અમદાવાદમાં રાજધાની એક્સપ્રેસના બેઝ કિચનમાંથી 1383 એક્સપાયર્ડ ફૂડ પેકેટ મળી આવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Rajdhani Express Expired Food: મુસાફરોને ગુણવત્તાયુક્ત ભોજન આપવાના દાવા વચ્ચે અમદાવાદમાં રેલવેની ખાસ ટીમની તપાસમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં સ્વર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ માટે ભોજન તૈયાર કરતા બેઝ કિચનમાં સમયમર્યાદા પૂર્ણ થયેલી ખાદ્યસામગ્રીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. મુસાફરોના આરોગ્ય સાથે ચેડા થાય તેવી સ્થિતિ સામે આવતા ભોજન પૂરું પાડતી કંપનીને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
હલ્દીરામના પૌઆ, ઉપમા, છોલે મસાલા તેમજ ફોર્ચ્યુન સોજીના પેકેટ એક્સપાયર્ડ થઈ ગયેલાં હતાં
અમદાવાદ મંડળના ડીઆરએમ દ્વારા રચાયેલી રેલવે ફૂડ વિજિલન્સ ફોર્સે સતત બીજા દિવસે અમદાવાદ રેલવે પરિસર અને ટ્રેનોમાં તપાસ હાથ ધર્યું હતું. જેમાં સ્વર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ માટે ભોજન તૈયાર કરતા બેઝ કિચનમાં ઓચિંતી તપાસ કરી હતી. તપાસ દરમિયાન મુસાફરોને પીરસવા માટે રાખવામાં આવેલી સમયમર્યાદા પૂર્ણ થયેલી ખાદ્યસામગ્રીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં હલ્દીરામ પૌઆના 369 પેકેટ, હલ્દીરામ ઉપમાના 984 પેકેટ, હલ્દીરામ છોલે મસાલાના 24 પેકેટ, ફોર્ચ્યુન સોજીના 6 પેકેટ એક્સપાયર્ડ ડેટ સાથે મળી આવ્યા હતાં. આમ, કુલ 1383 પેકેટ એક્સપાયર્ડ સામગ્રી મળી આવતાં ભોજનની ગુણવત્તા અને મુસાફરોની સલામતી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. નિયમોના ભંગ બદલ ભોજન પૂરું પાડતી કંપની સામે રેલવેએ 10 લાખ રૂપિયાનો દંડ ફટકારી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રીમિયમ ટ્રેનમાં પણ 'એક્સપાયર્ડ' ભોજન!
રાજધાની જેવી પ્રીમિયમ ટ્રેનમાં મુસાફરો વધુ ભાડું ચૂકવે છે. અને તેના બદલામાં સલામતી, સ્વચ્છતા તથા ગુણવત્તાયુક્ત ભોજનની અપેક્ષા રાખે છે. પરંતુ આ જ ટ્રેનના બેઝ કિચનમાં જ સમયમર્યાદા પૂર્ણ થયેલી સામગ્રીનો મોટો જથ્થો મળવો તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કરે છે. મુસાફરો માટે સૌથી ચિંતાજનક બાબત એ છે કે, તપાસ દરમિયાન પકડાયેલી સામગ્રી જો ભોજનમાં વપરાઈ હોત તો તેમના આરોગ્ય પર મોટી અસર થઈ શકતી હતી.
રેલવે તંત્ર માટે દંડ પછી કાર્યવાહી પૂરી થઈ જાય એટલું પૂરતું નથી, આવી બેદરકારી ફરી ન થાય તેની કડક દેખરેખ પણ રાખવી ખુબ જરૂરી છે.
15 સ્થળે તપાસ, 40 લાખનો દંડ ફટકાર્યો
ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ અમદાવાદ મંડળની ફૂડ વિજિલન્સ ટીમે અમદાવાદ, ગાંધીધામ, આદિપુર, મહેસાણા, પાલનપુર અને વિરમગામ સહિત 15 સ્થળે બેઝ કિચન અને ખાનપાન કેન્દ્રોની તપાસ કરી હતી. તપાસમાં સ્વચ્છતાનો અભાવ, બગડેલી ખાદ્ય સામગ્રી, જીવાત, ખુલ્લા મસાલા, જરૂરી રેકોર્ડનો અભાવ તથા નિર્ધારિત સ્થળને બદલે અન્યત્રથી ભોજન તૈયાર કરાવવાની ગેરરીતિ મળી હતી. નિયમોના ભંગ બદલ વિવિધ સ્થળોએ જવાબદારો પાસેથી આશરે 40 લાખ રૂપિયાનો દંડ કરાયો હતો. જ્યારે એક બેઝ કિચનને સીલ કરાયું હતું.




