Ahmedabad

14 મહિનાનો 'ગ્રે પિરિયડ' અને 10 કરોડનો ચૂનો! ગુજરાત યુનિ.માં નિરજા ગુપ્તાએ આચરેલી ગેરરીતિની ઇનસાઇડ સ્ટોરી

By GS Team
11 Aug 20263 mins read
TukuTouch Logo
ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના કાર્યકાળમાં થયેલી ગેરરીતિઓ સામે આવી છે. 10 જેટલા હંગામી અધિકારીઓ-કર્મચારીઓને કોઈપણ કાયદેસર પ્રક્રિયા વિના નોકરીએ રખાયા હતા અને તેમને 4-5 ગણો વધુ પગાર ચૂકવાતો હતો. આ કૌભાંડ સામે આવતા, વર્તમાન ઇન્ચાર્જ કુલપતિ જગદીશ જોશીએ તપાસ સમિતિ રચતા, પ્રાથમિક અહેવાલને આધારે તમામ 10 કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા છે. યુનિવર્સિટીને 10 કરોડથી વધુનો ફટકો પડ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

14 મહિનાનો 'ગ્રે પિરિયડ' અને 10 કરોડનો ચૂનો! ગુજરાત યુનિ.માં નિરજા ગુપ્તાએ આચરેલી ગેરરીતિની ઇનસાઇડ સ્ટોરી

Gujarat University Recruitment Scam: ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન થયેલી વિવાદાસ્પદ ભરતીઓ મામલે એક મોટો ઘટસ્ફોટ થયો છે. મળતી માહિતી મુજબ, કોઈપણ પ્રકારની કાયદેસરની પ્રક્રિયા કે પારદર્શિતા અપનાવ્યા વિના જ 10 જેટલા હંગામી અધિકારીઓ અને કર્મચારીઓને સીધી જ નોકરીએ રાખી લેવાયા હતા. આ કર્મચારીઓને સામાન્ય કરતા ચારથી પાંચ ગણો વધુ પગાર ચૂકવવામાં આવતો હતો. જોકે, આ કૌભાંડ સામે આવતા વર્તમાન ઇન્ચાર્જ કુલપતિ જગદીશ જોશીએ એક તપાસ કમિટીની રચના કરી હતી, જેના પ્રાથમિક અહેવાલને આધારે આ તમામ 10 કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

સિન્ડિકેટ અને સરકારી નોમિનીની ગેરહાજરીનો ઉઠાવ્યો ફાયદો

ગુજરાત યુનિવર્સિટીમાં આ સમગ્ર ગેરરીતિને બહુ જ આયોજનબદ્ધ રીતે કરી હોવાનું સામે છે. પહેલી જુલાઈ 2023ના રોજ નીરજા ગુપ્તાએ કુલપતિનો ચાર્જ સંભાળ્યો હતો. તે સમયે જૂના એક્ટનું વિસર્જન અને નવા કોમન યુનિવર્સિટી એક્ટ (નવમી ઓક્ટોબર 2023)નો અમલ થવાની પ્રક્રિયા ચાલી રહી હતી. નવા એક્ટ હેઠળ યુનિવર્સિટીને વધુ સ્વાયત્તતા મળી હતી, પરંતુ સરકાર દ્વારા નોમિનેટ થતા સિન્ડિકેટ સભ્યોની નિમણૂક 14 મહિના સુધી થઈ શકી નહોતી. પૂર્વ કુલપતિએ આ સમયગાળાનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને સિન્ડિકેટ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકોમાં પોતાના માનીતાઓને ગોઠવી દીધા હતા.

સરકારી નોમિનીની ગેરહાજરીમાં બોલાવાયેલી આ બેઠકોમાં માત્ર યુનિવર્સિટીના જ પ્રોફેસરો અને વિભાગીય વડાઓ હાજર રહેતા હતા, જેમણે ક્યારેય નીરજા ગુપ્તાના નિર્ણયોનો વિરોધ કર્યો નહોતો. આશ્ચર્યની વાત એ છે કે, નવમી ડિસેમ્બર 2024ની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં તત્કાલીન ભાજપના ધારાસભ્ય અને BOM સભ્ય કૌશિક જૈન હાજર હોવા છતાં, તેમણે પણ લાખોના પગારદાર અધિકારીઓની નિમણૂક અંગે કોઈ વાંધો ઉઠાવ્યો નહોતો કે સરકારમાં આ અંગે કોઈ રજૂઆત કરી નહોતી. નિયમો નેવે મૂકીને કરાયેલી આ મનસ્વી ભરતીઓના કારણે યુનિવર્સિટીની તિજોરીને અંદાજે 10 કરોડ રૂપિયાથી વધુનો ફટકો પડ્યો છે.

દર મહિને લાખો રૂપિયાનો પગાર ચૂકવાયો

અલગ-અલગ તારીખોએ બોલાવાયેલી બેઠકોમાં ઊંચા પગાર ધોરણે અનેક નિમણૂકોના ઠરાવો મંજૂર કરાયા હતા. માહિતી અનુસાર, ત્રીજી એપ્રિલ 2024ના રોજ એસ્ટેટ એન્જિનિયર તરીકે ચંદ્રશેખર ઝા (1.50 લાખ રૂપિયા), 25મી મે 2024ના રોજ HPP કોર્ષના ડાયરેક્ટર પદે પાવન પંડિત (2.25 લાખ રૂપિયા), અને 14મી જૂનના રોજ ચીફ એકાઉન્ટ ઓફિસર તરીકે દિનેશ શર્મા (1.50 લાખ રૂપિયા)ની નિમણૂક કરવામાં આવી હતી. આ ઉપરાંત, 9 ડિસેમ્બરે IIS ડાયરેક્ટરને 1.50 લાખ રૂપિયા અને લીગલ ઓફિસરને 55 હજાર રૂપિયાના માસિક પગારે નીમવામાં આવ્યા હતા. કેટલાક કિસ્સામાં તો પગાર 5 લાખ રૂપિયા સુધી પણ નક્કી કરાયો હતો.

આખરે 13 જાન્યુઆરી 2025ના રોજ રાજ્ય સરકારે સ્મિતાબહેન જોશી, હિરેન જાદવ, આશિષ અમીન અને શ્વેતલ સુતરિયા એમ 4 સભ્યોની 'સરકાર નોમિની સિન્ડિકેટ સભ્ય' તરીકે નિમણૂક કરી હતી. પરંતુ, આ સભ્યોની એન્ટ્રી થાય તે પહેલા જ પૂર્વ કુલપતિએ હંગામી જગ્યાઓ પર મોટાભાગની ભરતીઓ પૂર્ણ કરી દીધી હતી. નીરજા ગુપ્તાએ ભૂતકાળમાં પોતાની આ કાર્યવાહીને યોગ્ય ઠેરવવાના ઘણાં ઘટસ્ફોટ કર્યા હતા, પરંતુ તેઓ આ ભરતીઓ નિયમ મુજબ થઈ હોવાનો કોઈ જ નક્કર પુરાવો રજૂ કરી શક્યા નહોતા, જેના પરિણામે વર્તમાન સત્તાધીશોએ કડક કાર્યવાહી કરતા તમામને ઘરભેગા કર્યા છે.