Zagmag

નકુળ જ કેમ ?

By GS Team
3 Jul 20262 mins read
નકુળ જ કેમ ?

'માતા માદ્રીના બંને પુત્રો અવસાન પામ્યા છે, એટલે જો એક જ પુત્ર પાછો મળી શકતો હોય તો તેમનો જ પુત્ર મળવો જોઈએ.'
જંગલમાં અટવાયેલા પાંડવો… પાણીથી કંઠ સુકાય.
પાણી શોધવા એક પછી એક ચાર ભાઈઓ ગયાપણ પાછા જ ફર્યા નહિ. સરોવરના રખેવાળ યક્ષે પ્રશ્નો પૂછ્યા. એ પ્રશ્નોના જવાબ ભીમ, અર્જુન, સહદેવ, નકુળ કોઈ જ આપી શક્યું નહિ અને મૃત્યુને ભેટયા.
ભાઈઓ પાછા ફર્યા નહિ તો ધર્મરાજ યુધિષ્ઠિર જાતે પાણીની શોધમાં નીકળ્યા. એ જ સરોવર પાસે આવી પહોંચ્યા.
યક્ષના બધા પ્રશ્નોના જવાબો તેમણે સરસમાં સરસ રીતે આપ્યા.
યક્ષ કહે - ધર્મરાજ! તમે જવાબો સુંદર આપ્યા છે. તમે પાણી પીવાના અધિકારી છો. તમે કહો તો હું તમારા ચારમાંથી એક ભાઈને જીવતદાન પણ આપી શકું છું. માત્ર એકને. બોલો કોને સજીવન કરું!
યુધિષ્ઠિરે વિચાર કર્યો.
પછી તેઓ કહે - 'નકુળને જીવતદાન આપો.'
યક્ષ આભો જ બન્યો.
તેણે પૂછ્યું - 'ધર્મરાજ ! આ વાત મારી સમજમાં આવી નહિ. ભીમ તથા અર્જુન તમારા સગા ભાઈઓ છે. ઉપરાંત કૌરવો સાથેના છેવટના યુદ્ધમાં તમને ભીમની ગદા તથા અર્જુનના ગાંડીવની જ જરૂર પડશે. અરે, સહદેવ જ્યોતિષી છે. સર્વજ્ઞાાતા છે. એની જરૂર પણ પડવાની જ. એ કોઈને નહિ અને નકુળને જ શા માટે જીવતો રાખવા ઇચ્છો છો ?'
'ધર્મ એ જ કહે છે માટે,' ધર્મરાજે ધર્મવાણી ઉચ્ચારી. તેઓ કહે - 'કુંતી તથા માદ્રી એવી બે માતાના અમે પાંચ પુત્રો છીએ. અમારામાંથી હું તો જીવિત છું. માતા માદ્રીના બંને પુત્રો અવસાન પામ્યા છે, એટલે જો એક જ પુત્ર પાછો મળી શકતો હોય તો તેમનો જ પુત્ર મળવો જોઈએ. તેમાંય માતાને હંમેશાં નાનો પુત્ર વધુ લાડકો હોય છે. મને લાગે છે કે નકુળને મેળવીને જ માતા માદ્રી ઘણાંરાજી થશે.
આવી ન્યાયપૂર્ણ વાત સાંભળી યક્ષ બોલી ઊઠયો - 'યુધિષ્ઠિર, સાચે જ તમે ધર્મરાજા છો. તમારી વાતો ધર્મતત્વથી પરિપૂર્ણ હોય છે. જાવ, હું તમારા ચારેય ભાઈને જીવતદાન આપું છું.'
એટલું કહેતાં જ, જાણે ઊંઘમાંથી જાગી ઊઠતા હોય તેમ ભીમ, અર્જુન, સહદેવ, નકુળ એમ ચારેય ભાઈઓ જીવતા થઈ ઊઠયા.