સરસપુર રેલવે સ્ટેશન સમાંતર 100 ફૂટનો રોડ બનાવવા 184 મિલકત કપાશે, AMCએ વાંધા ફગાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : અમદાવાદ શહેરના મુખ્ય રેલ્વે મથકના ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. રેલ્વે સ્ટેશનની આગળના ભાગે તો સળંગ રોડ છે અને બ્રિજ પર બની રહ્યો છે, પરંતુ પાછળના ભાગે સરસપુર તરફનો રસ્તો અતિશય સાંકડો છે. વળી, એ તરફ જ મેટ્રો રેલવેનું સ્ટેશન છે અને બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહ્યું છે. આ તમામ પાસાઓને ધ્યાને લઈને રેલ્વે પ્લેટફોર્મ નં.12 સાથે જોડાયેલો કાલુપુરથી સારંગપુર ઓવરબ્રિજસુધીનો રોડ 100 ફૂટ પહોળો કરવા માટેની કવાયત તેજ કરવામાં આવી છે. રસ્તો પહોળો કરવા માટે વિવિધ પ્રકારની 184 મિલકતો કપાતમાં જશે.
કાલુપુરથી સારંગપુર સુધીનો રસ્તો પહોળો કરાશે
કાલુપુરથી સારંગપુર ઓવરબ્રિજ સુધીનો 12.2 મીટરની પહોળાઈનો 700 મીટર રોડ 30.5 મીટર પહોળો કરાશે. સરસપુર તરફ અમદાવાદના મુખ્ય રેલ્વે સ્ટેશનની સમાંતરનો હયાત 12.2 મીટરનો રસ્તો 30.5 મીટર પહોળો કરવા માટેની કવાયત આમ તો વર્ષ 2006થી શરૂ થઈ છે. પરંતુ અત્યાર સુધી ગોકળ ગાયની ગતિએ કાર્યવાહી ચાલતી હતી. કપાતમાં જનારી મિલકતોના અસરગ્રસ્તોને જીપીએમસી એક્ટની કલમ 212(1)(એ) અને 213હેઠળની નોટિસ આપવામાં આવી હતી. જેમાં રજૂ થયેલા વાંધા-સૂચનો વ્યક્તિગત હોવાનું અને જાહેર હિતને લગતા ન હોવાનું જણાવીને મ્યુનિ.એ ફગાવી દીધા છે. પરિણામે હવે તમામ 184 આસામીઓને જીપીએમસી એક્ટની કલમ 212(2) હેઠળની 35 દિવસની મુદત આપતી નોટિસ આપવામાં આવશે. આ મુદતમાં સ્વૈચ્છિક રીતે બાંધકામો દૂર કરવામાં નહીં આવે તો કલમ 212(3) મુજબ ખાતાકીય રાહે અમલવારી કરવામાં આવશે. આ માટેની દરખાસ્ત આવતીકાલે ગુરુવારે મળનારી સ્થાયી સમિતિની બેઠક સમક્ષ મૂકવામાં આવી છે.
અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થાના તમામ વિકલ્પ અપાયા
અમદાવાદ મ્યુનિ.ની સ્થાયી સમિતિના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું છે કે, શહેરના વિકાસ અને લોકોની સુવિધા માટે રસ્તો પહોળો કરવો જરૂરી છે. અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થાના તમામ વિકલ્પો આપવામાં આવ્યા છે. ભાડુઆતો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ ભાડુઆત મ્યુનિ.ની આવાસ યોજનામાં જવા માગતા હોય તો તેમના પૈસા વળતરની રકમમાંથી કાપીને બાદમાં વધેલી રકમ મૂળ જમીન માલિકને ચૂકવવામાં આવશે. જેના કારણે કોઈને અન્યાય થાય નહીં.
કપાતમાં જનાર મિલકતો
પ્રકાર | કુલ | પૂર્ણ | આંશિક |
રહેણાંક | 113 | 74 | 39 |
કમર્શિયલ | 47 | 37 | 10 |
મિક્સ | 20 | 19 | 1 |
ધાર્મિક | 4 | 1 | 3 |









