Zagmag

આ ટપાલ કોની છે ?

By GS Team
31 Jul 20262 mins read
આ ટપાલ કોની છે ?
  • તોફાની હું..? ના દાદા, હું તો ટીંગુ છું, ટીંગુ.
  • તે રાતનાં કપડામાં જ હતો. તેનું લેસન પણ બાકી હતું.
  • હરીશ નાયક

ઘરડા ટપાલીદાદા ટપાલ લઈને આવ્યા. ટપાલ ભારે વિચિત્ર હતી. એક તો ટપાલીદાદાથી બરાબર વંચાતુ ન હતું. તેમાં નામઠામ પણ નવાં હતાં. પરબીડિયા પર લખ્યું હતું - આળસપ્રિય તોફાનીલાલ ઊડઝૂડિયાને મળે.
શોધતાં શોધતાં ટપાલીદાદા આનંદને ત્યાં પહોંચ્યા. આનંદ હજી સૂતો હતો.
ટપાલીદાદાએ પૂછ્યું - આ આળસપ્રિય અહીં રહે છે કે ?
આનંદ ખળભળીને ઊભો થયો. ઝટપટ મોઢું ધોઈને વાંચવા બેસી ગયો. તે જાતે જ કહેવા લાગ્યો - ના ના. અહીં એવું કોઈ આળસપ્રિય રહેતું નથી.
ટપાલીદાદા આગળ વધી ગયા. વિનોદ એની નાની બહેનની મજાક ઉડાડતો હતો. એની ફેલ ખેંચી તેને રડાવતો હતો.
ટપાલીદાદાએ તેને પૂછ્યું - આળસપ્રિય તોફાનીલાલ ઊડઝૂડિયા…?
વિનોદે દોડીને દફતર હાથમાં લઈ લીધું. ડાહ્યોડમરો બની જઈ તે કહે - 'હું તો નિશાળે જાઉં છું. હું કંઈ તોફાનીલાલ કે ઉડઝૂડિયો નથી હા.'
ટપાલીદાદાએ નટવરનું બારણું ઠોક્યું. નટવર હજી ન્હાયો ધોયો નહોતો. હજી તે રાતનાં કપડામાં જ હતો. તેનું લેસન પણ બાકી હતું.
ટપાલીદાદાએ પૂછ્યું - આળસપ્રિય તોફાનીલાલ ઉડઝૂડિયા… ?
'ના રે બાપ !' નટવરે નાવણિયા તરફ દોડતાં કહ્યું - 'આપણે નહિ !'
ટપાલીદાદાએ એક છોકરીને પૂછ્યું - 'આ આળસપ્રિય ઉડઝૂડિયા….?'
છોકરી કોલસાથી ભીંત અને મોઢું કાળું
કરતી હતી.
તે બોલી ઊઠી - ના, હું નહિ. આગળ…,
ટપાલીદાદા આગળ વધી ગયા. ટીંગુ હાથમાં પથરો લઈ કોઈને મારવા જતો હતો. ટપાલીદાદાએ પૂછ્યું - ભાઈ તોફાનીલાલ…?
ટીંગુ પથરો ફેંકી દઈને કહે - તોફાની હું…? ના દાદા, હું તો ટીંગુ છું, ટીંગુ.
ટપાલીદાદાએ હસી દીધું. પણ તેમણે પૂછવાનું તો ચાલુ જ રાખ્યું. ગોપાલ ભણતો ભણતો ઝોકાં ખાતો હતો. નવીન ગધેડાનું પૂંછડું આમળતો હતો. દિનેશ ફેરિયા પર ઝાપટ મારી થોડીક વાનગી તફડાવવાની પેરવીમાં હતો, બાબુ બળદનાં શિંગડાં પર કોથળો ઢાંકતો હતો. કીર્તિ કૈલાસકાકીના બંધ બારણાની સાંકળને દોરી બાંધી દૂર બેઠો બેઠો સાંકળ ખખડાવતો હતો.
ટપાલીદાદાએ એ બધાંને પૂછ્યું. બધાં ઠાવકાં બની ગયાં. ડાહ્યાડમરા બની ગયાં. એમાંના કોઈની આ ટપાલ ન હતી.
ટપાલીદાદા હવે થાક્યા. તેઓ એક બાંકડા પર બેસી ગયા. તેઓ વિચારવા લાગ્યા કે ત્યારે આ ટપાલ કોની હશે ?
છેવટે તેમને લાગ્યું કે લાવ ટપાલ ઉઘાડી જોઉં. અંદર જરૂર વધુ વિગતો હશે.
ટપાલીદાદાએ તો પરબીડિયું ઉઘાડયું.
ટપાલમાં લખ્યું હતું - 'એપ્રિલ ફૂલ.'
બધાં ખડખડાટ હસી પડયાં. ટપાલીદાદા પણ હસી પડયા. ખરી વાત હતી. અલ્યા, આજે તો એપ્રિલની પહેલી તારીખ હતી.
છતાં ટપાલીદાદાએ કહ્યું - છોકરાંઓ, આજે તો બચી ગયા, પણ ડાહ્યાંડમરાં નહિ બનો ને તો આવી ટપાલ તમને જરૂર મળી જશે હા.
છોકરાંઓ બોલી ઊઠયાં - અમે જરૂર ડાહ્યાંડમરાં બનીશું.