ખાડો ખોદે તે પડે

- ધનસુખ શેઠે રાત્રે હસમુખ શેઠના ઘર આગળ એક મોટો ખાડો ખોદ્યો. ખાડો દેખાય નહીં તેમ ઘાસ, પાંદડાં, કાંટા ને માટી નાખીને ઢાંકી દીધો જેથી કોઈને દેખાય નહીં.
- મણિલાલ શ્રીમાળી 'મિલન'
એક મજાનું ગામ હતું. રંગપુર એનું નામ. ગામ નાનું પણ ખૂબ જ મજાનું, સ્વચ્છ અને રળિયામણું લાગે. આ ગામમાં બધા જ મહેનતુ, પ્રામાણિક અને સુખી-સંપન્ન હતા.
આ ગામમાં બે ધનવાન શેઠ રહેતા હતા. એકનું નામ ધનસુખ શેઠ અને બીજા હસમુખ શેઠ. બંને ધનવાન તો હતા જ, પરંતુ સ્વભાવે બંને તદ્દન અલગ અલગ હતા.
ધનસુખ શેઠને ધનનું ખૂબ જ અભિમાન હતું. વળી, તે લોભી, લાલચુ અને કંજૂસ હતા. ગામમાં કોઈનું પણ સારું થાય કે કોઈ આગળ આવે, એ એમનાથી ક્યારેય સહન થતું નહીં. ધનવાન હોવા છતાંય ક્યારેય કોઈને મદદ કરતા નહીં. અરે, પોતે પણ વાપરે નહીં! માત્ર ખજાનો ભેગો કરવામાં જ રસ હતો.
જ્યારે હસમુખ શેઠ ભલા-ભોળા અને હંમેશાં સરળ તથા હસમુખા સ્વભાવના હતા. ધનનું તો સહેજેય અભિમાન કે અહંકાર નહીં. ગામમાં દરેકને મદદ કરતા. ગમે ત્યારે ગમે તે માણસ શેઠ પાસે આવે તો એને શાંતિથી સાંભળીને મદદ કરતા. જીવનમાં હસમુખ શેઠે ક્યારેય કંજૂસાઈ, લોભ કે લાલચ કરી નહોતી. શેઠ તો કોઈકનું ભલું થાય, સારું થાય, એમાં જ રાજી અને ખુશ રહેતા.
જેથી ગામલોકો પણ હસમુખ શેઠના વખાણ કરતા ધરાતા નહીં ને વાહવાહી કરતા. આ વખાણ અને વાહવાહીથી ધનસુખ શેઠ દુખી દુખી થઈ જતા! એમનાથી આ ક્યાંથી સહન થાય! એમને તો એમ કે મારાથી આગળ કોઈ હોવું જ ના જોઈએ.
ધનસુખ શેઠે વિચાર્યું કે હસમુખ શેઠને એવો પાઠ ભણાવું કે એનું નામનિશાન ના રહે!
હસમુખ શેઠને એક દિવસ પ્રસંગોપાત બહારગામ જવાનું થયું અને ત્યાં ગયા પછી રોકાવાનું પણ થયું. આ જાણીને ધનસુખ શેઠે રાત્રે હસમુખ શેઠના ઘર આગળ એક મોટો ખાડો ખોદ્યો. ખાડો દેખાય નહીં તેમ ઘાસ, પાંદડાં, કાંટા ને માટી નાખીને ઢાંકી દીધો જેથી કોઈને દેખાય નહીં. ધનસુખ શેઠને એમ કે હસમુખ શેઠ આવશે તેવા જ ખાડામાં પડશે અને એમના રામ રમી જશે!
પણ ઈશ્વરે અહીં કંઈક અલગ જ વિચાર્યું હશે. 'રામ રાખે તેને કોણ ચાખે'- એમ જ થયું. હસમુખ શેઠને તો ત્યાં એક દિવસ વધારે રોકાવાનું થયું. આ બાજુ ધનસુખ શેઠને પેલો ખાડો જોવાની ને હસમુખ શેઠને શું થયું એ જોવાની તાલાવેલી જાગી. તે તો ઉતાવળમાં ને ઉતાવળમાં ખાડા પાસે જતાં જ અચાનક પગ લપસ્યો ને ધનસુખ શેઠ પોતે જ ખાડામાં પડયા! આ બાજુ ધનસુખ શેઠ ખાડામાં પડી ગયાની વાત આખા ગામમાં વાયુવેગે પ્રસરી ગઈ.
ગામના લોકો તો ધનસુખ શેઠના સ્વભાવથી અને કળા કારનામાથી પરિચિત હતા જ, એ બધા ભેગા મળીને હસવા લાગ્યા ને કહેવા લાગ્યા કે, 'બીજાનું બૂરું કરવા જતાં હંમેશાં પોતાનું જ બૂરું થાય છે. ક્યારેય કોઈનું ખરાબ થાય કે નુકસાન થાય એવો વિચાર કે કાર્ય કરવું નહીં.'
અહીં જોયું ને! પોતે જ ખાડો ખોદ્યો ને પોતે જ ખાડામાં પડયા, એટલે 'ખાડો ખોદે તે પડે' એ કહેવત અહીં સાર્થક થાય છે. કોઈનેય મદદરૂપ થવાથી ભગવાન રાજી રહે છે અને એને સહાય કરે છે. આપણે કોઈના પગથિયારૂપ ના બનીએ તો કંઈ નહીં, પણ ખાડારૂપ તો ન જ બનીએ!









