચી લીધું છે અને ભવિષ્યમાં આવું કોઈ દબાણ ન કરવાની તેમજ ધાર્મિક લાગણી ન દુભાય તેની ખાતરી આપી છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે પુસ્તકાલયમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય પાત્રોના વૈકલ્પિક પુસ્તકો વાંચવા માટે ઉપલબ્ધ રખાશે તેવી પણ બાંહેધરી આપી છે. શાળામાં છેલ્લા એક મહિનાથી પ્રાર્થના થતી ન હોવાની વાલીઓની ફરિયાદ સામે હવે દરરોજ પ્રાર્થના થાય તે પ્રકારે શાળાએ આખા અઠવાડિયાનો કાર્યક્રમ સોંપ્યો છે. અમારી કચેરી દ્વારા સૂચવેલી તમામ બાબતોનું શાળાએ પાલન તો કર્યું છે, છતાં પણ આવી ગંભીર ભૂલો ભવિષ્યમાં ચલાવી ન શકાય. બાળકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય શિક્ષણની સાથે ખૂબ અગત્યના હોવાથી, શિક્ષણતંત્ર આવી કોઈ બેદરકારી ચલાવી લેશે નહીં અને આથી જ અમે આરટી (RTE) રૂલ્સ 2012 પ્રમાણે શાળાની આ પ્રથમ ભૂલ હોવા છતાં તેમને રૂપિયા 10,000નો દંડ પણ ફટકાર્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે શાળાએ બે દિવસ પ્રાથમિક વિભાગનું શૈક્ષણિક કાર્ય બંધ રાખી ઓનલાઇન શિક્ષણ આપ્યું હતું, પરંતુ હવે પોલીસ સ્ટેશનમાં પ્રોટેક્શનની અરજી આપ્યા બાદ આવતીકાલથી શાળામાં ઓફલાઇન શિક્ષણ રાબેતા મુજબ શરૂ કરાશે. જ્યાં સુધી ફૂડ અને સેફ્ટી વિભાગ દ્વારા સંપૂર્ણ ક્લિયરન્સ ન મળે ત્યાં સુધી શાળાની કેન્ટીન રેગ્યુલર ચાલુ થઈ શકશે નહીં. કેન્ટીનની ફી ભરનારા વિદ્યાર્થીઓ માટે શાળા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તેમની અન્ય આનંદ નિકેતન શાળામાંથી ભોજન પૂરું પાડવાની રજૂઆત હતી, જેને સ્વીકારવી કે નહીં તે વાલીઓની સ્વેચ્છા પર નિર્ભર છે. અમે શાળાને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જો કોઈ વાલી આ વૈકલ્પિક વ્યવસ્થા લેવા ન ઈચ્છતા હોય તો તેમને ભરેલી ફી પરત કરવી પડશે. વિદ્યાર્થીઓની ફૂડ સેફ્ટી અમારા માટે ખૂબ મહત્વની છે, તેથી અમે આ મામલે ફૂડ અને સેફ્ટી વિભાગ સાથે રહીને આગળની તમામ જરૂરી કાર્યવાહી કરીશું.